જમીન વિવાદમાં પાયાવિહોણી રજૂઆતોના પગલે કલેક્ટરે અરજદારની રિવિઝન અરજી ફગાવી
ભુજ - કચ્છઉદય : લખપત તાલુકાના મોજે ભાદરા (નાના) ગામની સીમમાં આવેલી જમીન બાબતે ચાલી રહેલા લાંબા સમયના વિવાદમાં માનનીય કલેક્ટર દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. આ કેસની વિગતો મુજબ, સર્વે નંબર ૧૦૫/પૈકી ૩૩ વાળી જમીનમાં થયેલી નોંધ નંબર ૧૧૯ અને ત્યારબાદની અન્ય નોંધો સામે અરજદાર દ્વારા નાયબ કલેક્ટર નખત્રાણા સમક્ષ અપીલ કરવામાં આવી હતી. જોકે, નાયબ કલેક્ટરે રેકોર્ડ આધારિત પુરાવાઓ તપાસીને શરતભંગ અંગેની કાર્યવાહી કરવા સૂચના આપી અરજદારની અપીલ નામાંજૂર કરી હતી. આ હુકમથી નારાજ થઈને અરજદાર દ્વારા કલેક્ટર સમક્ષ રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી.
આ કેસમાં સામાવાળા પક્ષે એડવોકેટ કપિલદાન એસ. ગઢવીએ લેખિત અને મૌખિક દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, અરજદાર દ્વારા ખેડૂત ખાતેદાર હોવાના કોઈ જ સજ્જડ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. સરકારના કાયદાઓ અને અગાઉના ચુકાદાઓને ધ્યાને લેતા અરજદારની રજૂઆતો પાયાવિહોણી સાબિત થઈ હતી. કલેક્ટર કોર્ટ દ્વારા સમગ્ર કેસનું અવલોકન કર્યા બાદ એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે, જે તે સમયે જમીનનું વેચાણ જૂની શરતમાં ફેરવ્યા વગર જ રજિસ્ટર દસ્તાવેજથી કરવામાં આવ્યું હતું. અરજદાર દ્વારા પોતાનો પક્ષ સાબિત કરવા માટે જરૂરી એવા ખેડૂત ખાતેદારના પુરાવા રજૂ કરવામાં નિષ્ફળતા મળી હોવાથી કોર્ટે આ રિવિઝન અરજીને ગ્રાહ્ય રાખવા પાત્ર ગણી નથી. અંતે નાયબ કલેક્ટર નખત્રાણાના અગાઉના હુકમને કાયમ રાખતા કલેક્ટરે અરજદારની રિવિઝન અરજી નામાંજૂર કરવાનો આદેશ કર્યો છે. આ ચુકાદા સામે નારાજ પક્ષકારો ૬૦ દિવસની મર્યાદામાં મહેસૂલ વિભાગના સચિવશ્રી (વિવાદ) સમક્ષ અપીલ કરી શકશે તેમ જણાવાયું છે.
---------

Comments