Trending News
સ્થાનિક સમાચાર

ચૂંટણીના માહોલ વચ્ચે અબડાસા-લખપત સહિત કચ્છમાં ખનીજ માફિયાઓ થયા બે-લગામ 

18 April

ચૂંટણીના ખેલમાં.... ખનીજ ચોરો ગેલમાં...




બેન્ટોનાઈટ, બોકસાઈડ અને લીગ્નાઈટ સહિત ખનીજ ચોરીની ચર્ચાએ ગરમી પકડી : સરકારી મશીનરી ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાઈ હોવાનો ગેરલાભ ઉઠાવતા ભૂમાફિયાઓ :  સરહદી જિલ્લાની કુદરતી સંપત્તિનું બેફામ છેદન


લખપત, અબડાસા, માંડવી, મુન્દ્રા અને વાગડ પંથકમાં ખનીજ અને રેતી ચોરીમાં ઉછાળો : અમુક સ્થળે પોલીસ સાથે સાંઠ - ગાંઠની ચર્ચા 



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. એક તરફ ઉનાળાની પ્રચંડ ગરમીનો પ્રકોપ વરસી રહ્યો છે, તો બીજી તરફ રાજકીય પારો પણ ચરમસીમાએ પહોંચ્યો છે. સમગ્ર કચ્છ જ્યારે લોકશાહીના પર્વની તૈયારીઓમાં અને વહીવટી તંત્ર ચૂંટણી પ્રક્રિયાના સંચાલનમાં વ્યસ્ત છે, ત્યારે જિલ્લામાં એક અતિ ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. કચ્છની કિંમતી ખનીજ સંપત્તિ પર તરાપ મારતા ખનીજ માફિયાઓને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ જિલ્લાના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન અને પરિવહનની પ્રવૃત્તિઓએ વેગ પકડ્યો છે. આ સ્થિતિ કચ્છના પર્યાવરણ અને સરકારી તિજોરી માટે આવનારા દિવસોમાં મોટું જોખમ ઉભું કરી શકે તેમ છે.
રાજ્યમાં આગામી ૨૬મી એપ્રિલના રોજ મતદાન અને ૨૮મી એપ્રિલે મતગણતરી થવાની છે. આ મહત્વની પ્રક્રિયાને નિર્વિઘ્ન પાર પાડવા માટે જિલ્લા કલેક્ટર કચેરીથી લઈને પોલીસ વિભાગ સુધીના તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ રાત-દિવસ એક કરી રહ્યા છે. આચારસંહિતાના અમલ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની આ વ્યસ્તતાનો સીધો લાભ ખનીજ ચોરો ઉઠાવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, જિલ્લાના લખપત, અબડાસા, માંડવી, મુન્દ્રા અને વાગડ પંથકમાં ખનીજ માફિયાઓ સાવ બેફામ બન્યા છે. દિવસ-રાત જોયા વગર આ વિસ્તારોમાં જેસીબી અને ડમ્પર જેવા ભારે મશીનો દ્વારા કુદરતી સંપત્તિનું છેદન કરવામાં આવી રહ્યું છે. રેતી, બેન્ટોનાઈટ, બોકસાઈડ, લેરાઈટ,  લિગ્નાઈટ અને અન્ય કિંમતી ખનીજોની હેરાફેરી માટે જાણે કોઈ રોકનાર-ટોકનાર ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને લખપત અને અબડાસા જેવા અંતરિયાળ તાલુકાઓમાં, જ્યાં વિશાળ જમીન વિસ્તારો આવેલા છે, ત્યાં ખનીજ ચોરીનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું  છે. નદીના પટમાંથી રેતીની ચોરી હોય કે ડુંગરાળ વિસ્તારોમાં ગેરકાયદેસર ખોદકામ, માફિયાઓ કોઈપણ ભય વગર પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. આ પ્રવૃત્તિ પાછળ સ્થાનિક સ્તરે રાજકીય ઓથ ધરાવતા તત્વો પણ સક્રિય હોવાની આશંકા નકારી શકાતી નથી. ચૂંટણીના સમયે જ્યારે પોલીસનું ધ્યાન નાકાબંધી અને રોકડની હેરફેર પર વધુ હોય છે, ત્યારે આ તસ્કર ટોળકીઓ છૂપા માર્ગોનો ઉપયોગ કરીને ખનીજ ભરેલા ડમ્પરો પસાર કરી રહી છે. માંડવી અને મુન્દ્રાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ રેતી ખનનની પ્રવૃત્તિએ જોર પકડ્યું છે, જે દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
વાગડ પંથકમાં તો સ્થિતિ વધુ સ્ફોટક છે. ખનીજ ચોરીના કારણે ગ્રામ્ય રસ્તાઓ પણ બિસ્માર બની રહ્યા છે અને રાત્રિના સમયે બેફામ દોડતા ડમ્પરોને કારણે અકસ્માતનો ભય પણ વધી ગયો છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ આ પ્રવૃત્તિઓમાં ઉછાળો આવ્યો છે. સરકારી અધિકારીઓ મીટિંગો અને ફાઈલ વર્કમાં વ્યસ્ત હોવાથી ફિલ્ડ પર ચેકિંગનું પ્રમાણ નહિવત થઈ ગયું છે. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને ખનીજ માફિયાઓ કરોડો રૂપિયાની કુદરતી સંપત્તિ લૂંટી રહ્યા છે. જો તંત્ર દ્વારા આ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અંકુશ લાવવામાં નહીં આવે, તો કચ્છની ધરાને ક્યારેય ન ભરી શકાય તેવું નુકસાન પહોંચશે.કચ્છ જિલ્લો પહેલેથી જ કુદરતી સંસાધનોની બાબતમાં સંવેદનશીલ રહ્યો છે. અહીંનું ખનીજ એ રાષ્ટ્રની સંપત્તિ છે, પરંતુ લોકશાહીના નામે ચાલતી પ્રક્રિયાનો ગેરલાભ લઈને તેને લૂંટનારા તત્વો સામે કડક હાથે કામ લેવું અનિવાર્ય બન્યું છે. ભલે તંત્ર ચૂંટણીમાં રોકાયેલું હોય, પરંતુ ખનીજ વિભાગ અને પોલીસના સ્પેશિયલ સ્ક્વોડ દ્વારા આકસ્મિક દરોડા પાડીને આ કાળા કારોબારને ડામી દેવો જોઈએ. જનતાએ પણ જાગૃત બનીને આવા તત્વો વિશે માહિતી આપવી જરૂરી છે. લોકશાહીના પર્વને ઉજવવાની સાથે સાથે જિલ્લાની ધરતીનું રક્ષણ કરવું એ પણ વહીવટી તંત્રની પ્રાથમિકતા હોવી જોઈએ. 
જો ૨૮મી એપ્રિલ સુધી આ સિલસિલો યથાવત રહ્યો, તો ખનીજ માફિયાઓ કચ્છને ખોખલું કરી નાખશે એ વાતમાં કોઈ શંકા નથી. હવે જોવાનું એ રહે છે કે, શું જિલ્લા વહીવટી તંત્ર ચૂંટણીની વ્યસ્તતા વચ્ચે આ ગંભીર પ્રશ્ન પર ધ્યાન આપીને ’બેલગામ’ બનેલા તસ્કરો પર લગામ કસશે કે કેમ?

 

Comments

COMMENT / REPLY FROM