ભુજ તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ
ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે ભીરંડિયારા ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન
ભુજ-કચ્છઉદય : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભુજ તાલુકામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભીરંડિયારા જિલ્લા પંચાયત બેઠક સહિત તેના હેઠળ આવતી વિવિધ તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. ભીરંડિયારા ખાતે ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલના વરદ હસ્તે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર કાર્યાલયને વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
આ આગામી ચૂંટણીમાં ભાજપ વતી ભીરંડિયારા જિલ્લા પંચાયત બેઠક પર અબ્દુલા બુઢા જત, જ્યારે તાલુકા પંચાયતની બેઠકો પર ભીરંડિયારાથી કરમાબેન હીરા મારવાડા, સરાડા બેઠક પર હાજીણીબાઈ અબ્દુલ જત અને ખારી બેઠક પર લતીફ ભીલાલ થેબા ઉમેદવારી કરી રહ્યા છે. કાર્યાલય ઉદ્ઘાટનના આ અવસરે હઠુભા જાડેજા, સુરેશભાઈ છાંગા, લઘુમતી મોરચાના પ્રમુખ મુસા જુમા રાયશી સહિતના અગ્રણીઓ અને વિવિધ ગામના સરપંચો તેમજ પૂર્વ સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં બન્નીની પરંપરા અનુસાર ધારાસભ્ય અને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને કેન્દ્રની ડબલ એન્જિન સરકાર દ્વારા આ વિસ્તારમાં વિકાસના અનેક કાર્યો કરવામાં આવ્યા છે. તેમણે વિકાસની આ ગતિને જાળવી રાખવા માટે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા મતદારોને અપીલ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ફકીરમામદે શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વ સરપંચ કમાલ શાહ અલીશા સૈયદ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ખાન મહંમદ રાયસીએ આભારવિધિ આટોપી હતી. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
------------

Comments