વિપક્ષો પાસે લડવૈયાઓનો દુકાળ તો કેસરિયા છાવણીમાં આંતરિક અસંતોષ ડામવો એ જ અસલી પડકાર
કચ્છમાં ગરમી અને રાજકીય ગરમાવો વધ્યો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રથમ ગ્રાસે જ મક્ષીકા જેવો તાલ : કોંગ્રેસે સંગઠનની નબળાઈથી અનેક બેઠકો ભાજપને ‘થાળીમાં ધરી’ દીધી : શહેરી વિસ્તારમાં ભાજપનું સંગઠન પેજથી બૂથ સમિતિ સુધી મજબૂત જ્યારે વિપક્ષને ઉમેદવારના પણ ફાફા : સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષો પર માનસિક સરસાઈ મેળવી લીધાનું ઉપસતું ચિત્ર
ભાજપના ગઢમાં ગાબડા પાડવા વિપક્ષ માટે લોઢાના ચણા ચાવવા સમાનઃ આંતરિક અસંતોષ ડામવો સત્તાધારી પક્ષ માટે બની રહેશે મોટો પડકાર
ભુજ - કચ્છઉદય : કચ્છની ધીંગી ધરા પર અત્યારે ઉનાળાના આકરા તાપની સાથે રાજકીય ગરમી પણ ચરમસીમાએ પહોંચી છે. ભારતના સૌથી મોટા જિલ્લા એવા કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગલ વાગી ચૂક્યું છે અને શનિવારે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ મુદત પૂર્ણ થતાની સાથે જ હવે ચૂંટણી ચિત્ર મહદઅંશે સ્પષ્ટ થઈ ગયું છે. કચ્છ જિલ્લાની એક મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયતો અને પાંચ નગરપાલિકાઓ માટે આગામી ૨૬મી એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે જે નાટ્યાત્મક દ્રશ્યો સર્જાયા અને જે રીતે સમીકરણો બદલાયા છે તે જોતા આગામી દિવસોમાં કચ્છનું રાજકારણ વધુ રસપ્રદ બને તેવા પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે.
ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભિક તબક્કે જ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષો પર માનસિક સરસાઈ મેળવી લીધી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થતા જ કેટલીક બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થવાની તૈયારીમાં છે. ભુજ, નખત્રાણા અને ગાંધીધામ જેવા મહત્વના શહેરી કેન્દ્રોમાં વિપક્ષી પાર્ટીઓને લાયક ઉમેદવારો શોધવામાં પણ નાકે દમ આવી ગયો હતો. આ સ્થિતિ એ હદે વણસી હતી કે કેટલીક બેઠકો પર કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પોતાના પ્રતિનિધિ પણ ઊભા રાખી શકી નથી, જેને પરિણામે આ બેઠકો ભાજપના ખોળામાં બિનહરીફ રીતે જઈ પડી છે. શહેરી વિસ્તારોમાં જોવા મળેલી આ લાચારી કોંગ્રેસ અને નવી ઊભરેલી આમ આદમી પાર્ટી માટે એક ગંભીર ચેતવણી અને આત્મમંથનનો વિષય બની ગઈ છે. ભારતીય જનતા પાર્ટીની તાકાત તેના પાયાના સંગઠનમાં રહેલી છે. પેજ સમિતિથી લઈને બૂથ સમિતિ સુધીનું જે માઈક્રો પ્લાનિંગ ભાજપ દ્વારા કરવામાં આવે છે, તેની સામે વિપક્ષોનું માળખું વેરવિખેર જોવા મળી રહ્યું છે. રાજકીય વિશ્લેષકો માને છે કે શહેરી વિસ્તારોમાં ભાજપની લોકપ્રિયતા અને સંગઠન શક્તિ એટલી પ્રબળ છે કે ત્યાં ગાબડું પાડવું અન્ય પક્ષો માટે અશક્ય જેવું ભાસી રહ્યું છે. ખાસ કરીને કચ્છ જેવા જિલ્લામાં જ્યાં મતદારોની નસ પારખવામાં ભાજપ હંમેશા અગ્રેસર રહ્યું છે, ત્યાં વિપક્ષી છાવણીમાં ઉમેદવારોનો દુકાળ વર્તાય તે લોકશાહીના દૃષ્ટિકોણથી ચિંતાજનક બાબત છે. કોંગ્રેસ જે એક સમયે કચ્છમાં મજબૂત પકડ ધરાવતી હતી, તે હવે ધીમે ધીમે પોતાનો જનાધાર ગુમાવી રહી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. જોકે, ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ કોંગ્રેસના મૂળિયાં સચવાયેલા છે, પરંતુ સંગઠનની નબળાઈ તેને ચૂંટણીમાં સફળતા અપાવતા રોકી રહી છે. બીજી તરફ, ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહેલી આમ આદમી પાર્ટી માટે પણ કચ્છના રણમાં કમળને મુરઝાવવું લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે.
જોકે, આ બધું જ ભાજપ માટે સહેલું છે તેમ માનવું પણ ભૂલભરેલું ગણાશે. સત્તાધારી પક્ષ માટે પણ આ ચૂંટણી એક રીતે ’લિટમસ ટેસ્ટ’ સમાન છે. ભાજપની ખરી લડાઈ વિપક્ષ સાથે નહીં પરંતુ પોતાની અંદર રહેલા અસંતોષ સાથે છે. ટિકિટ ફાળવણીમાં જે રીતે કાતર ફેરવવામાં આવી અને જૂના જોગીઓને પડતા મૂકી નવા ચહેરાઓને પ્રાધાન્ય અપાયું, તેને લીધે પક્ષની અંદર છૂપો રોષ ભભૂકી રહ્યો છે. બળવાની બીકે ભાજપે પણ છેલ્લી ઘડી સુધી ઉમેદવારોના નામ જાહેર કર્યા નહોતા, જે સાબિત કરે છે કે કેસરિયા બ્રિગેડમાં પણ ’સબ સલામત’ નથી. ટિકિટ ન મળવાથી નારાજ થયેલા કાર્યકરો અને નેતાઓ હવે ભલે ટેકનિકલ કારણોસર અપક્ષ તરીકે ફોર્મ ભરી શક્યા નથી, પરંતુ તેઓ મતદાન વખતે પક્ષના સત્તાવાર ઉમેદવારોની બાજી બગાડી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.
કચ્છ જિલ્લા પંચાયતની બેઠકો પર તો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ખાસ કરીને પાનધ્રો અને નલિયા જેવી સંવેદનશીલ બેઠકો પર ભાજપે ફોર્મ ભરવાના અંતિમ કલાકોમાં જ ઉમેદવારોના નામ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. નિરોણા બેઠક પર તો ઉમેદવાર જાહેર કર્યા બાદ છેલ્લી ઘડીએ ફેરબદલ કરવાની ફરજ પડી હતી. આ પરિવર્તનો પાછળ આંતરિક જૂથબંધી અને જ્ઞાતિ-જાતિના સમીકરણો જવાબદાર હોવાનું મનાય છે. ટિકિટ ફાળવણી બાદ ઉઠેલા અસંતોષના સૂરને દબાવવા અને રિસાઈ ગયેલા કાર્યકરોને મનાવી લેવા તે હવે જિલ્લા ભાજપ સંગઠન માટે પ્રાથમિકતાનો વિષય બની ગયો છે. જો આંતરિક વિખવાદ સમયસર ઉકેલાશે નહીં, તો તેની સીધી અસર મતદાનની ટકાવારી અને પરિણામો પર પડી શકે છે.
આગામી દિવસોમાં કચ્છના ગામડાઓ અને શહેરી ગલીઓમાં પ્રચારનો ધમધમાટ શરૂ થશે. ૨૬ એપ્રિલના રોજ કચ્છના લાખો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સ્થાનિક સરકારની પસંદગી કરશે. એક બાજુ ભાજપ પોતાની ભવ્ય જીત અને ક્લીન સ્વીપના દાવા કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગ્રામીણ વિસ્તારોમાં પરિવર્તનની આશા રાખીને બેઠા છે. કચ્છના આ રાજકીય મહાસંગ્રામમાં કોણ બાજી મારશે અને કોના માથે વિજયનો તિલક થશે તે તો ભવિષ્યના ગર્ભમાં છે, પરંતુ હાલ પૂરતું તો સમગ્ર જિલ્લામાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે અને લોકોમાં પણ આ અંગે ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. સ્થાનિક પ્રશ્નો, વિકાસના કામો અને સંગઠન શક્તિના સથવારે ખેલાનારા આ જંગમાં કચ્છનો મિજાજ શું રહે છે તે જોવું રસપ્રદ રહેશે.

Comments