Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મહાનગરપાલિકા : ફોર્મ ચકાસણીમાં ૩ ફોર્મ અમાન્ય રહ્યા

13 April


કુલ ૧૯૭ ફોર્મની ચકાસણી કરવામાં આવી

ગાંધીધામ - કચ્છઉદય : નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ યોજાઈ રહેલી પ્રથમ ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે યોજાનાર આ જંગમાં ઉમેદવારો અને મતદારો બંનેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા મુખ્ય પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવારોમાં પણ ટિકિટ મેળવવા અને ફોર્મ ભરવા માટે ભારે હોડ જામી હતી. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સોમવારે સવારથી જ વહીવટી તંત્ર દ્વારા ૧૯૭ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ગાંધીધામની તાલુકા પંચાયત કચેરી, મહાનગરપાલિકા કચેરી અને મામલતદાર ઓફિસ ખાતે દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, બપોર સુધીની ચકાસણી દરમિયાન કુલ ૩ ઉમેદવારી ફોર્મ અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર ૧ થી ૫ માં દસ્તાવેજોની ખામીને કારણે આ ફોર્મ રદ થયા હોવાનું જાણવા મળ્યું છે. હજુ પણ અન્ય વોર્ડની ચકાસણી પ્રક્રિયા ચાલુ હોવાથી બપોર સુધીમાં અમાન્ય ફોર્મની સંખ્યામાં વધારો થવાની અથવા મોટો ઉલટફેર થવાની પૂરેપૂરી શક્યતા છે. ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારી દ્વારા માન્ય ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ જ ખબર પડશે કે કયા વોર્ડમાં કેટલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી હોવાથી સમગ્ર ગાંધીધામ પંથકમાં અત્યારે માત્ર ચૂંટણીની જ ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.

Comments

COMMENT / REPLY FROM