Trending News
સ્થાનિક સમાચાર

લોડાઈમાં પાણીપુરી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગઃ ૪૦ થી વધુ લોકોની તબિયત લથડી 

16 April




સામૂહિક ઝાડા - ઉલ્ટી શરૂ થતા સ્થાનિક પીએચસીમાં સારવાર અપાઈ : સાતથી આઠ લોકોની તબીયત વધુ ખરાબ હોતા ભુજ ખસેડાયા 


ભુજ : તાલુકાના લોડાઈ ગામમાં પાણીપુરી ખાધા બાદ સામૂહિક ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ગામના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અંદાજે ૪૦ થી ૫૦ જેટલા લોકોને તેની ગંભીર અસર થઈ છે. પાણીપુરી ખાધા બાદ લોકોની તબિયત બગડવાની શરૂ થઈ હતી. શરૂઆતમાં સ્થાનિકોએ સ્થિતિ સામાન્ય માની નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લીધી હતી. જોકે, કેટલાક દર્દીઓની સ્થિતિ વધુ વણસતા અને તબિયત વધુ ખરાબ થતાં તેમને ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિક સૂત્રોના કહેવા પ્રમાણે ૧૪ તારીખે આ બનાવ બન્યો હતો. પાણીપુરી ખાધા બાદ ઝાડા - ઉલ્ટી શરૂ થયા હતા. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા લોડાઈ ગામમાં ફફડાટ ફેલાયો હતો. તમામને પીએસચી ખાતે સારવાર આપવામાં આવી હતી. તે પૈકી આઠ લોકોની તબીયત ખરાબ થતા ભુજમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં જી.કે. જનરલ હોસ્પિટલમાં ચાર, કેસરાણી હોસ્પિટલમાં એક, ડોક્ટર રીખવ શાહની હોસ્પિટલમાં બે અને વાયબલમાં એક દર્દી દાખલ હોવાનું જાણવા મળ્યું છે. હાલ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ બાબતે ગામના સરપંચ વાલાભાઈથી વાત કરતા તેમણે બનાવ બન્યો હોવા બાબતે સમર્થન આપ્યું હતું.



 

Comments

COMMENT / REPLY FROM