ભુજમાં ત્રિદિવસીય વર્ષીતપ પારણોત્સવનો પ્રારંભ
ભુજ - કચ્છઉદય : અખિલ ભારત અચલગચ્છ (વિધિપક્ષ) શ્વેતામ્બર જૈન સંઘના ઉપક્રમે ભુજ અચલગચ્છ જૈન સંઘ આયોજીત વર્ષીતપ પારણોત્સવ તા. ૧૭-૪ થી ૧૯-૪ સુધી પ. પૂ. આ. ભ. મહોદયસાગર સૂરીશ્વરજી મ. સા., પ. પૂ. ઉપાધ્યાય પૂર્ણભદ્રસાગરજી મ. સા., આદિ શ્રમણ-શ્રમણીવૃંદની શુભ પાવન નિશ્રામાં યોજાશે.
પ. પૂ. આ. ભ. કવિન્દ્રસાગર સૂરીશ્વરજી મ. સા.નાં રજત વર્ષીતપની અનુમોદનાર્થે ભુજમાં ૫૮ તપસ્વીઓ વર્ષીતપની આરાધના કરી રહ્યા છે. જેના ઇક્ષુરસનાં પારણા પ્રસંગે સમગ્ર કચ્છનાં તપસ્વી સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાના પારણા ભક્તિનો અનેરો અવસર સાંપડ્યો છે.
મહોત્સવનાં પ્રથમ દિવસે તા. ૧૭-૪ ના સવારે ૯ કલાકે સામુહિક સ્નાત્રપૂજા, બપોરે ૩-૩૦ કલાકે મહેંદીરસમ અને સાંજી ગીત યોજાયા હતા. જયારે રાત્રે ૮-૩૦ કલાકે સાંસ્કૃતિ કાર્યક્રમો અને ભક્તિ ભાવના, તા.૧૮-૪ દ્વિતીય દિવસે સવારે ૯ કલાકે સિદ્ધાચલ ભાવયાત્રા પૂજન રાત્રે ૮-૩૦ કલાકે સંગીતનાં સથવારે તપસ્વીઓનું બહુમાન વિગેરે કાર્યક્રમો જૈન ગુર્જરવાડી વાણિયાવાડ ભુજ મધ્યે યોજાયા છે. તા. ૧૯-૪ રવિવાર સવારે ૮ કલાકે તપસ્વીઓનો વરઘોડો ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય વાણિયાવાડ ડેલાથી વાજતે-ગાજતે નીકળશે. તપસ્વીઓનાં ઇક્ષુરસથી પારણા સવારે ૧૧ કલાકે ડોસાભાઇ લાલચંદ જૈન મહાજનવાડી ભુજ મધ્યે યોજાશે. શ્રેયાંસકુમાર બની ઇક્ષુરસથી પારણા કરાવવાનો લાભ અર્નિકા તથા રીચાબેન દર્શીતભાઇ દેસાઇ યુએસએ પરિવારે લીધેલ છે. બપોરે ૧૨-૩૦ કલાકે સામુહિ વર્ષીતપ ભુજનાં આરાધકો દ્વારા સકલ જૈન સંઘ તથા આમંત્રિત મહેમાનોનું નવકારશી જમણ જૈન ગુર્જરવાડી વાણિયાવાડ મધ્યે યોજાયું છે. જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક અચલગચ્છ જૈન સંઘ ભુજ દ્વારા મહોત્સવની દરેક વ્યવસ્થાઓ ગોઠવાઇ છે. ત્રિદિવસીય પારણોત્સવને સફળ બનાવવા ટ્રસ્ટીગણ તથા સર્વે કાર્યકર ભાઇ-બહેનો જહેમત ઉઠાવી રહ્યા હોવાનું સંઘ અધ્યક્ષ મહેન્દ્રભાઇ ડી. શાહે એક યાદીમાં જણાવ્યું હતું.
---------

Comments