નફ્ફટાઈની પરાકાષ્ઠાઃ “મારે બીજી વાર ચૂંટણી નથી લડવી” કહેનારા ફરી મેદાનમાં!
ભુજ પાલિકા ચૂંટણીઃ પક્ષ પ્રત્યે વફાદારી કે નફ્ફટ ઉમેદવારો પ્રત્યે રોષ ? ભુજની જનતામાં જબરદસ્ત ‘એન્ટી-ઈન્કમ્બન્સી’નો ફાટતો જ્વાળામુખી!
ભુજ - કચ્છઉદય : કચ્છના રાજકીય હૃદય સમાન ભુજ નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ આ વખતે માહોલ કંઈક અલગ છે. છેલ્લા ત્રણ દાયકાથી ભુજની જનતાએ ભાજપને ખોબલે - ખોબલે મત આપીને સત્તા સોંપી છે, પણ આ વખતે ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદી જોઈને સામાન્ય નાગરિકોમાં આશ્ચર્ય ઓછું અને આક્રોશ વધુ જોવા મળી રહ્યો છે. પ્રજા પૂછી રહી છે કેઃ “જે નેતાઓને પાંચ વર્ષ સુધી અમારો ચહેરો જોવામાં શરમ આવતી હતી, તેઓ આજે કયા મોઢે વોટ માંગવા આવશે. ભુજ શહેરની વાત હોય કે અન્ય તાલુકા - જિલ્લા પંચાયતની વાત હોય ચુંટાયા પછી અનેક નેતાઓ તે વિસ્તાર મુલાકાત અને મતદારો કામ કરવાથી લઈને ફોન ઉપાડવાથી પણ દુર રહેતા હતા, હવે ફરી મતદારોનો સમય આવ્યો... આ નેતાઓ અને તેના ટેકેદારો ફરી ક્યાં મોઢે મતદારો પાસે જશે તે મુદ્દો હાલ ચર્ચા નો કેન્દ્ર બન્યો છે.
ચૂંટણીની જાહેરાત સમયે ભાજપના મોવડી મંડળે બડાઈ હાંકી હતી કે, ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને વારંવાર જીતેલા નેતાઓને ઘરે બેસાડી નવી પેઢીને તક અપાશે. અમુક અંશે આ નિયમ દેખાયો ખરો, પણ તેની આડમાં જે ‘લોકવિરોધી’ ચહેરાઓને ફરી ટિકિટ મળી છે, તેણે ભુજની જનતાના જખમ પર મીઠું ભભરાવ્યું છે. મતદારોમાં ચર્ચા છે કે પક્ષને સમર્પિત કાર્યકરો કરતા ‘તકસાધુઓ’નું વજન વધી ગયું છે, ભુજની જનતા હજુ એ કડવા અનુભવો ભૂલી નથી. ગત ટર્મમાં ચૂંટાયેલા કેટલાક નગરસેવકોએ પાંચ વર્ષ દરમિયાન પ્રજા સાથે જે વર્તન કર્યું છે તે લોકશાહીનું અપમાન છે.
વોર્ડમાં ગટર ઉભરાતી હોય કે, પાણી - સફાઈના પ્રશ્નો હોય, જ્યારે ત્રસ્ત નાગરિકો નગરસેવકને ફોન કરતા ત્યારે આ “હવા ભરેલા” નેતાઓ નફ્ફટાઈપૂર્વક કહેતા કે, “અમારે પણ ફેમિલી છે, આખો દિવસ તમારા જ ફોન ઉપાડવાના? અમને વારે વારે હેરાન ન કરો. શહેરના અનેક વિસ્તારોમાં આ જ નેતાઓએ બણગાં ફૂંક્યા હતા કે, “હું લોકોના કામ કરી કરીને કંટાળી ગયો છું, હવે મારે બીજી વાર ટિકિટ લેવી જ નથી.” નવાઈની વાત એ છે કે જેઓ પ્રજાના કામથી ‘કંટાળી’ ગયા હતા, તેઓ જ ફરી સત્તાના લોભમાં ટિકિટ ખેંચી લાવ્યા છે. આ તે કેવી લોકસેવા?
ભુજની પ્રજા ક્યારેય એ સમય નહીં ભૂલે જ્યારે ભૂજોડી બ્રિજ પાસે નર્મદાની લાઈન તૂટતા આખું શહેર ટીપાં-ટીપાં પાણી માટે તરસી રહ્યું હતું. એક તરફ એવા નગરસેવકો હતા જેઓ પોતાના ખર્ચે ટેન્કરો દોડાવી જનતાની તરસ છિપાવતા હતા. બીજી તરફ એવા ‘ભાગેડુ’ નેતાઓ હતા જેમણે પ્રજાના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ભૂલેચૂકે ફોન લાગે તો જવાબ મળતોઃ “મારાથી પાણીની વ્યવસ્થા નહીં થાય, હું કંટાળી ગયો છું.” આવા કટોકટીના સમયે પ્રજાને રઝળતી મૂકનારા નેતાને તો ક્યાંક તેના પરિવાર અથવા ટેકેદારને ફરી ટિકિટ મળતા વોર્ડના નાગરિકોમાં આંચકા સાથે ભારે નફરત જોવા મળી રહી છે.
ભુજ એ ભાજપનો અજેય ગઢ મનાય છે. મતદારો વર્ષોથી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને પક્ષની વિચારધારાને મત આપતા આવ્યા છે. પરંતુ આ વખતે મતદારોના મનમાં એક જ વાત ગુંજી રહી છેઃ “મોદીના નામે પક્ષ ગમે તેવા ‘કાંકરા’ (નકામા ઉમેદવાર) ને પ્રજાના માથે થોપી શકે નહીં.” પ્રજામાં ચાલતી ચર્ચાઓ છે, જેમાં જે નેતાઓને પાંચ વર્ષ સુધી જનતાના ફોન ઉપાડવામાં કંટાળો આવતો હતો, તેમને ફરી પાંચ વર્ષ સુધી સહન કરવા ભુજની જનતા બંધાયેલી નથી, તેવુ કચવાટ સાથેની ચર્ચાઓ જોર પકડયું છે. સત્તાધારી પક્ષ પ્રત્યેની વફાદારી એક બાજુ છે, પણ પોતાના વિસ્તારના વિકાસ અને આત્મસન્માનની લડાઈ બીજી બાજુ છે.
ભુજ પાલિકાની આ ચૂંટણીમાં ભાજપ સામે વિપક્ષ કરતા પણ મોટો પડકાર ‘પોતાના જ પાપ’ અને ‘અહંકારી ઉમેદવારો’ છે. તકસાધુ ઉમેદવારો હવે કયા મોઢે ગલીએ - ગલીએ વોટ માંગવા જશે તે જોવું રહ્યું. જો પક્ષ જનતાના આ આક્રોશને પારખવામાં નિષ્ફળ રહેશે, તો ભલે ભાજપ જીતી જાય, પણ ભુજની પ્રજાના હૃદયમાં પક્ષની જે છબી હતી તેનું ધોવાણ અટકાવવું અશક્ય છે. આ જ કારણસર કેટલાક નેતાઓને બાધબાકી કરવામાં આવી હતી. છતાં હાલ અમુક નેતાઓને ટીકીટ આપવામાં આવી છે તો કયાંક તેના સગા તો ક્યાં ક તેના ટેકેદારને ટીકીટ આપવામાં આવી છે.

Comments