ગત વર્ષે ભાડા સમક્ષ રજૂ થયેલી ૨૩૦૦ અરજીઓ પૈકી ૮૫ ટકા પ્રોજેક્ટ્સને અપાઈ લીલીઝંડી
ભુજના આયોજનબદ્ધ શહેરી વિકાસ તરફ વધતા કદમ : એક વર્ષમાં ૧૯૫૦ નવા બાંધકામોને મળી મંજૂરી : કોમર્શિયલ અને રહેણાંક મકાનોના નિર્માણમાં નોંધપાત્ર ઉછાળો
ભુજ શહેરની વસ્તીના પ્રમાણે કોમર્શિયલ બાંધકામની મંજુરી વધુ
ભુજ - કચ્છઉદય : કચ્છના જિલ્લા મથક ભુજમાં ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ શહેરના નવનિર્માણ અને સુવ્યવસ્થિત વિકાસ માટે કાર્યરત ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ (ભાડા) દ્વારા છેલ્લા એક વર્ષમાં વિકાસલક્ષી પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ભુજ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં નવા બાંધકામ તેમજ હયાત બાંધકામોમાં સુધારા-વધારા માટે નાગરિકો તરફથી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સત્તાવાર પ્રાપ્ત આંકડાઓ મુજબ આ સમયગાળા દરમિયાન મંજૂરી મેળવવા માટે કુલ ૨૩૦૦ જેટલી અરજીઓ વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ અરજીઓના ઝીણવટભર્યા અભ્યાસ અને ટેકનિકલ ચકાસણી બાદ ભાડા દ્વારા ૧૯૫૦ જેટલી અરજીઓને માન્ય રાખી બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવી છે, જે દર્શાવે છે કે શહેરી વિસ્તારમાં માળખાગત સુવિધાઓના વિસ્તરણ સાથે બાંધકામ ક્ષેત્રે તેજી જોવા મળી રહી છે.
શહેરી વિકાસના આ આંકડાકીય ચિત્ર પર નજર કરીએ તો કુલ રજૂ થયેલી અરજીઓમાં રહેણાંક હેતુ માટેના બાંધકામનું પ્રમાણ સૌથી વધુ રહ્યું છે. કુલ ૨૩૦૦ અરજીઓમાંથી ૧૬૧૦ અરજીઓ રેસીડેન્સીયલ એટલે કે રહેણાંક વિસ્તારમાં નવા આવાસ બનાવવા કે તેમાં ફેરફાર કરવા માટે કરવામાં આવી હતી, જે સાબિત કરે છે કે ભુજમાં વસ્તીના વધારા સાથે લોકો આધુનિક સુવિધાયુક્ત રહેઠાણો તરફ વળી રહ્યા છે. બીજી તરફ આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર સમાન નોન-રેસીડેન્સીયલ એટલે કે વ્યાપારી અને અન્ય હેતુ માટેની ૬૯૦ અરજીઓ રજૂ થઈ હતી. જોકે, તમામ અરજીઓ નિયમોની એરણે ખરી ઉતરી ન હતી. બાંધકામમાં ક્ષતિઓ, દસ્તાવેજી પુરાવાઓની ન્યૂનતા અથવા નિયમોના ઉલ્લંઘનને કારણે કુલ ૩૫૦ અરજીઓને સત્તા મંડળ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ હેઠળ જે પાયા પર ભાડાની રચના કરવામાં આવી હતી, તે હેતુને સાર્થક કરતા આ સત્તા મંડળે ભુજને એક આધુનિક અને સુરક્ષિત શહેર બનાવવા પર ભાર મૂક્યો છે. ભૂકંપ બાદ જે વૈજ્ઞાનિક પદ્ધતિથી અને ટાઉન પ્લાનિંગ સ્કીમ દ્વારા શહેરના રિલોકેશન અને રિડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાઈ હતી, તેના જ અનુસંધાને અત્યારે પણ બાંધકામની મંજૂરીની પ્રક્રિયા કડક રીતે અમલી બનાવવામાં આવી રહી છે. બાંધકામ મંજૂરીની આ સક્રિયતાને કારણે શહેરના સીમાડાઓ વિસ્તરી રહ્યા છે અને આંતરમાળખાગત સવલતો વધુ મજબૂત બની રહી છે. આગામી સમયમાં આ મંજૂર થયેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી ભુજનું નાગરિક જીવન વધુ સુવિધાજનક બનશે અને રિઅલ એસ્ટેટ ક્ષેત્રે પણ આર્થિક રોકાણોમાં મોટો વધારો થવાની સંભાવના જોવામાં આવી રહી છે.

Comments