Trending News
સ્થાનિક સમાચાર

આધોઈ ૧૦૦ કરોડનો સોપારી કાંડ? : કાસેઝમાં ૧ અધિકારી સસ્પેન્ડ કરાયા અને તે પણ પુનઃ ગોઠવાઈ જવાની વેતરણમાં?

17 April



કરોડોના સોપારી કાંડમાં માત્ર એક જ અધિકારી પર સમ ખાવા પુરતી કામગીરી સામે ઉઠયા સવાલો : ગેટ પરના તત્કાલીન અધીકારીને સસ્પેન્ડ કરાયા અને તે પણ કેગ માથી આંતરીક રીલીફ લઈ આવ્યા હોવાની ઉઠી ચર્ચા, હવે ફરીથી એ જ અધિકારી પડદા પાછળના તેમના મારૂત મોડેલવાળા પ્રદીપ-અજીત સહિતનાઓની દોરવણીથી પુનઃ નોકરીના નામે ધંધાઓ ધમધમાવશેની સેવાઈ આશંકાઓ

કસ્ટમ-પોલીસની કથિત મિલિભગત સામે ગંભીર આક્ષેપો : દોઢ કરોડનો જ જથ્થો પકડાયો; બાકીના માલનો પત્તો મહીલાઓ પછી પણ કેમ નહીં? : પોલીસે ૭ શખ્સોને પકડયા, રીમાન્ડ મેળવ્યા, યુપી કાનપુર સુધી રાજેશ નામના શખ્સ સુધી તપાસ લંબાવી, આંટો પણ યુપીનો મારી લીધો, પછીની બધી જ કાર્યવાહી પર પડદો પડી ગયાની સ્થિતી?



ગાંધીધામ - કચ્છઉદય : કંડલા પોર્ટ ખાતે બહાર આવેલા આશરે ૧૦૦ કરોડ રૂપિયાના સોપારી કૌભાંડને લઈને અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે, છતાં સમગ્ર મામલે તપાસ હજુ સુધી પૂર્ણ ન થવી અને માત્ર એક જ કસ્ટમ અધિકારી સામે કાર્યવાહી થવી અનેક શંકાઓને જન્મ આપે છે. આ કૌભાંડમાં કસ્ટમ વિભાગ અને પોલીસના કેટલાક અધિકારીઓની કથિત મિલિભગત હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે, છતાં પણ આ પ્રકરણને અંજામ આપવામાં, તપાસને ઢીલી કરવામાં વહીવટના રૂપિયાની લાંચ કયા કયા અધિકારીઓ સુધી પહોંચી તે અંગે કોઈ 
સ્પષ્ટતા થઈ શકી નથી.માહિતી મુજબ, વિદેશથી આશરે ૫૦ કન્ટેનરોમાં કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન ઉપર આવેલા સોપારીના જથ્થાને કસ્ટમ અધિકારીઓ સાથેની ગેરરીતિથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયામાં આયાતકારો અને કેટલાક અધિકારીઓ વચ્ચે ગોઠવણ થઈ હોવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ ગેરરીતિનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે દોઢ કરોડથી વધુ કિંમતના બે કન્ટેનરોની ડિલિવરી લેવા માટે અમદાવાદથી આવેલા બે શખ્સોની હલચલ અંગે કચ્છ પોલીસને ગુપ્ત માહિતી મળી હતી.આ માહિતીના આધારે કચ્છ પોલીસના સાયબર સેલ અને બોર્ડર રેન્જના અધિકારીઓએ સતર્ક કામગીરી હાથ ધરી હતી. સામખીયાળી નજીક આધોઈ રોડ પર આવેલા એક મકાનમાં સોપારીનો જથ્થો ઉતારવામાં આવવાનો હોવાનું જાણવા મળતાં તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન શાહનગર વિસ્તારમાં આવેલ હિરેન ગોસ્વામીના મકાનમાંથી 
સોપારી ભરેલો કન્ટેનર, તેને માર્ગદર્શન આપતી કાર તથા ટ્રેલર કબ્જે લેવામાં આવ્યા હતા. સાથે જ ટ્રેલર ચાલક દીપારામ ભોજારામને ઝડપીને પૂછપરછ હાથ ધરાઈ હતી.કસ્ટમના જવાબદાર સહિતનાઓના નિવેદન દરમિયાન અનેક મહત્વપૂર્ણ કડીઓ સામે આવી હતી. ખાસ કરીને કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રમાં ફરજ બજાવતા કસ્ટમ ઇન્સ્પેક્ટરનું નામ સામે આવતા તપાસને નવી દિશા મળી હતી. કચ્છ 
પોલીસે સમગ્ર મામલે વિગતવાર અહેવાલ તૈયાર કરીને કસ્ટમ વિભાગને સોંપ્યો હતો, જેના આધારે કસ્ટમ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતાં જે તે 
ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી વડોદરા સ્થિત તેમના મૂળ વિભાગમાં પરત મોકલી દીધા હતા. જો કે, મજાની વાત તો એ છે કે, કાસેઝના ડીસીશ્રીએ આ બાબતે કરેલી કડકાઈ અને લાલઆંખ ભરી કાર્યવાહીને આ ભ્રષ્ટ અધિકારીને પડકાર જ ફેંકી દીધો છે અને તેઓ દુધના ધોયેલા હોવાનુ કહી અને કસ્ટમની ટ્રીબ્યુનલમાથી પણ રાહત લઈ આવ્યા અને ફરીથી કાસેઝમાં જ નોકરીમાં ગોઠવાઈ જાય તેવી વેતરણમાં પણ લાગેલા હોવાનું કહેવાય છે. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આશરે ૧૦૦ કરોડ રૂપિયાના આ કૌભાંડમાં માત્ર દોઢ કરોડ જેટલો જ સોપારીનો જથ્થો પકડાયો છે, જ્યારે બાકીની વિશાળ માત્રા કઈ રીતે અને કયા માર્ગે ગેરરીતે બહાર લઈ જવામાં આવી તેની કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. વધુમાં, આ ગેરકાયદેસર કામગીરી માટે કરોડોની લાંચ અમુક બની બેઠેલા કસ્ટમ અને ખાખીના કેટલાંક અધિકારીઓને આપવામાં આવી હોવાની ચર્ચા તેજ બની છે, છતાં આ દિશામાં તપાસ હજુ સુધી આગળ વધતી દેખાતી નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કૌભાંડમાં માત્ર નીચલા સ્તરના અધિકારીને જ જવાબદાર ઠેરવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જ્યારે મોટા સ્તરે સંડોવણી ધરાવતા લોકો સામે કોઈ સ્પષ્ટ પગલાં લેવામાં આવ્યા નથી. આ કારણે તપાસની નિષ્પક્ષતા અને પારદર્શિતાને લઈને ગંભીર સવાલો ઊઠી રહ્યા છે. જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન શરૂ થયેલી આ ઘટના બાદ અનેક મહિનાઓ વીતી ગયા હોવા છતાં તપાસમાં ખાસ પ્રગતિ ન થવી અને માત્ર એક જ અધિકારી સામે કાર્યવાહી થવી પ્રશાસન માટે ચિંતાજનક બાબત બની છે. સ્થાનિક સ્તરે તેમજ વેપારી વર્ગમાં પણ આ મામલે અસંતોષ અને શંકાનો માહોલ જોવા મળી રહ્યો છે.વિશેષજ્ઞોનું માનવું છે કે કંડલા જેવા આંતરરાષ્ટ્રીય મહત્વના બંદર પર આ પ્રકારનું વિશાળ કૌભાંડ બહાર આવવું માત્ર કાયદો-વ્યવસ્થા માટે નહીં, પરંતુ દેશની વેપાર વ્યવસ્થાની વિશ્વસનીયતા માટે પણ ગંભીર પડકાર સમાન છે. જો આ કેસમાં પારદર્શક અને નિષ્પક્ષ તપાસ ન થાય, તો ભવિષ્યમાં આવા ગેરકાયદેસર કારોબારોને પ્રોત્સાહન મળવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં સમગ્ર કેસમાં સત્ય બહાર લાવવા અને જવાબદાર તમામ લોકોને કડક સજા થાય તે માટે વ્યાપક અને ઊંડાણપૂર્વકની તપાસની માંગ ઉઠી રહી છે. લોકો હવે જોઈ રહ્યા છે કે આ ૧૦૦ કરોડના સોપારી કૌભાંડમાં ખરેખર કોણ જવાબદાર ઠરે છે અને શું મોટા માથાઓ સુધી કાયદાનો હાથ પહોંચશે કે નહીં?

 

Comments

COMMENT / REPLY FROM