ચકલી બચાવ અભિયાનથી ગામડાઓમાં ફરી સંભળાયો ‘ચી..ચી..’નો કલરવ
ભુજ - કચ્છઉદય : કચ્છમાં ગામડાં અને શહેરોમાં વર્ષો પહેલાં પરંપરાગત નળિયાવાળા અને જૂના પ્રકારના મકાનોમાં ચકલીઓનો વસવાટ મોટી સંખ્યામાં જોવા મળતો હતા, પરંતુ આધુનિક પાકા મકાનોના વધતા પ્રભાવને કારણે ચકલીઓ માટે માળા બનાવવા જેવી કુદરતી સગવડો ઘટી જતા તેમની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો. એક સમય એવો આવ્યો કે ચકલીનો ‘ચી..ચી..’ કલરવ પણ ઓસરી ગયો, જેને કારણે પક્ષીપ્રેમીઓમાં ચિંતા વ્યાપી હતી.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચકલી બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેમાં કૈલાસ નગર ખાતે હરિઓમ મિશન સંસ્થા દ્વારા ચકલીઓ માટે માળાઘરો, ચણ માટેના પાત્રો તેમજ પાણીના કુંડા બનાવીને વિવિધ વિસ્તારોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતાઆ પ્રયાસોના પરિણામે આજે ભુજના કૈલાશનગર ખાતે હરિભાઈ ભાનુશાળી પાસે જિલ્લાના ઠેરઠેરથી લોકો ચકલી ઘર લેવા તેમજ તેની યોગ્ય સારસંભાળ અંગે માહિતી મેળવવા માટે આવી રહ્યા છે. આ વિસ્તારમાં સમગ્ર કામગીરીનો શ્રેય હરિઓમ મિશન સંસ્થાને જાય છે એવું લોકો કહી રહ્યા છે.હાલ લોકોમાં પણ જાગૃતિ વધી રહી છે અને ઘણા લોકો પોતાના ઘરઆંગણે પાણીના કુંડા, ચણ માટેના પાત્રો અને માળાઘરો મૂકી રહ્યા છે, જેથી ચકલીઓ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. ભુજ તાલુકાની સણોસરા, કૈલાસનગર ગામ તેમજ આસપાસની શાળાઓ, મંદિરો, બાગ-બગીચાઓ, ભેડ માતાના ડુંગરાળ વિસ્તાર, વનવગડાં તેમજ અન્ય જાહેર સ્થળોએ પણ આ સગવડો ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. ખાસ કાળજી રાખવામાં આવે છે કે બિલાડી અથવા અન્ય જાનવરો આ સ્થળ સુધી ન પહોંચે, જેથી ચકલીઓ અને તેમના બચ્ચાઓ સુરક્ષિત રહી શકે. આ સતત પ્રયાસોના કારણે હવે ફરી એકવાર ચકલીઓનો કલરવ સંભળાવા લાગ્યો છે, જે પર્યાવરણ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે

Comments