કચ્છ જિલ્લામાં ટેટ અને એચ. ટાટ પરીક્ષા કેન્દ્ર ફાળવવા રજૂઆત
કચ્છ જિલ્લા પ્રા. શિક્ષક સંઘે રાજ્યસંઘને પત્ર લખ્યો
ભુજ - કચ્છઉદય : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ટેટ-૧, ટેટ-ર અને એચટાટની પરીક્ષાઓ માટે કચ્છ જિલ્લાના હજારો ઉમેદવારો દર વર્ષે અરજી કરે છે. પરંતુ કચ્છ જિલ્લામાં આ પરીક્ષાઓ માટે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતું ન હોવાથી ઉમેદવારોને ખૂબ મુશ્કેલીઓ પડે છે. આ બાબતે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણા આહિર, હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિન પટેલને પત્ર લખી સરકારમાં રજૂઆત કરવા માંગ કરી છે.
પત્રમાં જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે ખૂબ મોટો છે. ઉમેદવારોએ ૪૦૦ થી ૫૦૦ કિ.મી દૂર રાજકોટ, અમદાવાદ કે અન્ય જિલ્લામાં પરીક્ષા આપવા જવું પડે છે. જેના કારણે મુસાફરીનો સમય, આર્થિક ખર્ચ અને માનસિક તાણ વધે છે.કચ્છમાં મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારો છે. દૂરના કેન્દ્રો પર પરીક્ષા આપવા જવું, રાત્રિ રોકાણ કરવું તેમના માટે ખૂબ અસુવિધાજનક અને સલામતીની દૃષ્ટિએ જોખમી બને છે. વળી,કચ્છ જિલ્લામાં ભુજ, ગાંધીધામ, અંજાર, ભચાઉ, માંડવી જેવા શહેરોમાં સુસજ્જ શાળાઓ, કોલેજો તથા પરીક્ષા માટેની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. છતાં પરીક્ષા કેન્દ્ર ફાળવાતું નથી તે દુઃખદ છે. રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવે છે. કચ્છના ઉમેદવારોને પણ સમાન તક મળવી જોઈએ, જેથી તેઓ કોઈપણ ભય કે તાણ વગર પરીક્ષા આપી શકે. કચ્છ જિલ્લાના ઉમેદવારોના વિશાળ હિતને ધ્યાને લઈ, રાજ્ય પરીક્ષા બોર્ડ તથા શિક્ષણ વિભાગમાં યોગ્ય રજૂઆત કરીને આગામી ટેટ-૧, ટેટ-ર, એચટાટ અને ટેટ સેકન્ડરી , હાયરસેકન્ડરી સહિતની પરીક્ષા માટે કચ્છ જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ છે.
--------

Comments