Trending News
સ્થાનિક સમાચાર

ભુજની વિષ્ણુ ધર્મ સ્કૂલને રાષ્ટ્રીય સ્તરનું ગૌરવઃ ‘અર્થવાઈઝ એવોર્ડ્‌સ ૨૦૨૬’ માં વિજેતા જાહેર

13 April



પર્યાવરણ સંરક્ષણ અને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ જેન ગુડોલ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા દ્વારા દેશની ટોચની ૨૦ સંસ્થાઓમાં સ્થાન પ્રાપ્ત થયું

ભુજ - કચ્છઉદય : ભુજ શહેરની શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર એવી વિષ્ણુ ધર્મ સ્કૂલે પર્યાવરણ અને સ્થિર વિકાસના ક્ષેત્રમાં રાષ્ટ્રીય ફલક પર વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરીને કચ્છનું નામ રોશન કર્યું છે. જેન ગુડોલ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા દ્વારા રૂટ્‌સ એન્ડ શૂટ્‌સ કાર્યક્રમ અંતર્ગત, વીએએસસીએસસી સાથેની ભાગીદારી અને સેલ્સફોર્સના વિશેષ સહયોગથી આયોજિત પ્રતિષ્ઠિત ‘Awards for Schools 2026 ૨૦૨૬’ માં વિષ્ણુ ધર્મ સ્કૂલને વિજેતા તરીકે જાહેર કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ સન્માન માટે સમગ્ર ભારતમાંથી પર્યાવરણ અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત અસંખ્ય શાળાઓ વચ્ચે સ્પર્ધા થઈ હતી, જેમાંથી પસંદ કરવામાં આવેલી દેશની શ્રેષ્ઠ ૨૦ શૈક્ષણિક સંસ્થાઓમાં વિષ્ણુ ધર્મ સ્કૂલે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
આ પ્રતિષ્ઠિત એવોર્ડ શાળા દ્વારા કરવામાં આવેલા અનેકવિધ નવતર પ્રયોગો અને સાતત્યપૂર્ણ પ્રયાસોનું પરિણામ છે. શાળામાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની જાગૃતિ કેવળ પુસ્તકો પૂરતી મર્યાદિત ન રહેતા વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જીવંત રાખવામાં આવે છે. શૈક્ષણિક અભ્યાસક્રમમાં સ્થિર વિકાસના સિદ્ધાંતોનો સમાવેશ કરવાની સાથે વિદ્યાર્થીઓમાં પ્રયોગાત્મક એટલે કે જી્‌ઈસ્ આધારિત પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. કુદરત પ્રત્યે સંવેદના કેળવાય અને ભાવિ પેઢી પોતાની પર્યાવરણીય જવાબદારીઓ પ્રત્યે સભાન બને તે દિશામાં શાળા પ્રશંસનીય કાર્ય કરી રહી છે, જેને આ એવોર્ડ દ્વારા રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે.
આ ભવ્ય સફળતાના પાયામાં વિષ્ણુ ધર્મ સ્કૂલના ટ્રસ્ટી શ્રી ધવલ બારોટનું વિઝન અને તેમનું સતત માર્ગદર્શન મુખ્ય સ્ત્રોત રહ્યું છે. તેમની પ્રેરણાથી શાળામાં રચનાત્મક વાતાવરણનું નિર્માણ થયું છે. આ પ્રોજેક્ટના સફળ આયોજનમાં કાર્યક્રમના કન્વીનર શિક્ષિકા શ્રીમતી પ્રિયા જોબનુત્રાની તનતોડ મહેનત અને શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી ગીતા વી. સોનીના કુશળ નેતૃત્વ તેમજ માર્ગદર્શનનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. શાળાના આ શૈક્ષણિક અને પર્યાવરણીય અભિયાનને સફળ બનાવવામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓના સંયુક્ત સહયોગની પણ પૂરક ભૂમિકા રહી છે.
વિષ્ણુ ધર્મ સ્કૂલનું મેનેજમેન્ટ હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહ્યું છે. માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં પરંતુ સામાજિક અને પર્યાવરણપ્રેમી મૂલ્યોનું સિંચન કરવું એ શાળાનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે. આ રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ બદલ શાળા પરિવારમાં ભારે હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આ ગૌરવશાળી સફળતા માટે સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને આગામી સમયમાં પણ પર્યાવરણ અને શિક્ષણના સમન્વય સાથે આવી જ ઉત્કૃષ્ટ કામગીરી શરૂ રાખવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી છે તેવું શાળાના ગીતાબેન સોનીની યાદીમાં જણાવાયું હતું.
-------------- 

Comments

COMMENT / REPLY FROM