Trending News
સ્થાનિક સમાચાર

આજે ફોર્મ ચકાસણીના દિવસે ‘વાંધા-વચકા’નું આક્રમણ અને ફોર્મ ખેંચાવવા માટે તડજોડની મથામણ તેજ

13 April

કચ્છમાં ચૂંટણી જંગ પરાકાષ્ઠાએ



પોતાના ઉમેદવારોને રાજકીય દબાણથી બચાવવા કોંગ્રેસ-આપની ઊંઘ ઉડી : સત્તાપક્ષ દ્વારા વધુ બેઠકો બિનહરીફ કરવા એડીચોટીનું જોર


ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે લોબિંગ અને વ્યૂહરચનાના અત્યંત નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે. આજે સોમવારે વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે રાજકીય આલમમાં ભારે સળવળાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વિપક્ષી છાવણીમાં ફફડાટ છે કે ફોર્મ ચકાસણીમાં ટેકનિકલ ખામીઓ બતાવીને અથવા તો રાજકીય દબાણ લાવીને તેમના ઉમેદવારોના ફોર્મ રદ ન કરાવી દેવામાં આવે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા પક્ષો માટે અત્યારે સૌથી મોટો પડકાર પોતાના ઉમેદવારોને અકબંધ રાખવાનો છે, કારણ કે સત્તાધારી પક્ષ ભાજપે વધુમાં વધુ બેઠકો બિનહરીફ કરવા માટે કમર કસી છે.
આજે ફોર્મ ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ થનારા વાંધાઓ પર સૌની મીટ મંડાયેલી છે. વિરોધ પક્ષોને ભય છે કે સત્તાપક્ષ દ્વારા સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને તેમના મજબૂત ઉમેદવારોને મેદાનમાંથી હટાવવા માટે દબાણ કરવામાં આવી શકે છે. બુધવારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત છે, તે પૂર્વે આગામી ૪૮ કલાકમાં ઉમેદવારો પોતાનું મન ન બદલે અથવા પ્રલોભનોને વશ થઈ ફોર્મ પાછું ન ખેંચી લે તે માટે કોંગ્રેસ અને આપના નેતાઓ રાત-દિવસ એક કરી રહ્યા છે. અનેક જગ્યાએ ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા તેમના પર સતત દેખરેખ રાખવા માટે પક્ષના ખાસ કાર્યકરો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
ભાજપે જે રીતે ૧૦ બેઠકો બિનહરીફ કબજે કર્યાનો દાવો કર્યો છે, તેનાથી વિપક્ષોમાં સતર્કતા વધી ગઈ છે. લોકશાહીની પ્રક્રિયામાં ચૂંટણી યોજાય તે પૂર્વે જ બેઠકો અંકે કરી લેવાની સત્તાપક્ષની રણનીતિ સામે કોંગ્રેસ હવે રક્ષણાત્મકમાંથી આક્રમક મૂડમાં આવી છે. ભૂતકાળમાં જે પ્રકારે છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચાવીને આખી સંસ્થા બિનહરીફ કરી દેવાના કિસ્સાઓ બન્યા છે, તેનું પુનરાવર્તન ન થાય તે માટે અત્યારે જિલ્લાભરમાં રાજકીય દાવપેંચ પરાકાષ્ઠાએ પહોંચ્યા છે. આજે સાંજ સુધીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેટલા ઉમેદવારો મેદાનમાં બચે છે અને કેટલાના પત્તા કપાય છે, તેના પર જ જીત-હારના ગણિતો મંડાવવાના શરૂ થશે.
નોંધનીય છે કે, કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શનિવારના રોજ ભારે રસાકસી અને ઉત્સાહ વચ્ચે પૂર્ણ થઈ છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારો અને સમર્થકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો, જેમાં છેલ્લા દિવસે જ ૧૩૨૮ ફોર્મ ભરાતા કુલ આંકડો ૧પ૭૧ પર પહોંચ્યો છે. વહીવટી તંત્રના ચોપડે નોંધાયેલા આ આંકડાઓ સાથે જ હવે જિલ્લાનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. સત્તાધારી પક્ષ ભાજપે ભુજ નગરપાલિકામાં પાંચ, અંજાર અને નખત્રણામાં બબ્બે તેમજ માંડવી તાલુકા પંચાયતની એક બેઠક મળી કુલ ૧૦ બેઠકો પર અત્યારથી જ બિનહરીફ વિજયનો વાવટો લહેરાવ્યો હોવાનો દાવો કર્યો છે, જોકે આ દાવાની સત્તાવાર પુષ્ટિ આજની ચકાસણી બાદ જ થશે.
કચ્છના ઇતિહાસમાં અગાઉ અનેકવાર તડજોડના ખેલ જોવા મળ્યા છે. ખાસ કરીને ૨૦૦૫માં જે રીતે મુંદરા તાલુકા પંચાયતની સત્તા ચૂંટણી પૂર્વે જ અંકે કરી લેવામાં આવી હતી, તેવા જ દાવપેંચના પુનરાવર્તનની ભીતિ વિપક્ષને સતાવી રહી છે. 
આ તરફ ભાજપ પોતાની સંગઠન શક્તિના જોરે હજુ વધુ બેઠકો બિનહરીફ કરવા આશાવાદી છે. 
વિશેષમાં, આ વખતની ચૂંટણીમાં ત્રીજું પરિબળ સાવ બિનઅસરકારક જણાતા સીધો મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ખેલાશે તેવું અત્યારે તો દેખાઈ રહ્યું છે. બુધવારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ ઘડી પસાર થયા બાદ જ આખરી ચિત્ર સ્પષ્ટ થશે.



..................

રાપર તા. પં.ની આડેસર બેઠક પર અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ


 પ્રમુખ રાજકીય પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રહ્યા માન્ય : ડમી ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા બાદ અને બુધવારે ફોર્મ ભરત ખેંચવાની મુદ્દત પૂર્ણ થયા બાદ અંતિમ ચિત્ર થશે સ્પષ્ટ 



રાપર તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન આડેસર બેઠકના અપક્ષ ઉમેદવારનું ફોર્મ અમાન્ય ઠર્યું છે. ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજે હાથ ધરવામાં આવેલી વહીવટી તપાસમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા મુખ્ય રાજકીય પક્ષોના તમામ ઉમેદવારોના ફોર્મ યોગ્ય જણાતા તે ગ્રાહ્ય રાખવામાં આવ્યા હતા. જોકે, આડેસર બેઠક પરથી અપક્ષ તરીકે મેદાને ઉતરેલા ઉમેદવાર વલીમામદ હિંગોરજાના ફોર્મમાં ટેકનીકલ ખામી જણાતા ચૂંટણી અધિકારી દ્વારા તેને રદ કરવામાં આવ્યું હતું. અન્ય તમામ બેઠકો પર મુખ્ય પક્ષો વચ્ચે રસાકસી જામશે તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે.



........................

અબડાસા જીલ્લા અને તાલુકા પંચાયતના ડમી શિવાયના તમામ ફોર્મ ચકાસણીમાં માન્ય


જીલ્લા પંચાયતના ૧૭ પૈકી ૧ર ઉમેદવારોમાં મોથાળામાં ૩, નલીયા ૪ અને વાયોર બેઠકમાં પ ઉમેદવારોના ફોર્મ માન્ય

ફોર્મ પરત ખેંચવાની મુદ્દત તા.૧પ-૪ ના સવારે ૧૧ થી બપોરે ૩ વાગ્યા સુધી પરત ખેંચી શકાશે



નલીયા : અબડાસાની જીલ્લા પંચાયતની ૩ અને તાલુકા પંચાયતની ૧૮ બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરનારા ડમી શિવાયના તમામ ફોર્મ માન્ય રહ્યા હતા.
નલીયા પ્રાંત અધિકારી કચેરી ખાતે ચુંટણી અધિકારી સી.એમ.પ્રજાપતિ દ્વારા કુલ્લ ભરાયેલ ૧૭ ઉમેદવારોના ફોર્મની ચકાસણી હાથ ધરાઈ હતી.જેમાં મુખ્ય રાજકીય પક્ષોના ડમી ઉમેદવારોના ફોર્મ અમાન્ય રહ્યા હતા જ્યારે મેન્ડેટવાળા ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા.હવે મોથાળા બેઠક માટે ૩ ઉમેદવાર, નલીયા બેઠક માટે ૪ ઉમેદવાર અને વાયોર જી.પં.બેઠક માટે પ ઉમેદવાર બાકી રહ્યા છે.પ ફોર્મ ડમીના મેન્ડેટ રજુ ન થવાના લીધે રદ્દ થયા હતા.નલીયા મામલતદાર કચેરી ખાતે ૧ર સીટની મામલતદારશ્રી અરૂણભાઈ નિનામા અને તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી સુનીલભાઈ ચૌધરી દ્વારા ૬ સીટના ફોર્મની ચકાસણી કરાઈ હતી.જેમાં કુલ્લ ૮૯ પૈકી માન્ય રાજકીય પક્ષોના મેન્ડેટવાળા ઉમેદવારોના ફોર્મ માન્ય થયા હતા અને મેન્ડેટ વગરના ડમી ઉમેદવારોના ફોર્મ અમાન્ય થતા હતા.આમ શાંતીપુર્ણ રીતે ચકાસણી કોઈ પણ વાવવિવાદ વગર સંપન્ન થઈ હતી.
ભાજપ તરફથી સહ પ્રભારી અને મુંદરા-ગાંધીધામના માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, મોથાળા બેઠકના પ્રભારી નરેન્દ્રસિંહ જાડેજા સાથે ઉમેદવારો અને તેમના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા  હતા.કોંગ્રેસ તરફથી અરવિંદભાઈ ગઢવી, જામભા સોઢા સહિતના અને અપક્ષો અને અન્ય પક્ષોના પ્રતિનિધીઓ ઉપસ્થિત 
રહ્યા હતા.

 

Comments

COMMENT / REPLY FROM