કચ્છ રાજકીય સંગ્રામઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો, ભાજપની ‘ચાણક્ય નીતિ’ સામે કોંગ્રેસનો ‘અસ્તિત્વનો જંગ’
જિલ્લામાં ચૂંટણીનો જંગ જામ્યો : ફોર્મ ખેંચાતા જ ચિત્ર સ્પષ્ટ, હવે ‘રણ’ માં ખરાખરીનો ખેલ! : કેસરીયો કેમ્પ ફૂલ એક્શન મોડમાં : સીએમ ભૂપેન્દ્ર પટેલના પ્રચારે ભાજપની ’ભગવા બ્રિગેડ’માં પૂર્યો નવા જોમનો સંચાર : કોંગ્રેસ પક્ષ હજુયે સુસ્ત
ભુજ-કચ્છઉદય : કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે ૫૮ ઉમેદવારોએ મેદાન છોડતા હવે જંગનું અંતિમ ચિત્ર સાફ થઈ ગયું છે. આગામી ૨૬ એપ્રિલે જ્યારે મતદાન થવાનું છે, ત્યારે જિલ્લા પંચાયત, ૯ તાલુકા પંચાયત અને ગાંધીધામ મહાનગરપાલિકા સહિતની નગરપાલિકાઓ પર કબજો જમાવવા તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે.
રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ભાજપ માટે નાની નગરપાલિકા હોય કે સંસદ, દરેક ચૂંટણી ‘કરો યા મરો’ સમાન હોય છે. ભાજપના પાયાના કાર્યકરોથી લઈને મોવડી મંડળ મેદાને ઉતરી ગયું છે. બીજી તરફ, કોંગ્રેસ હજુ પણ આ પ્રક્રિયામાં ક્યાંક પાછળ હોય તેમ જણાય છે. મતદારોને રીઝવવામાં વર્ષોથી સંઘર્ષ કરતી કોંગ્રેસના કોઈ મોટા ગજાના નેતાની એન્ટ્રી હજુ સુધી થઈ નથી, જે કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દયાપરની જાહેર સભા અને ગાંધીધામના કાર્યક્રમો દ્વારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. સીએમની હાજરીએ ભાજપના ઉમેદવારો અને સમર્થકોમાં નવી ઉર્જા ભરી દીધી છે. ભાજપે ફોર્મ ભરવાની સાથે જ પ્રચારના ધામા નાખી દીધા હતા, જે લીડ હવે વિપક્ષો માટે કાપવી અઘરી બની શકે છે.
મતદાનને હવે ગણતરીના ૯ દિવસ જ બાકી છે, ત્યારે પ્રચારની રણનીતિ બદલાશે. ઉમેદવારો હવે વ્યક્તિગત સંપર્ક પર ભાર મૂકશે. રાત્રિના સમયે સામાજિક અને રાજકીય આગેવાનોને મનાવવા માટે ખાનગી બેઠકોનો દૌર શરૂ થશે. અન્ય અપક્ષ કે નબળા ઉમેદવારો પાસે સમર્થન જાહેર કરાવવા માટે ચોકઠાં ગોઠવવામાં આવશે.કચ્છનું રાજકારણ હંમેશા ચોંકાવનારૂ રહ્યું છે. ૨૬ તારીખે મતદાન મશીનમાં ભાવિ કેદ થાય તે પહેલા હજુ પણ અનેક સમીકરણો બદલાશે. વિરોધી છાવણીમાં ગાબડા પાડવા અને અંતિમ ઘડીએ પ્રતિસ્પર્ધી ઉમેદવારને પોતાની તરફેણમાં કરી લેવા માટેની આંતરિક ગતિવિધિઓ તેજ બની છે.ભાજપના આક્રમક પ્રચાર સામે કોંગ્રેસ અને અન્ય પક્ષો અંતિમ દિવસોમાં કેવી ફાઈટ આપે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે. કચ્છની જનતા ’વિકાસ’ ને મત આપશે કે ’પરિવર્તન’ ને, તેનો ફેંસલો હવે ગણતરીના દિવસોમાં થશે.

Comments