કચ્છના શિક્ષણ જગતનું તેજસ્વી નક્ષત્ર : પ્રીતિ વિનોદ મુનશાણીની અવિરત શૈક્ષણિક સફર
શિક્ષિકાથી લઈને સેવી ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુશનના સ્થાપક સુધીની પ્રેરણાદાયી સંઘર્ષગાથા
ગાંધીધામ - કચ્છઉદય : કચ્છના શૈક્ષણિક પરિદ્રશ્યને નવી ઊંચાઈઓ પર લઈ જનાર શિક્ષણવિદ અને એડ્યુપ્રેન્યોર પ્રીતિ વિનોદ મુનશાણી આજે હજારો વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ બન્યા છે. વર્ષ ૧૯૯૨માં અમદાવાદની અમૃત જ્યોતિ પ્રાઇમરી સ્કૂલથી એક સામાન્ય શિક્ષિકા તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર પ્રીતિબેને પોતાની નિષ્ઠા અને વિદ્યાર્થીલક્ષી અભિગમથી શિક્ષણ ક્ષેત્રે એક આગવી ઓળખ ઊભી કરી છે. લગ્ન બાદ ગાંધીધામ સ્થાયી થયેલા પ્રીતિબેને મોર્ડન સ્કૂલ અને પી.એન. અમરસી હાઈસ્કૂલમાં અંગ્રેજી શિક્ષિકા તરીકે દીર્ઘ સમય સુધી સેવાઓ આપી હતી. તેમના જીવનમાં વર્ષ ૨૦૦૩માં બનેલી એક દુખદ ઘટનાએ તેમને શિક્ષણ પ્રત્યે એક નવો દ્રષ્ટિકોણ આપ્યો. શાળામાં તેમના પુત્ર સાથે બનેલી ગંભીર અકસ્માતની ઘટનાએ તેમને એક એવી શૈક્ષણિક સંસ્થા સ્થાપવા માટે મજબૂર કર્યા જ્યાં બાળકો
સંપૂર્ણ સુરક્ષિત રહી શકે અને વાલીઓ નિર્ભય બનીને પોતાના સંતાનોને અભ્યાસ માટે મોકલી શકે.આ સંકલ્પને સાકાર કરવા માટે તેમણે વર્ષ ૨૦૦૪માં ગાંધીધામ ખાતે કિડઝી પ્રી-સ્કૂલ દ્વારા શિક્ષણમાં સાહસિક ડગ માંડ્યા હતા. મોન્ટેસરી પદ્ધતિમાં અતૂટ વિશ્વાસ ધરાવતા પ્રીતિબેને ત્યારબાદ ૨૦૦૭માં માઉન્ટ લિટેરા ઝી સ્કૂલની સ્થાપના કરી અને છેવટે વર્ષ ૨૦૧૪માં પોતાના ફ્લેગશિપ બ્રાન્ડ સેવી ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુશનનો પાયો નાખ્યો. આજે વર્ષ ૨૦૨૬ સુધીમાં તેમના નેતૃત્વ હેઠળ ગાંધીધામ અને આદિપુર સહિત અંજાર, ભુજ, રાપર અને મોરબી જેવા વિસ્તારોમાં કુલ ૧૬થી વધુ શાખાઓ કાર્યરત છે, જ્યાં ૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે. માત્ર શાળાકીય શિક્ષણ જ નહીં પરંતુ ઈન્ડિયન મોન્ટેસરી ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ દ્વારા તેઓ ભાવિ શિક્ષકોને પણ તૈયાર કરી રહ્યા છે. આ સાથે જ વિદ્યાર્થીઓની ક્ષમતા ઓળખવા માટે તેમણે ડી.એમ.આઈ.ટી. જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ શિક્ષણમાં વણ્યો છે.પ્રીતિ મુનશાણીની શૈક્ષણિક સેવાઓને બિરદાવતા તેમને બેસ્ટ એડ્યુપ્રેન્યોર એવોર્ડ, એકેડેમિક એક્સલન્સ એવોર્ડ અને બેસ્ટ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટ જેવા અનેક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે. વ્યાવસાયિક સફળતાની સાથે તેઓ સામાજિક ક્ષેત્રે પણ તેટલા જ સક્રિય છે. નિર્ભય ફાઉન્ડેશન સાથે જોડાઈને તેઓ પશુ લંગર સેવા દ્વારા દરરોજ ૨૦૦ જેટલા રખડતા શ્વાનોને ભોજન પૂરું પાડે છે. શિક્ષણ એ માત્ર વ્યવસાય નહીં પણ એક સાધના છે તેવું માનતા પ્રીતિબેનનું જીવન મંત્ર છે કે શિક્ષણ પદ્ધતિએ બાળકની જરૂરિયાત મુજબ અનુકૂલન સાધવું જોઈએ. કચ્છના આ શૈક્ષણિક લેજેન્ડ હજુ પણ અનેક નવા વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે કૃતનિશ્ચયી છે.
....

Comments