સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને વિવિધ જાહેરનામા જારી કરાયા
ભુજ - કચ્છઉદય : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય - પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે, જે મુજબ આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૪ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૧/૪ થી તા.૩૦/૪ સુધી ચાલશે. આગામી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે વિવિધ જાહેરનામા અમલી કર્યા છે, જે અંતર્ગત પોલીંગ એજન્ટને મતદાનના કલાકો દરમિયાન માર્ક કરેલ મતદાર યાદી મતદાન મથકની બહાર કોઇપણ સંજોગોમાં લઇ જવા દેવામાં આવશે નહી. પ્રિસાઇડીંગ અધિકારીને મતદાર યાદી હાથમાં સોંપ્યા બાદ જ મતદાન મથક છોડવાની છૂટ આપવામાં આવશે. બીજી તરફ મતદાન પુરુ થતા સમયગાળા પહેલા ૪૮ કલાકના સમયગાળામાં પોલીટીકલ નેચર વાળા બલ્ક એસએમએસના ટ્રાન્સમીશન પર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ ઉપરાંત મતદારો મતદાન મથકના અધિકૃત પ્રવેશદ્વાર પર એક જ કતારમાં એક પછી એક ઉભા રહેશે અને જે મતદાન મથકમાં મહિલા મતદારો માટે અલગ કતાર હોય તો તેઓ તે મુજબ અલગ અલગ કતારમાં ઉભા રહેશે. મતદારો એક પછી એક એમ વારા-ફરતી મત આપવા મતદાન મથકમાં જશે અને એક પુરૂષ મતદાર પછી બે સ્ત્રી મતદાર મત આપવા મતદાન મથકમાં જશે. દિવ્યાંગ મતદારો અને વરિષ્ઠ નાગરીકો (સિનીયર સિટીઝન)ને મતદાન માટે પ્રાથમિકતા આપવાની રહેશે. પોતાનો મત આપ્યા પછી મતદાર તુરંત જ મતદાન મથકનો વિસ્તાર છોડી ચાલ્યા જશે તેમજ ઉમેદવારો, રાજકીય પક્ષો માટે મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લાવવા, પરત લઈ જવાની ગેરકાયદેસરની સગવડ આપી મતદારની ઉપર અનધિકૃત દબાણ, પ્રલોભન આપવા ઉપર તથા મતદાનના દિવસે ઉમેદવારો તથા તેમના એજન્ટ દ્વારા વાપરવામાં આવતા વાહનો ઉપર પ્રતિબંધ - નિયંત્રણ રાખવા ફરમાવેલ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓના સમયગાળા દરમિયાન ચૂંટણીના પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા આવતા વાહન પૂર્વ પરવાનગી વિના ઉપયોગમાં લઇ શકાશે નહી. પરવાનગી મેળવેલ વાહનનો જે તે મતદાર વિસ્તારમાં જ તેનો ઉપયોગ કરી શકાશે. ચૂંટણી માટે ઉપયોગમાં લેવાનાર વાહનના વીન્ડ સ્ક્રીન પર પરવાનગીના હુકમ નંબર તારીખ દર્શાવવાના રહેશે. મતદાનના દિવસે ઉમેદવાર તેમના પોતાના માટે એક વાહન ચૂંટણી એજન્ટ માટે એક વાહન અને પક્ષના કાર્યકરોના ઉપયોગમાં એક વાહન મળી કુલ ૩ વાહનો પૂર્વ પરવાનગી મેળવી ઉપયોગ કરી શકશે.
-------

Comments