Trending News
સ્થાનિક સમાચાર

મુંદરાના ચકચારી બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા

16 April


માતાની ઉંમરની મહિલા સાથે આરોપીએ કરેલા દુષ્કર્મ અને હત્યાના અપરાધને ધ્યાને લઈ કોર્ટે ગુનાને રેરેસ્ટ ઓફ રેર ગણી કેપિટલ પનીસમેન્ટ ફટકારી

ભુજ - કચ્છઉદય : મુંદરા સહિત રાજ્યભરમાં ભારે ચકચારી બનેલા ૬પ વર્ષની વૃદ્ધ મહિલાનું બળાત્કારના ઈરાદે અપહરણ કરી દુષ્કર્મ ગુજારી હત્યા કરવાના કેસમાં આરોપીને ભુજની સેશન્સ કોર્ટે ફાંસીની સજા અને બે લાખનો દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગતો મુજબ રરમી ફેબ્રુઆરી ર૦ર૩ના બપોરે મુન્દ્રાના રતાડિયા ગામે રહેતી ૬પ વર્ષિય વૃદ્ધ મહિલા નજીકના ગુંદાલા ગામે રામદેવપીર મંદિરના દર્શન કરવા એકલી નીકળી હતી. દર્શન કરી પરત જતી વખતે બાઈક લઈને નીકળેલા આરોપી સચિન માવજી કુંવરિયા (ઉ.વ.ર૪) (મૂળ રહે. લુણી, હાલે નારાણપર, તા.ભુજ)એ લિફટ આપવાનું કહી પોતાની બાઈક પર મહિલાને બેસાડ્યા હતા. ત્યારબાદ બળાત્કારના ઈરાદે આરોપીએ અપહરણ કરી રતાડિયા નજીક અવાવરૂ જગ્યાએ લઈ જઈ વૃદ્ધા સાથે બળાત્કાર ગુજારી પોતાની પાસે રહેલી લૂંગીથી હત્યા નિપજાવી હતી. આ તરફ પોતાના ભાભી ઘરે પરત ન ફરતા હતભાગીના દીયરે પ્રાગપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મોડી રાત્રે લાપતા મહિલાની લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં વૃદ્ધ મહિલાને બાઈક પર બેસીને જતા જોવા મળ્યા હોવાનું જાણવા મળતા પોલીસે સીસીટીવી ફુટેજ ચેક કરી પગેરૂ દબાવ્યું હતું. ત્યારબાદ નારાણપર ગામેથી આરોપી સચિનની બાઈક અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલ લૂંગી સાથે ધરપકડ કરી હતી. ફોરેન્સીક તપાસમાં આરોપીના બ્લડ સેમ્પલ અને વીર્યના નમૂના મેચ થયા હતા. ગુનાની તપાસ બાદ પોલીસે કોર્ટમાં ૧૮ સાક્ષીઓ અને ૭૬ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ર૭મી માર્ચના એડીશ્નલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજે દલીલો અને પુરાવાના આધારે આરોપીને દોષિત ઠેરવી ચૂકાદો અનામત રાખ્યો હતો. આ ગુનાને રેરેસ્ટ ઓફ રેર ગણી અદાલતે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦ર હેઠળ મૃત્યુદંડની સજા, ૧ લાખનો દંડ તથા કલમ ૩૭૬ હેઠળ આજીવન કેદ સાથે ૧ લાખનો દંડ ફટકાર્યો છે. કલમ ૩૬૪ હેઠળ પણ કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે મૃતકના વારસદારોને ૧૦ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ ગુનાની તપાસ પ્રાગપરના તત્કાલિન પીઆઈ એચ.એસ. ત્રિવેદી અને કોર્ટમાં સરકાર તરફે એડવોકેટ દિનેશ જે. ઠક્કરે દલીલો કરી હતી.
----------

Comments

COMMENT / REPLY FROM