પ્રેઈસા સોફટવેરના કારણે શિક્ષકોના પગાર કાયમી મોડા થવા બાબતે રાજ્યસંઘ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત
કચ્છ સહિત રાજ્યના પ્રા. શિક્ષકોને હજી માર્ચ મહિનાનો પગાર નથી મળ્યો
ભુજ - કચ્છઉદય : માર્ચ એન્ડિંગના કારણે એક તો રાજ્યમાંથી ગ્રાન્ટ મોડી આવવાના કારણે તથા રજાઓ આવતાં અને તેમાં વળી પ્રેઈસા સોફ્ટવેર ખોટકાતા એપ્રિલ મહિનો અડધો પૂરો થઈ ગયો હોવા છતાં કચ્છ સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓના પ્રાથમિક શિક્ષકોને હજુ માર્ચ મહિનાનો પગાર નશીબ નથી થયો. જેથી મકાન લોન, હોમ લોન, કાર લોન ભરતા શિક્ષકો મુશ્કેલીમાં મૂકાયા છે.હાલ સમગ્ર રાજયમાં પ્રેઈસા સોફટવેરથી જ શિક્ષકોના પગાર અને એરિયર્સ બીલોની ચૂકવણી કરવામાં આવે છે. પ્રેઈસા સોફટવેરના કારણે શિક્ષકોના પગાર હાલ અટવાયા છે. ગુરુવારે આખા રાજ્યમાં પ્રેઈસા સોફ્ટવેર કોઈ કારણસર બંધ હતું. છેલ્લા ત્રણ માસથી ગ્રાન્ટ મોડી ફાળવવી, ડ્રાફટ મોડા મળવા અને પ્રેઈસા સોફટવેરમાં એરરના કારણે સમગ્ર રાજયના ૯૦% જિલ્લાઓમાં ૧૫મી તારીખ પછી જ શિક્ષકોના પગાર થાય છે. જેથી શિક્ષકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ બાબતે નીતિ અથવા સિસ્ટમમાં ફેરફાર કરવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિન પટેલ દ્વારા રાજ્યના બંને શિક્ષણમંત્રીઓ ડૉ. પ્રદ્યુમન વાજા અને રીવાબા જાડેજા સમક્ષ રજુઆત કરવામાં આવી છે. પ્રેઈસા સોફટવેરમાં વારંવાર ટેકનિકલ એરર આવે છે અને તે પણ પગારની તારીખોમાં આવું વધારે બને છે. તો પ્રેઈસા સોફટવેર બાબતે કાયમી નિરાકરણ મળે અને શિક્ષકોના પગાર સમયસર થાય તે બાબતે યોગ્ય થવા રાજ્યસંઘ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવાનું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા અને ઉપપ્રમુખ વિલાસબા જાડેજાએ જણાવ્યું હતું.
------------

Comments