Trending News
સ્થાનિક સમાચાર

અંજાર નગરપાલિકા : ભાજપના અભેધ ગઢ સામે વિપક્ષોનો નેતૃત્વ વિહોણો સંઘર્ષ 

12 April




કેસરિયા ગઢમાં સતત ગાબડાં પાડવામાં નિષ્ફળ રહેતી કોંગ્રેસ અને બદલાતા સમીકરણોનું ઊંડું વિશ્લેષણ : આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેસરિયો લહેરાશે કે વિપક્ષ ભાજપના ગઢમાં પાડી શકશે ગાબડું ?

અંજાર નગરપાલિકાના પ્રમુખોની યાદી 



અંજાર - કચ્છઉદય : કચ્છના ઐતિહાસિક અને વ્યાપારી કેન્દ્ર ગણાતા અંજાર શહેરનો રાજકીય ઇતિહાસ સત્તા પરિવર્તનની એક રોચક ગાથા ધરાવે છે. ૧૨મી સદીનું આ જૂનું શહેર, જેની વિધિવત સ્થાપના મહારાવ ખેંગારજી પહેલાએ કરી હતી, તે આજે ગુજરાતનું એક મહત્વનું રાજકીય કેન્દ્ર બની ગયું છે. અંજારના રાજકારણમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં જે ધરખમ ફેરફારો આવ્યા છે, તેનું વિશ્લેષણ કરતા જણાય છે કે ૧૯૬૦ થી ૧૯૯૫ સુધીનો ગાળો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વર્ચસ્વનો હતો. તે સમયે ખીમજી જેસંગ અને નવીન શાસ્ત્રી જેવા કદાવર નેતાઓના શાસનકાળમાં કોંગ્રેસે અંજાર નગરપાલિકા અને વિધાનસભામાં મજબૂત પકડ જમાવી હતી.જોકે, ૧૯૯૫નું વર્ષ અંજારના રાજકારણ માટે સીમાચિહ્નરૂપ સાબિત થયું. ભાજપના વાસણભાઈ આહિરે કોંગ્રેસના આ ગઢમાં પ્રથમ વખત ગાબડું પાડ્યું અને અહીં ભાજપના શાસનનો પાયો નાખ્યો. ત્યારબાદ ૨૦૦૨માં નીમાબેન આચાર્યએ કોંગ્રેસ તરફથી જીત મેળવીને ટૂંકા ગાળા માટે સત્તા પરિવર્તન કર્યું હતું, પરંતુ ૨૦૦૭માં તેઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસે પોતાનો છેલ્લો મોટો જનાધાર અને પ્રભાવશાળી ચહેરો ગુમાવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી અંજાર નગરપાલિકા અને વિધાનસભામાં ભાજપનું એકહથ્થુ શાસન ચાલ્યું આવે છે. ખાસ કરીને છેલ્લી બે ચૂંટણીઓમાં ભાજપે જે રીતે ક્લીન સ્વીપ કરીને કોંગ્રેસને કારમી પરાજય આપ્યો છે, તે દર્શાવે છે કે અંજાર હવે ભાજપના અભેદ્ય ગઢમાં ફેરવાઈ ગયું છે.કોંગ્રેસની આ સતત પછડાટ પાછળનું મુખ્ય કારણ શહેરમાં જનપ્રિય અને સક્ષમ નેતાગીરીનો સદંતર અભાવ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. જ્યારે ભાજપ પાસે વાસણભાઈ આહિર, નીમાબેન આચાર્ય અને તાજેતરમાં ૫૬.૫૨% મતો મેળવનાર ત્રિકમભાઈ છાંગા જેવા મજબૂત ચહેરાઓ છે, ત્યારે કોંગ્રેસ પાસે જનતાને પ્રભાવિત કરી શકે તેવા કોઈ સ્થાનિક નેતા રહ્યા નથી. ભાજપની મજબૂત કેડર અને મધ્યમ વર્ગ તેમજ વેપારી વર્ગનો ટેકો પક્ષના પલડાને ભારે રાખે છે. જોકે, વહીવટમાં પારદર્શિતાના મુદ્દે અંધેર નગરી જેવી ટીકાઓ અને જમીન કૌભાંડોના વિવાદો સત્તાધારી પક્ષ માટે પડકારરૂપ પણ બન્યા છે.
આગામી સમયમાં જ્યારે અંજાર નગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે, ત્યારે આમ આદમી પાર્ટી જેવા નવા પક્ષોની એન્ટ્રીથી મતોના ધ્રુવીકરણની શક્યતાઓ છે, જે સત્તાના સમીકરણોમાં પરિવર્તન લાવી શકે છે. ભાજપ માટે પોતાનો આ ગઢ સાચવવો અને કોંગ્રેસ માટે નવી નેતાગીરી ઊભી કરવી એ સૌથી મોટી કસોટી હશે. વધતું શહેરીકરણ, પર્યાવરણીય પ્રશ્નો અને ભૂકંપ પછીના બાકી રહેલા કાયદાકીય વિવાદો આ ચૂંટણીના મુખ્ય એજન્ડા બની શકે તેમ છે. અંજારની જનતા ફરી એકવાર ભાજપની વિકાસની નીતિ પર મહોર મારશે કે નેતાગીરી વિહોણી કોંગ્રેસ કોઈ નવો ચમત્કાર કરશે, તે જોવું રસપ્રદ રહેશે.

Comments

COMMENT / REPLY FROM