કચ્છમાં ભાજપનો ‘લઘુમતી કાર્ડ’ સાથે માસ્ટર સ્ટ્રોક
‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્ર સાથે...
જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયત મળી ૪૬ લઘુમતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા : લઘુમતી સમાજને આટલી મોટી સંખ્યામાં ટિકિટ ફાળવીને ભાજપે વિરોધીઓના ‘વોટબેંક પોલિટિક્સ’ ના ગણિત બગાડી નાખ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા સૂત્ર ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ ને કચ્છ ભાજપે આ ચૂંટણીમાં જમીની સ્તરે ઉતાર્યું : અત્યાર સુધી લઘુમતી મતોના ધ્રુવીકરણના સહારે ચૂંટણી જીતતા પક્ષોએ હવે નવી વ્યૂહરચના વિચારવી પડશે
ભુજ - કચ્છઉદય : કચ્છની ધરતી અત્યારે માત્ર ઉનાળાની ગરમીથી જ નહીં, પણ રાજકીય ગરમાવાથી પણ તપી રહી છે. કચ્છ જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત, નવી બનેલી ગાંધીધામ મહાનગરપાલિકા, ભુજ, માંડવી, અંજાર, મુંદ્રા-બારોઈ અને નખત્રાણા નગરપાલિકા અને ૯ તાલુકા પંચાયતો માટે ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. ૨૬ એપ્રિલના રોજ મતદાન થવાનું છે અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ રણમેદાનનું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પરંતુ આ વખતે કચ્છની ચૂંટણીમાં જે સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે, તે છે ભારતીય જનતા પાર્ટીની બદલાયેલી રણનીતિ. ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્ર સાથે કચ્છમાં ભાજપેે ‘લઘુમતી કાર્ડ’ સાથે માસ્ટર સ્ટ્રોક મારતા રાજકીય માન્યતાઓ પર પ્રહાર કર્યો છે. જિલ્લામાં ૪૬ લઘુમતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. લઘુમતી સમાજને આટલી મોટી સંખ્યામાં ટિકિટ ફાળવીને ભાજપે વિરોધીઓના ‘વોટબેંક પોલિટિક્સ’ ના ગણિત બગાડી નાખ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે.
આ અંગેની વિગતો મુજબ ગુજરાત અને દેશના રાજકારણમાં દાયકાઓથી એક છાપ ઉપસી છે કે ભારતીય જનતા પાર્ટી એ માત્ર હિંદુત્વના એજન્ડા પર ચાલતો પક્ષ છે, જ્યારે કોંગ્રેસ લઘુમતી કે મુસ્લિમ મતોના સહારે પોતાની નૈયા પાર ઉતારે છે. વિરોધ પક્ષો હંમેશા ભાજપને ‘લઘુમતી વિરોધી’ સાબિત કરવામાં કોઈ કસર છોડતા નથી. જોકે, આ વખતે ભાજપે આ તમામ ધારણાઓના છેદ ઉડાડી દીધા છે. ભાજપના મોવડી મંડળે સાબિત કરી દીધું છે કે તેઓ હવે માત્ર એક વર્ગના નહીં પણ ‘સબકા સાથ’ ના મંત્ર સાથે આગળ વધી રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં સૌથી આશ્ચર્યજનક અને પ્રગતિશીલ કદમ લઘુમતી સમાજને આપવામાં આવેલી ટિકિટોની સંખ્યા છે.
ભાજપે સમગ્ર કચ્છ જિલ્લામાં લઘુમતી સમાજને કુલ ૪૬ બેઠકો પર ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આ આંકડો એ વાતની સાક્ષી પૂરે છે કે ભાજપ હવે લઘુમતી વિસ્તારોમાં માત્ર પ્રચાર કરવા નથી માંગતો, પણ ત્યાંથી નેતૃત્વ પણ ઊભું કરવા માંગે છે. ભાજપે જિલ્લા પંચાયતથી લઈ નગરપાલિકા સુધી લઘુમતી પ્રતિનિધિત્વને પ્રાધાન્ય આપ્યું છે, જેમાં જિલ્લા પંચાયતમાં ૦૩ બેઠકો, ભુજ તાલુકા પંચાયતમાં ૦૬, લખપત તાલુકા પંચાયતમાં ૦૬, અબડાસા તાલુકા પંચાયતમાં ૦૫, મુન્દ્રા તાલુકા પંચાયતમાં ૦૨, ભચાઉ અને નખત્રાણામાં ૧ - ૧ બેઠક ફાળવી છે. તો ગ્રામ્યની સાથોસાથ શહેરી વિસ્તારોમાં પણ લઘુમતી સમાજને મહત્વ આપી ભુજ નગરપાલિકામાં ૦૮ બેઠકો, માંડવી નગરપાલિકામાં ૦૬, મુન્દ્રા - બારોઈમાં ૦૪, અંજાર અને નખત્રાણામાં ૦૨-૦૨ બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા સૂત્ર ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ ને કચ્છ ભાજપે આ ચૂંટણીમાં જમીની સ્તરે ઉતાર્યું હોય તેવું દેખાય છે. જ્યારે અન્ય પક્ષો લઘુમતી મતોને પોતાની ‘વોટબેંક’ સમજીને ચાલતા હોય છે, ત્યારે ભાજપે લઘુમતી સમાજના કાર્યકરોને સત્તામાં ભાગીદારી આપીને એક મોટો રાજકીય સંદેશ આપ્યો છે. આ કદમથી લઘુમતી સમાજમાં પણ પક્ષ પ્રત્યેનો વિશ્વાસ વધવાની શક્યતા છે. ભાજપના આ પગલાથી કોંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પક્ષો માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. અત્યાર સુધી લઘુમતી મતોના ધ્રુવીકરણના સહારે ચૂંટણી જીતતા પક્ષોએ હવે નવી વ્યૂહરચના વિચારવી પડશે. જો ભાજપ લઘુમતી ઉમેદવારોને જીતાડવામાં સફળ રહે છે, તો તે આવનારી વિધાનસભા ચૂંટણીઓ માટે એક નવો ‘કચ્છ મોડલ’ પ્રસ્થાપિત કરશે. હવે જોવાનું એ રહેશે કે, ૨૬ એપ્રિલે કચ્છની જનતા ભાજપના આ ‘સર્વસમાવેશક’ અભિગમ પર પોતાની મહોર મારે છે કે કેમ! ૨૬મીએ થનાર મતદાનમાં મતદારોનો ઉત્સાહ અને ૨૮મીએ આવનાર પરિણામો એ સ્પષ્ટ કરશે કે ભાજપનો આ ‘લઘુમતી પ્રયોગ’ કેટલો સફળ રહ્યો છે.
.....................

Comments