અંતે ભુજમાં પણ પોલીસને ક્રિકેટનો સટ્ટો દેખાયો
સરવા મંડપ પાસે ચેન્નઈ અને દિલ્હીની મેચ પર નસીબ અજમાવતા એક શખ્સને પકડી લેવાયો : બીકેટીના ગેટ પાસે હૈદરાબાદ અને પંજાબની મેચ પર સટ્ટો રમતો યુવક પકડાયો : રાજસ્થાન અને આરસીબીની મેચ પર સટ્ટો રમતો યુવક પણ સકંજામાં આવ્યો
ભુજ - કચ્છઉદય : વિશ્વભરમાં લોકપ્રિય બનેલી આઈપીએલની મેચો હવે રંગત જમાવી રહી છે. આ વખતે ડ્રીમ ઈલેવન સહિતની સટ્ટા બેટીંગ એપ બંધ છે પરંતુ ચસ્કો લાગ્યા બાદ વેબસાઈટ પર આઈડી લઈને જુગાર રમતા લોકો પણ સક્રિય છે. આ વખતે આઈડી પર જુગાર રમતા લોકોની સંખ્યા વધી છે. સાંજ પડેને કેટલાક લોકો ફોન લઈને સક્રીય થઈ જાય છે ત્યારે અંતે ભુજમાં પોલીસે આઈપીએલના જુગાર પકડીને પોતાની હાજરી પુરાવી હતી.
શહેરમાં સરવા મંડપ પાસે આવેલ ફર્નીચરની દુકાન પાસેથી એલસીબીએ ભુજના જયેષ્ઠાનગર ગણેશ ચોકના હાલે હાઉસીંગ બોર્ડમાં રહેતા હિતેશ ચમનલાલ મારૂને પકડી લીધો હતો. તે મોબાઈલમાં ચેન્નઈ અને દિલ્હી વચ્ચેની મેચમાં ક્રિકેટ ગુરૂ નામની એપ્લીકેશનમાં લાઈવ અપડેટ જોઈ ક્રિકેટ હિસાબ નામની એપસમાં ચાલુ મેચની હાર જીતીના ભાવ પર તેજી - મંદીના સોદા લખી પોતાની પાસે રહેલા કીપેડ મોબાઈલમાં ગ્રાહકો સાથે વાત કરી તેજી મંદીના સોદા લઈ હારજીત કરતો હતો. ઓનલાઈન વેગાસ બુક નામની સાઈડ પર જુગાર રમવામાં આવતો હતો. આઈડીમાાં ૧,૯૪,૬૦૦ બેલેન્સ મળી આવ્યું હતું. તે માધાપર ગોકુલધામ સોસાયટીમાં રહેતા નિખિલ રતનભાઈ નંદા સાથે મળીને સટ્ટો રમાડતો હતો. આઈડી કેમ્પ એરીયાના ઉમર સોઢાએ આપી હતી. ત્રણેય સામે ભુજ બી ડીવીઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એલસીબીએ કેસ કરીને હાજરી પુરાવતા અચાનક બી ડીવીઝન પોલીસને પણ સટ્ટો દેખાયો હતો. જેમાં રોયલ ટી હાઉસ, ચા ના સ્ટોર પાસે રાજસ્થાન અને આરસીબી વચ્ચેની મેચમાં ઓનલાઈન સટ્ટો રમતા હાઉસીંગ બોર્ડના વિશાલપુરી સુરેશપુરી ગોસ્વામી નામના યુવકને પકડી કેસ કર્યો હતો. તેની પાસે રહેલી આઈડીમાં ચાર હજાર બેલેન્સ મળી આવ્યું હતું.
આ સાથે એલસીબીએ બીકેટી કંપનીના ગેટ નંબર ૪ પાસે કાર્યવાહી કરી જુના કનૈયાબેના અલી અકબર આમદશા શેખને પકડી લીધો હતો. તે ઓનલાઈન વેગાસ બુક નામની સાઈટનો ઉપયોગ કરી હૈદરાબાદ અને પંજાબ વચ્ચેની મેચમાં જુગાર રમતો હતો. આઈડીમાં પ૦૩પ૯ બેલેન્સ મળી આવ્યું હતું. આઈડી શેખટીંબોના આમદશા ઉર્ફે ઓસાયો શેખે આપી હોવાની કબુલાત આપવામાં આવી છે.

Comments