કચ્છમાં તાલુકા - જિલ્લા પંચાયત - નગરપાલિકાની ચૂંટણીઓ કાંગ્રેસ સામે ભાજપ નહીં પરંતુ પોલીસ લડી રહી છે
પોલીસના અધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવાના પ્રયાસો કરાયા હોવાના કોંગ્રેસનો આક્ષેપ
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં તાલુકા - જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મ ખેચવાના દિવસે કચ્છના ૫ોલીસ અધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓના લોકો કોંગ્રેસના ઉમેદવારોને શોધી શોધીને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાવવાના પ્રયાશો કરેલા છે, એટલુજ નહિ પરંતુ જિલ્લા પંચાયતના બેઠકના કોંગ્રેસના ઉમેદવારોને ૩૦થી ૩પ લાખ સુધીની ઓફરો કરેલ છે અને પોલીસ દ્વારા ઉમેદવારોના ઘર સુધી પહોંચી અને ઉમેદવારી ફોર્મ ખેંચવા માટે ભાજપની સૂચના મુજબ પોલીસ વિભાગે કામ કરેલ છે. ઘણી જગ્યાએ પીલીસ દ્વારા ભાજપને ફાયદો કરાવવા માટે મુસ્લિમ ઉમેદવારો પાસે અપક્ષ ફોર્મ પણ ભરાવવામાં આવેલ છે. સરકારના આદેશ મુજબ ઉદ્યોગપતિઓ દ્વારા મગળવારની રાત્રિએ ૩ થી ૪ વાગ્યા સુધી પ્રયાસો કરવામાં આવ્યા છે તેવો આક્ષેપ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલે કોંગ્રેસ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં કર્યો હતો.
શ્રી હુંબલે આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, ઘણા ઉદ્યોગપતિઓ સાથે તેઓએ ચર્ચા કરેલ કે તમે આવું શા માટે કરો છો ત્યારે તેમને જવાબ આપેલ કે અમને સરકારનું દબાણ છે અને મજબૂરી પણ છે જેથી અમારે આવું કરવું પડે છે. આમ આ લોકશાહી માટે શરમજનક ઘટના કહેવાય. અંજાર તાલુકાની વીરા તાલુકા પંચાયત બેઠક જિલ્લાના આહીર સેનાના પ્રમુખ દીપકભાઈ કોઠીવાડ તરફથી ઉમેદવાર આપવામાં આવેલ અને છેલ્લા દિવસે એમના તરફથી તેમને મુકાવેલ ઉમેદવારનું ફોર્મ પાછુ ખેચાવેલ આમ કરી કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કરવામાં આવેલ છે અને આહીર સમાજની ગરિમાને પણ ઠેસ પહોંચાડેલ છે. આહીર સમાજ વટ, વચન અને આસરા માટેની તેમની ઓળખ છે જે આ બાબતમા ક્યાંકને ક્યાંક ભંગ થયેલ છે.
ભચાઉ તાલુકાની જિલ્લા પંચાયતની મોટી ચીરઈ અને તાલુકા પંચાયતની બેઠકો ભાજપે બિનફરીફ કરાવેલ છે, જેમાં પણ ૪૦ થી ૫૦ લાખ સુધીનો વહીવટ થયેલ છે. આમ ભાજપ વિકાસના બણગા ફુંકે છે તો કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખેચવાની કેમ જરૂર પડી. ભાજપના એટલા ધમપછાડા પછી પણ જ્યાં કોંગ્રેસ માટે નબળી બેઠકો હતી તેવીજ જગ્યાએ ઉમેદવારી ફોર્મ ખેચાવવાના પ્રયાસો કરેલ છે. આમ ભાજપે અનેક જગ્યાએ સત્તાનો દુરૂપયોગ કરી અને ઉમેદવારોને ડરાવવા - ધમકાવાનું કામ કરેલ છે, પરંતુ કચ્છ જિલ્લામાં કોંગ્રેસ તાલુકા - જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓમાં ખુબ સારો દેખાવ કરી અને સત્તા મેળવશે તેવું શ્રી હુંબલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં જિલ્લાના આગેવાનો રામદેવસિંહ જાડેજા, લાખાજી સોઢા, ગનીભાઈ કુંભાર, પ્રગ્નેશ ચોથાણી, અંજલી ગોર, હરેશભાઈ આહીર, એચ.એસ. આહીર, વિભાભાઈ રબારી, ફકીરમામદ કુંભાર, ખેતશીભાઈ ગજરા, નારણભાઈ ભીલ સહીતના આગેવાનો હાજર રહ્યા હતા
---------

Comments