પ્રા. શાળાના વિદ્યાર્થીઓને આપવાની થતી એલસી બાબતે રાજ્યસંઘ દ્વારા રજૂઆત
ભુજ - કચ્છઉદય : તાજેતરમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને આપવામાં આવતા શાળા છોડ્યાના પ્રમાણપત્ર ( એલ.સી.) માં સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા જળવાય તે માટે ગુજરાતી અને અંગ્રેજીમાં એક સરખા ફોર્મેટમાં સર્ટિ. આપવા સૂચના આપવામાં આવી છે. આ સૂચનાને પગલે રાજ્યભરની પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકો મૂંઝવણમાં મૂકાયા છે. હાલ મોટા ભાગની શાળાઓ પાસે જૂની પ્રમાણિત કરાવેલી સર્ટિ. બુક પડેલી છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષના અંતિમ દિવસોમા આ સૂચના મળતાં તમામ શાળાઓને હવે નવી સર્ટિબુક ખરીદવી પડશે. જૂની સર્ટિ. બુક હવે કોઈ કામની નહીં રહે. એક બાજુ શાળાઓમાં આવતી કન્ટી. ગ્રાન્ટ પણ બંધ થઈ ગઈ છે ત્યારે મુખ્ય શિક્ષકો પર વધારાનું ભારણ પડશે. શાળા છોડયાના પ્રમાણપત્ર બાબતે શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓ સાથે નમૂનાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવેલ છે. પરંતુ તેમાં ઘણી બધી વિસંગતતાઓ ઉદ્દભવે છે ,તો દરેક જિલ્લામાં એકસરખું અર્થઘટન થાય તે માટે ચોક્કસ સૂચનાઓ બહાર પાડવામાં આવે તેવી માંગ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિન પટેલ દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક પાસે કરવામાં આવી છે. આ વિસંગતતાઓ બાબતે રાજ્યસંઘ દ્વારા કરવામાં આવેલ રજૂઆતની વિગતો આપતા રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજામાં જણાવ્યા અનુસાર શાળાના વયપત્રકમાં માત્ર ગુજરાતીમાં જ માહિતીની નોંધ થયેલ છે.
અંગ્રેજીમાં માહિતી લખવા માટે આધારભૂત બાબત કઈ ગણવી ? તે પ્રશ્નાર્થ છે. વળી, જનરલ રજીસ્ટરમાં વતનની માહિતી નોંધવામાં આવતી નથી. જે માટેના આધાર પુરાવા તરીકે શું માન્ય રાખવું? અંગ્રેજીની માહિતી જનરલ રજીસ્ટરમાં નોંધવાની કે કેમ?, બાળકોના જન્મના દાખલા ગુજરાતીમાં જ લીધેલ છે. તો અંગ્રેજીમાં નોંધ કરવા અંગ્રેજીમાં જન્મનો દાખલો વાલી પાસે મેળવવો કે કેમ? આધારકાર્ડમાં બાળકનું નામ અંગ્રેજીમાં છે અને તેના કરતા વાલીઓ દ્વારા આપવામાં આવેલ નામ અલગ હશે તો આપાર આઈ.ડી. અને બેન્કના ખાતામાં વિસંગતતા આવવાની શક્યતાઓ છે, વાલીઓ દ્વારા નોટરી પાસે એફિડેવિટ કરાવી એને આધારભૂત ગણવું કે કેમ? આવા અનેક પ્રશ્નો આચાર્યોને ઉદભવ્યા છે. આ ઉપરાંત નમૂનાની સર્ટિ. આપેલી છે તેમાં હાજર દિવસોની કોલમ જ નથી. આ તમામ બાબતો જોતાં સાથે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એક અગત્યની અને સંવેદનશીલ બાબત હોઈ નિયામક કચેરી દ્વારા ચોક્કસ અને સ્પષ્ટ સૂચનાઓ થવા રજૂઆત કરવામાં આવી છે.
------

Comments