કાસેઝમાં અમદાવાદ ડીઆરઆઈની ટુકડીના ધામાઃ ફેબ્રિક કૌભાંડ માં સ્થાનિક શખ્સની ઊંડી પૂછપરછ ?
સોપારીમાં ચકચારી કયો મહેશ હવે ફ્રેબીક કરચોરીમાં સાર્થક થવા મથે છે..?
સોપારી દાણચોરીમાં અગાઉ ચર્ચામાં રહેલા ‘મહેશ’ નામના શખ્સના સ્ટાફની પણ છાનબીનની ચર્ચા; કરોડોના કાપડના કન્ટેનરો સીઝ કરાયા : તપાસનો રેલો દિલ્હી સુધી પહોંચવાની શક્યતા : વેપારી આલમમાં ફફડાટ
એકાદ અઠવાડીયા પહેલા ફેબ્રીકના અટકાવેલા કન્ટેઈનરોના પ્રકરણમાં અમદાવાદ ડીઆરઆઈએ આદરી છે જીણવટભરી તપાસ
ગાંધીધામ : કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માં ગઈકાલ સાંજથી અમદાવાદ ડી.આર.આઈ. ની ટીમે અચાનક સર્ચ ઓપરેશન હાથ ધરતા ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, ફેબ્રિક (કાપડ) ના વ્યવહારોમાં મોટા પાયે ગેરરીતિની આશંકાને પગલે અધિકારીઓની ટુકડીએ કાસેઝમાં ધામા નાખ્યા છે. આ તપાસમાં કેટલાક શંકાસ્પદ કન્ટેનરોને અટકાવીને તેની જીણવટભરી ચકાસણી શરૂ કરવામાં આવી હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક સ્તરે ‘મહેશ’ તરીકે ઓળખાતા એક શખ્સની ભૂમિકા શંકાના દાયરામાં છે. ઉલ્લેખનીય છે કે, આ શખ્સ અગાઉ સોપારીની દાણચોરીના કેસમાં પણ ચર્ચાઈ ચૂક્યો છે. હવે ફેબ્રિકના કપડાંમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ કારોબારના બહાને કોઈ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ડી.આર.આઈ. દ્વારા મોડી રાત સુધી મહેશ અને તેના સ્ટાફની ઉલટ તપાસ કરવામાં આવી હતી, જે આજે પણ સતત ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેબ્રિકના નામે કયા પ્રકારની ગેરરીતિઓ આચરવામાં આવી છે અને તેમાં કયા મોટા માથાઓ સામેલ છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી. જોકે, એવી પણ શક્યતા છે કે આ તપાસનો રેલો દિલ્હીના કોઈ મોટા યુનિટ ધારક સુધી પહોંચી શકે છે. ફેબ્રિકના કન્ટેનરોમાં ડિક્લેરેશન કરતાં કંઈક અલગ માલ હોવાની અથવા ઓવર-વેલ્યુએશનની શક્યતાઓ તપાસાઈ રહી છે. અમદાવાદ ડી.આર.આઈ.ની આ આકસ્મિક કાર્યવાહીને પગલે કાસેઝમાં કાપડ સહિતના અન્ય વ્યવહારો સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. તપાસ દરમિયાન મહેશ અને તેના સ્ટાફ દ્વારા આપવામાં આવેલા જવાબો પરથી અન્ય કેટલીક પેઢીઓના નામ પણ બહાર આવી શકે છે. અધિકારીઓ દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો અને કમ્પ્યુટર ડેટાની તપાસ બાદ આ કૌભાંડનો આંકડો મોટો હોવાની પ્રબળ સંભાવનાઓ પણ ચર્ચાવવા પામી રહી છે.અમદાવાદ ડીઆરઆઈની ટીમ તપાસ કરી રહી હોવાનુ કાસેઝ પ્રશાસન દ્વારા પણ સમર્થન આપવામા આવ્યુ છે જો કે કયા યુનિટમાં છે, શેના પેટેની તપાસ છે, અત્યાર સુધીમાં શુ બહાર આવ્યુ છે તે બાબતે સત્તાવાર રીતે વાત કરવાનુ ટાળ્યું હતુ.
.........
દેશની સરહદી સુરક્ષા - આર્થિક વ્યવસ્થા સામે પણ કહેવાય ગંભીર સવાલ
ગાંધીધામ : કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ફરી એકવાર આર્થિક ગુનાખોરી અને દાણચોરીના સમાચારોને કારણે ચર્ચાના ચગડોળે ચઢ્યું છે. અમદાવાદ DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ) દ્વારા ફેબ્રિકના વ્યવહારોને લઈને કરવામાં આવેલી કાર્યવાહી એ માત્ર તપાસનો વિષય નથી, પરંતુ દેશની સરહદી સુરક્ષા અને આર્થિક વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલ છે. જ્યારે કોઈ વિસ્તારને આર્થિક વિકાસ અને નિકાસ વધારવા માટે વિશેષ સવલતો આપવામાં આવે, ત્યારે તેનો દુરુપયોગ એ રાષ્ટ્રીય સંપત્તિની લૂંટ સમાન છે.
........
કોની રહેમનજરે કાસેઝમાં ‘કાળો’ કારોબાર? : સળગતા સવાલો
૧. અમદાવાદ DRI ની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ કંડલા સેઝના વહીવટ અને સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે.૨.જૂના ‘ખેલાડી’ પર ભરોસો કેમ?ઃ સોપારી દાણચોરીમાં અગાઉ જેનું નામ ઉછળ્યું હતું, તેવા જ શખ્સોને ફેબ્રિકના નામે ફરી મોટો કારોબાર કરવાની છૂટ કોણે આપી? શું તેમની ભૂતકાળની ગુનાહિત કુંડળી તપાસવામાં આવી નહોતી? ૩.કસ્ટમ્સ ક્લિયરન્સ પર સવાલઃ સેઝમાં દરેક કન્ટેનરનું કડક ચેકિંગ થતું હોય છે, તો પછી ફેબ્રિકના નામે મોકલવામાં આવતા શંકાસ્પદ માલનું વેલ્યુએશન અને ડિક્લેરેશન અત્યાર સુધી કેવી રીતે પાસ થતું રહ્યું?૪.તંત્રની મીલીભગત?ઃ શું ડ્ઢઇૈં ત્રાટકી તે પહેલાં સ્થાનિક તંત્ર કે સુરક્ષા એજન્સીઓને આ ગેરરીતિની ગંધ સુધ્ધાં ન આવી? કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરવામાં આવ્યા? ૫. દિલ્હી કનેક્શન શું છે?ઃ તપાસનો રેલો દિલ્હીના યુનિટો સુધી પહોંચવાની શક્યતા છે, ત્યારે શું આ કોઈ આંતરરાજ્ય સંગઠિત આર્થિક ગુનાખોરીનું નેટવર્ક છે? ૬.માલની આડમાં શું?ઃ અટકાવવામાં આવેલા કન્ટેનરોમાં માત્ર ફેબ્રિકની ગેરરીતિ છે કે પછી તેની આડમાં કોઈ પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી કરવામાં આવી રહી હતી?૭. સ્ટાફની ભૂમિકાઃ મુખ્ય સૂત્રધાર મહેશ ઉપરાંત તેના સ્ટાફની જે રીતે પૂછપરછ થઈ રહી છે, તે જોતા શું આખું યુનિટ માત્ર કાગળ પર જ ચાલતું હતું?
........
આ પ્રકરણમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે..?
ગાંધીધામ : આ પ્રકરણમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તપાસના કેન્દ્રમાં ફરી એકવાર એવા નામો ઉછળ્યા છે જેઓ અગાઉ સોપારીની દાણચોરીમાં કુખ્યાત રહી ચૂક્યા છે. જો કોઈ વ્યક્તિ અગાઉ આર્થિક ગુનામાં સંડોવાયેલી હોય, તો તેને ફરીથી આવા સંવેદનશીલ ઝોનમાં મોટા પાયે કારોબાર કરવાની પરવાનગી કેમ મળી? આ પ્રશ્ન સેઝના વહીવટી તંત્ર અને કસ્ટમ્સ વિભાગની કામગીરી સામે આંગળી ચીંધે છે. શું આવા તત્વોને સિસ્ટમમાં જ બેઠેલા કોઈ મહારથીઓનું પ્રોત્સાહન મળી રહ્યું છે?
............

Comments