Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ-ભચાઉ હાઈવે પર ‘તેલચોરો’નો ફરી વકરતો આતંક

16 April


ભચાઉ હાઈવે પાસેથી થોડા સમય પહેલા ર૬ લાખના શંકાસ્પદ ડિજલ ઝડપાયા બાદ ગત રોજ ફરીથી ચોરાઉ શંકાસ્પદ ડિજલનો પોલીસે પકડયો જથ્થો : જો કે આ કિસ્સાઓ તો માત્ર ‘પાસેરામાં પૂણી’ સમાન કાર્યવાહી છે? :કચ્છમાં તેલચોરોનું નેટવર્ક ફરી સક્રિય થયું હોય તેમ લાગી રહ્યું છે. જોકે, આ કેસમાં ઝડપાયેલો મુદ્દામાલ તો વાસ્તવિક ચોરીના નેટવર્ક સામે ‘પાસેરામાં પૂણી’ સમાન હોવાની ચર્ચાઓ જાગી છે.


 આવી પુનરાવર્તિત ઘટનાને પગલે અનેક સળગતા પ્રશ્નો ઉભા થયા છેઃ  મદદગાર હોટલો સામે પગલાં કેમ નહીં? જે હોટલ કે પાર્કિંગ પ્લોટમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે, તેમના માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં પોલીસ કેમ ખચકાય છે?


ગાંધીધામ : ભચાઉથી ગાંધીધામ તરફના હાઈવે પર હજુ તો થોડા સમય પહેલા જ બજરંગ હોટલ પાસેના પાર્કિંગમાં પોલીસે દરોડો  પાડીને શંકાસ્પદ ડીઝલની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.  તે વખતે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી હતી કે પાર્કિંગમાં ઉભેલા ટ્રેલરમાંથી ડીઝલ ચોરી કરી કેરબાઓ ભરીને સફેદ અલ્ટો કારમાં સગેવગે કરવામાં આવી રહ્યું છે.પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ૮૦ લીટર શંકાસ્પદ ડીઝલ (કિંમત રૂ. ૭,૨૦૦) મળી આવ્યું હતું. આ ગુનામાં સંડોવાયેલા શખ્સો પાસેથી તે વખતે કોઈ કાયદેસરના આધાર પુરાવા ન મળતા પોલીસે ડીઝલ, ટ્રેલર અને કાર સહિત કુલ રૂ. ૨૬,૦૭,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી બંનેની અટકાયત કરી હતી. હજુ તો આ ઘટનાની સ્યાહી સુકાઈ જ નથી ત્યાં તો ફરીથી ગત રોજ હઅીથી ડીઝલનો તગડો જથ્થો ફરીથી આધારપુરાવા વિનાનો ઝડપી પાડવામા આવ્યો છે. આ સમયે સવાલો ઉભા થવા પામી રહ્યા છે કે, કચ્છનો હાઈવે માત્ર માલસામાનની હેરફેરનો માર્ગ જ નથી રહ્યો, પણ ગુનાહિત પ્રવૃત્તિઓનું એપીસેન્ટર પણ બની રહ્યો હોય તેવું ભચાઉ નજીક ઝડપાયેલા ડીઝલ ચોરીના રેકેટ પરથી ફલિત થાય છે. ભચાઉ-ગાંધીધામ સર્વિસ રોડ પર આવેલી હોટલોના પાર્કિંગ પ્લોટમાં જે રીતે ખુલ્લેઆમ ટ્રેઈલરોમાંથી ડીઝલ કાઢીને કારમાં ભરાતું હતું, તે દર્શાવે છે કે ગુનેગારોમાં કાયદાનો ડર ઓસરી રહ્યો છે. જોકે, પોલીસે બે કીસ્સાઓમાં તાજેતરમાં જ કડક કાયવાહી કરી છે. પણ શું આટલી કાર્યવાહી પૂરતી છે?ખરો પ્રશ્ન એ છે કે, આ તો માત્ર ‘પાસેરામાં પૂણી’ સમાન કિસ્સો છે. કચ્છના હાઈવે પર વર્ષોથી આ પ્રકારના નેટવર્ક કાર્યરત છે. જ્યારે પણ આવી ધરપકડ થાય છે ત્યારે માત્ર નાના પ્યાદાઓ જ જેલના સળિયા પાછળ જાય છે, પરંતુ આ કાળા કારોબારના ‘કિંગપિન’ સુધી પોલીસનો પંજો ક્યારેય પહોંચતો નથી.તપાસના કેન્દ્રમા હકીકતમાં આ વિવિધ પાસાઓનો સમાવેશ કરવો જોઈએ. પાર્કિંગ પ્લોટ અને હોટલોની ભૂમિકા આવી ચોરીઓમાં શું હોય છે? હાઈવે પરની હોટલો અને પાર્કિંગ પ્લોટમાં જો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય, તો તેના માલિકો કે સંચાલકોની મિલીભગત વગર તે શક્ય જ નથી. શું પોલીસ આ હોટલ સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની હિંમત બતાવશે? માત્ર ૮૦ લીટર ડીઝલ અને ગાડીઓ પકડવાથી સંતોષ માનવાને બદલે પોલીસે આ આખા નેટવર્કના મૂળ સુધી પહોંચવું પડશે. ગાંધીધામથી ભચાઉ સુધીના પટ્ટામાં જે રીતે બેનામી હેરફેરના ધંધા ફૂલ્યા-ફાલ્યા છે, તે પોલીસ તંત્રની કાર્યપ્રણાલી સામે પણ સવાલો ઉભા કરે છે. જો પોલીસ ખરેખર હાઈવેને સુરક્ષિત બનાવવા માંગતી હોય, તો આ ‘તેલચોરો’ના આકાઓ સુધી પહોંચવું જ રહ્યું. નહીં તો, આવી નાની-મોટી ધરપકડો માત્ર હેડલાઈન્સ બનીને રહી જશે અને ગેરકાયદેસર ધંધા નિર્બાધપણે ચાલુ રહેશે. ?સ્થાનિકોમાં ચર્ચા છે કે જો પોલીસ આ કેસના મૂળ સુધી પહોંચે, તો હાઈવે પર ચાલતા આ મોટા રેકેટનો પર્દાફાશ થઈ શકે છે. હાલ તો પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પરંતુ સામાન્ય નાગરિકોની માંગ છે કે માત્ર પ્યાદાઓને  પકડવાને બદલે આખા નેટવર્કને નેસ્તનાબૂદ કરવામાં આવે.

.........


ચોરાઉ ડિઝલ ખરીદનાર કોણ છે? 



ગાંધીધામ : ડિઝલની ચોરી પકડાયા છે, ચોરી કનારાઓ પણ સ્થળ પરથી નાના મોટા આરોપીઓ મળી રહ્યા છે પણ સવાલ એ નિરૂત્તર રહી જાય છે કે, આ ચોરાઉ ડીઝલનો જથ્થો જતો કયા હતો? ચોરાઉ ડિઝલની ખરીદી કોણ કરતા હતા?ચોરાયેલું ડિઝલ  ક્યાં જાય છે? કયા શખ્સો આ સસ્તું ડિઝલ ખરીદીને મોટા નફામાં વેચે છે? જ્યાં સુધી ખરીદનારના નેટવર્કને તોડવામાં નહીં આવે, ત્યાં સુધી ચોરી અટકવાની નથી.ગાંધીધામથી ભચાઉ સુધીના અનેક પાર્કિંગ પ્લોટ બેનામી હેરફેરના અડ્ડા બન્યા છે. 
ઝડપાયેલા શખ્સો આ માલ કોને વેચતા હતા? આ ચોરાઉ ડિઝલના ખરીદનારા મોટા માથાઓ કોણ છે?

.........


સવાલોના ઘેરામાં પ્રશાસનઃ શું આ 
‘તેલ-ખેલ’ મિલીભગત વગર શક્ય છે?


ગાંધીધામ : ભચાઉ-ગાંધીધામ હાઈવે પર વર્ષોથી ચાલતા આ ધંધા માત્ર અમુક ચીભડ શખ્સો પકડાયા એટલે પૂરા થઈ જતા નથી. આ ઘટના પોલીસ અને સ્થાનિક પ્રશાસન સામે અનેક ગંભીર સવાલો ઉભા કરે છેઃ અમુક પાર્કિંગ પ્લોટ કે ગુનાખોરીના અડ્ડા? હાઈવે પરની હોટલો પાસે આવેલા પાર્કિંગ પ્લોટમાં રાત્રે કે સાંજે શું પ્રવૃત્તિ ચાલે છે તેનું ચેકિંગ કેમ કરવામાં આવતું નથી? શું પ્રશાસન આ પાર્કિંગ પ્લોટના માલિકોના ડેટા કે ત્યાં થતી હિલચાલ પર નજર રાખવામાં નિષ્ફળ રહ્યું છે? ગેરકાયદેસર કટીંગ પોઈન્ટ્‌સઃ ગાંધીધામથી ભચાઉ સુધીના પટ્ટામાં અનેક એવા ‘કટીંગ પોઈન્ટ્‌સ‘ છે જ્યાં ટ્રેઈલરોમાંથી માલ ચોરી કે અદલાબદલી થાય છે. શું પોલીસ પાસે આ ચોક્કસ સ્થળોની યાદી નથી? જો હોય, તો ત્યાં કાયમી પેટ્રોલિંગ કેમ ગોઠવવામાં આવતું નથી? પૂરવઠા વિભાગની મૌન ભૂમિકાઃ માત્ર પોલીસ જ નહીં, પણ જિલ્લા પૂરવઠા વિભાગ પણ આ કાળા બજાર રોકવા માટે કેમ કોઈ નક્કર પગલાં નથી ભરતું? બજારમાં ચોરાઉ ડીઝલ વેચાતું હોય ત્યારે આ વિભાગની ઉંઘ કેમ નથી ઉડતી? રજિસ્ટર્ડ વાહનોનો દુરુપયોગઃ ચોરીના કામમાં વપરાતી અલ્ટો જેવી કાર કે ટ્રેઈલરો શું અગાઉ પણ આવા ગુનામાં વપરાયા છે? આવા વાહનોના માલિકો સુધી તપાસનો છેડો કેમ પહોંચતો નથી? ખોફ કે ખાઈકી?શું તેલચોરોનો ખોફ એટલો છે કે હોટલ સંચાલકો મોઢું નથી ખોલતા, કે પછી ઉપર સુધી પહોંચતા હપ્તાઓને કારણે આ આખો ખેલ ‘સીસ્ટમ‘ ની નજર સામે જ ચાલી રહ્યો છે?

.........


ડ્રાઈવરોની મજબૂરી કે મિલીભગત? 

ગાંધીધામ : તેલના પરીવહન કરનારા વાહનવાળા કે ડ્રાયવરોની ભુમિકા ઘટનાઓમાં પ્રાથમિક ધોરણે શંકામાં આવી જાય છે. તો આ ડ્રાઈવરોની મજબુરી છે કે પછી લાલચભરી મિલીભગત છે? શું ટ્રેઈલરના ડ્રાઈવરોને ધમકાવીને આ જથ્થો પડાવવામાં આવે છે કે પછી કમિશનની લાલચે આ ખેલ ખેલાય છે? આ દિશામાં ઊંડી તપાસ અનિવાર્ય છે. આ શખ્સો કેટલી ગાડીઓમાંથી ડીઝલ કાઢતા હતા? શું તેઓ ડ્રાઈવરોને ધમકાવીને આ જથ્થો પડાવતા હછી કોઈ મોટી ગેંગના ઈશારે આ કામ ચાલતું હતું?

.........


ભચાઉ પોલીસે પ૭૦ લિટર શંકાસ્પદ ડીઝલ કબજે કર્યું 

ભચાઉ - કચ્છ ઉદય :  ભચાઉ - ગાંધીધામ હાઈવે રોડ પર ગોલ્ડન ઈંગલ હોટલની ડાબી બાજુ ઓરડી પાછળ ગેરકાયદે ડીઝલ છુપાવ્યું હોવાની બાતમીના આધારે ભચાઉ પોલીસે દરોડો પાડીને પ૭૦ લિટર ડીઝલ કિંમત રૂા.પ૧,૩૦૦ મુદ્દામાલ કબજે કર્યો હતો. 
આ સાથે રાજસ્થાનનો કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને પંજાબનો કમલજીતસિંઘ બલવીન્દરસિંગ જાટ પકડાયો હતો, જ્યારે લખવિન્દરસિંગ ઉર્ફે લખો અજીતસિંઘ જાટ હાજર મળી આવ્યો ન હતો. 

.........

Comments

COMMENT / REPLY FROM