કચ્છ અને પોરબંદરમાં નવા શિપબિલ્ડિંગ ક્લસ્ટર સ્થપાશે
ભુપેન્દ્ર સરકારની કચ્છને વધુ એક ભેટ
રાજ્યની શિપબિલ્ડિંગ ક્ષમતા વર્ષ ૨૦૪૭ સુધીમાં ૩૦ લાખ ગ્રોસ ટને પહોંચાડવાનું લક્ષ્ય : ટૂંક સમયમાં નવી નીતિની જાહેરાતની શક્યતા
ગાંધીનગર : ગુજરાત સરકાર રાજ્યમાં દરિયાઈ ઉદ્યોગને વેગ આપવા માટે એક અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ સરકાર દ્વારા નવી શિપબિલ્ડિંગ અને રિપેરિંગ પોલિસી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે, જે અંતર્ગત કચ્છના છછી અને પોરબંદરના કુછડી ખાતે બે મોટા શિપબિલ્ડિંગ ક્લસ્ટર સ્થાપવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા સરકાર વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતની જહાજ નિર્માણ ક્ષમતા વધારીને ૩૦ લાખ ગ્રોસ ટન સુધી લઈ જવાનો નિર્ધાર ધરાવે છે.
કચ્છમાં સૂચિત છછી શિપબિલ્ડિંગ ક્લસ્ટર અંદાજે ૯૯૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું હશે અને તે ૬.૭૫ કિલોમીટર લાંબો વોટરફ્રન્ટ ધરાવશે. તેવી જ રીતે પોરબંદરના કુછડી ખાતેનું ક્લસ્ટર ૮૭૦ હેક્ટર વિસ્તારમાં ૭.૦૬ કિલોમીટર લાંબા વોટરફ્રન્ટ સાથે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત સરકાર ગ્રીનફિલ્ડ શિપયાર્ડ વિકસાવવા માટે અન્ય ત્રણ નવા સ્થળોની શોધ પણ કરી રહી છે. ખાસ વાત એ છે કે ચીન, જાપાન અને કોરિયા જેવા દેશોના શિપયાર્ડ આગામી ૧૦ વર્ષના ઓર્ડરથી અત્યારે જ ભરાયેલા હોવાથી વૈશ્વિક સ્તરે ભારત અને ખાસ કરીને ગુજરાત માટે જહાજ નિર્માણ ક્ષેત્રે મોટી તકો રહેલી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લે વર્ષ ૨૦૧૦માં શિપબિલ્ડિંગ પોલિસી જાહેર કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા દોઢ દાયકામાં અનેક યોજનાઓ માત્ર કાગળ પર જ રહી છે. અગાઉ દહેજ, ઘોઘા, ભાવનગર અને માંડવી જેવા સ્થળોએ ક્લસ્ટર બનાવવાની યોજનાઓ પણ સફળ થઈ શકી નહોતી. ભૂતકાળમાં એબીજી શિપયાર્ડ અને અલ્કોક એશડાઉન જેવી મોટી કંપનીઓ બંધ થવાથી આ ક્ષેત્રને મોટો ફટકો પડ્યો હતો. જોકે, આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા દરિયાઈ ક્ષેત્ર માટે ફાળવવામાં આવેલા ૭૦ હજાર કરોડના ફંડમાંથી ૨૮ હજાર કરોડ રૂપિયા ખાસ જહાજ નિર્માણને પ્રોત્સાહન આપવા માટે ફાળવવામાં આવ્યા છે, જેથી વિદેશી જહાજો પરની નિર્ભરતા ઘટાડી શકાય.
ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવી નીતિમાં ખાનગી રોકાણકારોને આકર્ષવા માટે વિશેષ નાણાકીય પ્રોત્સાહનો અને પ્લગ-એન્ડ-પ્લે મોડેલ પર ભાર મૂકવામાં આવશે. હાલમાં રાજ્યમાં પીપાવાવ, ભાવનગર અને ભરૂચના કાલોદરા ખાતે જ શિપબિલ્ડિંગ સુવિધાઓ કાર્યરત છે. સરકાર હવે પાયાની માળખાગત સુવિધાઓ તૈયાર કરી આપીને આ ક્ષેત્રમાં નવા પ્રાણ ફૂંકવા માંગે છે, જેથી ગુજરાત વૈશ્વિક સ્તરે જહાજ નિર્માણનું મુખ્ય કેન્દ્ર બની શકે.

Comments