પત્નીની સારવાર માટે વચગાળાના જામીન માંગનાર આરોપીની અરજી ભુજ અદાલતે ફગાવી
ભુજ - કચ્છઉદય : ભુજની પાલારા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આરોપી અબ્દુલ ઉર્ફે બસીર અબ્બાસભાઇ ગંઢે પોતાની પત્નીને ગર્ભાશયમાં ગાંઠ હોવાથી ઓપરેશન કરાવવા માટે ૨૦ દિવસના વચગાળાના જામીન મેળવવા ભુજની છઠ્ઠા અધિક સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે એવી દલીલ કરવામાં આવી હતી કે આરોપી વિરુદ્ધ એટીએસ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગંભીર ગુનો નોંધાયેલો છે. વધુમાં તપાસનીશ અધિકારીના સોગંદનામા મુજબ આરોપીના પરિવારમાં ત્રણ ભાઈઓ અને પુખ્ત વયના ત્રણ દીકરા તેમજ એક દીકરી હોવાથી પત્નીની સારવાર અને દેખભાળ રાખવા માટે આરોપીની પ્રત્યક્ષ હાજરીની કોઈ અનિવાર્યતા જણાતી નથી. અદાલતે બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ નોંધ્યું હતું કે પરિવારના અન્ય સભ્યો હોવાથી આરોપીની ગેરહાજરીમાં પણ સારવાર થઈ શકે તેમ છે. આથી નામદાર કોર્ટે ગંભીર પ્રકારના ગુનાની ગંભીરતા અને અન્ય પારિવારિક વિકલ્પોની હાજરીને ધ્યાને રાખી આરોપીની વચગાળાના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે વકીલ એસ. એ. મહેશ્વરીએ દલીલો રજૂ કરી હતી.
-------

Comments