Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા ગ્રા.પ.ના સાત સફાઈ કામદારોને કાયમી કરવાના આદેશ વિરુદ્ધની અરજી ઔદ્યોગિક ન્યાયપંચે ફગાવી

17 April



મુંદરા - કચ્છઉદય : રાજકોટ સ્થિત ઔદ્યોગિક ન્યાયપંચે મુંદ્રા ગ્રામ પંચાયતના સાત સફાઈ કામદારોના હિતમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા પંચાયત દ્વારા દાખલ કરવામાં આવેલી વિલંબ માફીની અરજીને નામંજૂર કરી દીધી છે. આ કેસની વિગત મુજબ, કચ્છ જિલ્લા મજૂર વિકાસ મંચ ટ્રેડ યુનિયન દ્વારા વર્ષોથી રોજમદાર અને ફિક્સ પગારમાં શોષણનો ભોગ બનતા સાત સફાઈ કામદારો વતી કાયમી થવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે અગાઉ તારીખ ૨૦ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ અદાલતે આ કામદારોને તેમની નિમણૂક તારીખથી કાયમી ગણીને તે મુજબના ગ્રેડ, મોંઘવારી ભથ્થું અને અન્ય લાભો ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ હુકમનો અમલ કરવાને બદલે સામાવાળા દ્વારા વિલંબ માફીની અરજી સાથે કેસને ફરી ચલાવવા દાદ માંગવામાં આવી હતી. આ મામલે યુનિયનના એડવોકેટ યોગેશ એમ. મહેતાએ ધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે આ અરજી માત્ર કામદારોને ન્યાયથી વંચિત રાખવાના ઈરાદાથી કરવામાં આવી છે. ન્યાયપંચે આ દલીલો ગ્રાહ્ય રાખીને વિલંબ માફીની અરજી રદ કરી છે, જેનાથી સફાઈ કામદારોને કાયમી ધોરણે મળવાપાત્ર હક મળવાનો માર્ગ મોકળો થયો છે.
-------- 

Comments

COMMENT / REPLY FROM