ભુજનો વોર્ડ નંબર પાંચ ઝંખે છે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ
નાગરિકો કહે છે કે પાર્કિંગ પ્લોટ સૌથી પહેલી આ વિસ્તારની માંગ છે અને નિયમિત સફાઈ, સીસીટીવી કેમેરા અને મહિલાઓ અને પુરૂષો માટે જાહેર શૌચાલયની વધારે જરૂર છે
ભુજ - કચ્છઉદય : ભુજના વોર્ડ નંબર પાંચમાં વાણીયાવાડનો મુખ્ય બજાર વિસ્તાર આવેલો છે. આ વિસ્તારની સમસ્યા અંગે નાગરિકોને પૂછવામાં આવતા નાગરિકોએ જણાવ્યું કે, કેટલીક સમસ્યાઓ થોડી ઘણી ઉકેલાઈ પણ છે પણ અમુક સમસ્યાઓ રાજરોગની જેમ આ વિસ્તારને કોરી ખાય છે. આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે અનિલભાઈ ડાભીએ વાત કરતાં જણાવ્યું કે, વોર્ડ નંબર પાંચની સૌથી મુખ્ય સમસ્યા હોય તો તે ગીચ ટ્રાફિકની બારે મહિના રહેતી સમસ્યા છે એનું કારણ એ છે કે આ વિસ્તારમાં વેપારીઓ અને સમગ્ર કચ્છના ગ્રાહકો આવતા હોય છે ત્યારે તેમના વાહનોને પાર્કિંગ કરવા માટે કોઈ પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા નહીં હોવાથી અથવા તો પાર્કિંગનું કોઈ વ્યવસ્થિત નિયંત્રણ નહી હોવાથી બજારમાંથી દ્વિચક્રી વાહન પણ માંડ માંડ પસાર થઈ શકે તેવી હાલત જોવા મળતી હોય છે. આવા સંજોગોમાં ક્યારેય કોઈ વેપારી કે રહેવાસીને મેડિકલ ઈમરજન્સી થાય તો ૧૦૮ એમ્બ્યુલન્સ કે પ્રાઇવેટ ગાડીમાં એમને અહીંથી બહાર કાઢવા બહુ જ મુશ્કેલ પડી જાય છે.
આ વિસ્તારમાં અને ગ્રાહકો સાંજના ત્રણથી ચાર કલાક શોપીંગ માટે રહેતા હોય છે ત્યારે બહેન દીકરીઓ માટે વ્યવસ્થિત જાહેર શૌચાલય બનાવવાનો આજ દિવસ સુધી કોઈને વિચાર નથી આવ્યો. પુરુષો માટે જે શૌચાલય છે તે પણ ગંદકીથી ઉભરાય છે અને કેટલાકનેે તાળાં લગાડેલા પડ્યા છે. સમગ્ર વિસ્તાર આડેધડ પાર્કિંગ કરેલા વાહનોને કારણે નગરપાલિકા દ્વારા પણ સફાઈ ઉપર પૂરતું ધ્યાન દઈ શકાતું નથી. અહીં ખરીદી માટે સમગ્ર કચ્છમાંથી લોકો આવતા હોય છે ત્યારે આ વિસ્તારમાં વધારે સંખ્યામાં સીસી કેમેરા નાખવાની જરૂરિયાત અંગે વિધાનસભાની ચૂંટણી વખતે માગણી કરવામાં આવી હતી, પરંતુ તે અંગે સંતોષજનક કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય એવું વેપારીઓને દેખાતું નથી. આ વિસ્તારની કોઈ પણ સગવડના આયોજન માટે વેપારીઓ સાથે નગરસેવકો કે નગરપાલિકા નિયમિત કે ક્યારેય મિટિંગ પણ નથી બોલાવતી નથી, જે હવે જરૂરી છે. નગરપાલિકા દ્વારા દર મહિને જુદા જુદા વોર્ડના નાગરિકોની મીટીંગ યોજવામાં આવે તો પ્રશ્નોની જાણકારી અને ઉકેલની દિશામાં જવા માટે બધાના અભિગમ જાણી શકાય અને વધારે સારો વિકાસ થઈ શકે એવું વેપારીઓએ જણાવ્યું હતું.
......
વાણીયાવાડ તારા વહેતા પાણી : ગંદકીને કારણે મતદારો કરતા મચ્છરની સંખ્યા વધી
ભુજ - કચ્છદય : વાણીયાવાડ વિસ્તારમાં એક વેપારીએ જણાવ્યું કે, અહીં પાંચ વર્ષથી જાણે ગટરના ગંદા પાણી વહ્યા જ કરે છે. જીતેન્દ્રભાઈ હંસરાજભાઈ પરમાર નામના એક વેપારીએ જણાવ્યું કે, તેમની ચાર વર્ષથી દુકાન છે તેની બાજુમાં એક ગટરની લાઈનમાંથી પાણી વહ્યા જ કરે છે. પાણી વહેવાનું ચાલુ થાય એટલે બીજે દિવસે તે બંધ કરાવે તો વળી પાછું ત્રીજે દિવસે પાણી વહેવાનું ચાલુ થઈ જાય. આમ કરતાં ચાર વર્ષ થઈ ગયા છે અને તેની દુકાનની ઘરાકી ઉપર પણ વેપારીઓને અસર પડે છે. આ વિસ્તારમાં રસ્તાઓની લેવલ ઊંચી થઈ ગઈ છે. અંદર ગટરની પાઇપલાઇનની લેવલ પણ આડી અવળી હોવાની બધાને શંકા જાય છે. તો કોઈક જગ્યાએ ખાડા છે અને પાણી ભરાઈ જાય તો નીકળી શકે તેવી હાલત નથી એટલે મતદારો કરતાં મચ્છરોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે અને ભુજના દવાખાનાઓને દર્દી મળવાની સમસ્યા તો ઉકેલાઈ જાય છે, પરંતુ આ વેપારીઓની સમસ્યા કોઈ સાંભળતું નથી. વેપારી અગ્રણી કહે છે કે, તેમના નગરસેવક એવા હોય કે જે નિયમિત રીતે બજારમાં જાતે ફરીને બધાનું ધ્યાન રાખે. આ વખતે ઉમેદવારોની પસંદગી ઉપરથી બધાને વધારે સારું કામ થવાની આશા જાગી છે. તેમની આશા પૂરી થાય છે કે નહીં તે નવી બોડી રચાયા પછી ખબર પડશે. આ અંગે પ્રતિભાવ આપતા અભ્યાસુ મુકેશ મારુએ જણાવ્યું કે, જ્યારે રસ્તા બનાવાય છે ત્યારે લેવલનું ધ્યાન રખાતું નથી તેના કારણે જ પાણી ભરાય છે એટલે સરકારે જે તે વિસ્તારના લોકો સાથે પરામર્શ અને વિકાસના કાર્ય કરવા જોઈએ.
..........

Comments