Trending News
સ્થાનિક સમાચાર

માનકુવા હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ અને ૫૦ હજારનો દંડ

20 April





જૂની અદાવત અને શંકાના આધારે દલિત યુવકની કરપીણ હત્યા કરનાર શખ્સને સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટે આપી સખત સજા


ભુજ - કચ્છઉદય : ભુજ તાલુકાના માનકુવા ગામે વર્ષ ૨૦૨૧માં સર્જાયેલા ચકચારી હત્યા કેસમાં કચ્છ-ભુજના આઠમાં અધિક સેશન્સ જજ અને સ્પેશિયલ જજ ટી.એન. ખંધડીયાની અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે માનકુવાના આરોપી હાજીખાન ઓસમાણખાન બ્લોચને વિનોદભાઈ નામના યુવકની હત્યા કરવા બદલ તકસીરવાન ઠરાવી આજીવન સખત કેદની સજા અને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો તેને વધુ એક વર્ષની સાદી કેદ ભોગવવી પડશે તેવો હુકમ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. વધુમાં, માનવતાવાદી અભિગમ દાખવીને અદાલતે દંડની આ રકમ મૃતક વિનોદભાઈના વારસદારોને વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે.
આ કેસની વિગત મુજબ, ગત તારીખ ૫ નવેમ્બર ૨૦૨૧ના રોજ માનકુવા જૂનાવાસમાં હકીમભાઈની ચાની હોટલ સામે હત્યાનો આ બનાવ બન્યો હતો. આરોપી હાજીખાન બ્લોચને એવી શંકા હતી કે તેની બહેન અગાઉ ભાગી ગઈ હતી તેમાં મૃતક વિનોદભાઈનો હાથ હતો. આ શંકા અને વેરના મનદુઃખમાં આરોપીએ મૃતક અનુસૂચિત જાતિના હોવાનું જાણવા છતાં લાકડાના ચોરસ ધોકા વડે માથાના ભાગે જીવલેણ હુમલો કરી તેમની હત્યા નિપજાવી હતી. આ ઘટના અંગે માનકુવા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૩૦૨, જી.પી. એક્ટ અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
કેસની ગંભીરતાને ધ્યાને લઈ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં સરકારી પક્ષ દ્વારા કુલ ૧૯ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને ૩૯ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે આ પુરાવાઓ અને ૧૧૩ પાનાના વિસ્તૃત જજમેન્ટને આધારે આરોપીને હત્યાના ગુનામાં કસૂરવાર ઠરાવી આકરી સજાનો આદેશ કર્યો છે. અદાલતી કાર્યવાહી દરમિયાન પ્રોસીક્યુશન પક્ષે અધિક જિલ્લા સરકારી વકીલ પ્રવિણચંદ્ર વાણીયાએ ધારદાર દલીલો રજૂ કરી હતી.

----------- 

Comments

COMMENT / REPLY FROM