શિફા હોસ્પિટલ સંચાલિત ફરતા દવાખાનાથી વર્ષમાં ૨૦ હજારથી વધુ દર્દી લાભન્વિત થયા
ભુજ - કચ્છઉદય : ભુજ ખાતે મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટની કારોબારી સભા ફરઝદે મુફ્તીએ કચ્છ મોલાના સૈયદ અલ્હાજ મોહંમદ અમીનશા બાવાના અધ્યક્ષસ્થાને મળી હતી. અમીનશા બાવાએ મુફતીએ કચ્છ સૈયદ હાજીઅહમદશા બાવાએ સંસ્થાઓના નિયમ પાલનમાં અપનાવેલ શિસ્તનું વણન કરતા કહ્યું કે, માંડવી ખાતે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જ્યારે સારવાર માટે જતા ત્યારે કેસપેપર કઢાવી સામાન્ય દર્દીઓની જેમ લાઈનમાં બેસી જતા, તબીબો મુફતી સાહેબને વચ્ચે બોલાવતા તો તેઓ જણાવતા નિયમોનું પાલન અમે નહીં કરીએ તો બીજાઓને ભલામણ કેમ કરી શકશું ? ટ્રસ્ટીઓ શિફાના કાર્યમાં પોતાને વકફ કરી નાખે તેવી ભલામણ સાથે અમીનશા બાવાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક સર સૈયદ અહમદના સમર્પિતભાવનું ઉલ્લેખ કરતાં કહ્યુ કે,એક ગામમાં ટીખળીયા યુવકોએ સર સૈયદ અહમદ સામે નૃત્ય બદલ દાન આપવાની શરત રાખી તો આપે મંચ પર નાચીને પણ દાન મેળવ્યું.
ટ્રસ્ટના પ્રમુખ હાજીઆદમ ચાકીએ તમામ ટ્રસ્ટીઓને વિવિધ જવાબદારીઓની વહેંચણી કરી હતી. ઈમારત બાંધકામનું કામ મોટા ભાગે પૂરો થઈ ગયો હોઈ મેડિકલ સાધનો માટે માતબર દાન મળી રહે તે માટે પ્રયત્નો કરવા જણાવ્યું હતું. માહે રમઝાન દરમ્યાન શ્રમજીવીથી માંડી શ્રીમંત દાતાઓ દ્વારા મળેલ નોંધપાત્ર દાનને બિરદાવ્યું હતું અને દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ટ્રસ્ટના ઉપપ્રમુખ હાજીયુસુફ ખત્રીની પ્રેરણાથી ચાલતા ફરતા દવાખાનાનો વાર્ષિક અહેવાલ રજૂ કરતા ટ્રસ્ટી હાજીઈશાક હિંગોરાએ જણાવ્યું હતું કે, ૫૮ ગામનો સાપ્તાહિક રૂટ બનાવવામાં આવ્યો હતો જેનો લાભ ૨૦,૦૦૦ દર્દીએ લીધો હતો. રૂ. ૮ લાખથી વધુની દવાઓ રાહત દરે આપવામાં આવી હતી.
સભાનો આરંભ તિલાવતે કુર્આન મજીદથી ટ્રસ્ટી સૈયદ હાજીકાસમશા હાજીઅહમદશા બાવાએ કર્યું હતું. મિનિટ્સનું વાચન મત્રી યુસુફ એ. જતે કર્યુંં હતું. ગત નાણાકીય વર્ષના હિસાબોની રજૂઆત ખજાનચી હાજી અબ્દુલકરીમ મેમણે કરી હતી. મંત્રી ઇસ્માઈલ એ. સોનેજી, ટ્રસ્ટીઓ હાજીયાકુબ સોનારા, એડવોકેટ સાજીદ માણેક, હાજીસલીમ મેમણ, હાજીરશીદ ખત્રી, હાજીસિદ્દીક ત્રાયા, સીએ ઝહીર મેમણ, આર્કિટેક્ટ ફૈસલ ખત્રી, લીગલ એડવાઈઝર હાજીહનીફ ચાકી, માનદ મેનેજર હાજીઈબ્રાહીમ જત ઉપસ્થિત રહ્યા હતા.
-----

Comments