ફાઇટોરિમેડિએશન આધારિત વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને એન્વાયરમેન્ટ પાર્ક સાથે કાંકરિયા કોચિંગ ડીપો બન્યો ભારતીય રેલ્વેનો પ્રથમ “વોટર ન્યુટ્રલ” ડીપો
પ્રતિદિન ૧.૬૦ લાખ લિટર પાણીની બચત સાથે વાર્ષિક ૫.૮૪ કરોડ લિટર બચત
અમદાવાદ - કચ્છઉદય : પશ્ચિમ રેલ્વેનો અમદાવાદ મંડળ ફરી એક વખત નવીનતા, પર્યાવરણ સંરક્ષણ અને નિરંતર વિકાસ ક્ષેત્રે અગ્રેસર સાબિત થયો છે. મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે માહિતી આપતા જણાવ્યું કે મંડળ દ્વારા કાંકરિયા કોચિંગ ડિપો ખાતે અત્યાધુનિક ફાઇટોરિમેડિએશન આધારિત એફલુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સફળ સંચાલન કરીને તેને “વોટર ન્યુટ્રલ” બનાવવામાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે, જેના કારણે આ ડિપો ભારતીય રેલ્વેનો પ્રથમ વોટર નેચરલ ડિપો બન્યો છે.
આ પ્રક્રિયા અંતર્ગત પ્રતિદિન અંદાજે ૧.૬૦ લાખ લિટર પાણીની બચત થઈ રહી છે, જે વાર્ષિક ધોરણે આશરે ૫,૮૪,૦૦,૦૦૦ લિટર પાણીના સંરક્ષણ બરાબર છે. શુદ્ધ કરાયેલ પાણીનો પુનઃઉપયોગ કોચ વોશિંગ તથા અન્ય ટેકનિકલ કામોમાં કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ભૂગર્ભ જળ પરની નિર્ભરતા નોંધપાત્ર રીતે ઘટી છે. આ પ્લાન્ટ દ્વારા દરરોજ પિટ લાઇનમાંથી લગભગ ૧૨૦ કેએલડી અને મેકેનાઇઝ્ડ લૉન્ડ્રીમાંથી લગભગ ૧૦૦ કેએલડી ગંદા પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઉત્તર અને દક્ષિણ દિશાના કલેકશન પિટમાંથી પાણી પંપ કરીને પ્રાથમિક સંગ્રહ ટેન્કમાં લાવવામાં આવે છે. પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરવા માટે બહુ-સ્તરીય વૈજ્ઞાનિક પ્રક્રિયા અપનાવવામાં આવી છે. પ્રારંભિક તબક્કામાં સ્ક્રીનિંગ અને પ્રાથમિક ટ્રીટમેન્ટ દ્વારા ઘન કચરાને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ પાણીને લગભગ ૨૦ કલાકની રિટેન્શન ક્ષમતા ધરાવતા હોલ્ડિંગ ટેન્કમાં રાખવામાં આવે છે અને પછી તેને ૨૪ કલાકની પ્રક્રિયા ધરાવતા વેટલેન્ડ સેલ્સમાંથી પસાર કરવામાં આવે છે.
આ પ્રોજેક્ટ ભારતીય રેલ્વેમાં પર્યાવરણ એન્જીનિયરીંગનું ઉત્તમ ઉદાહરણ છે, જેમાં કન્સ્ટ્રક્ટેડ વેટલેન્ડસ ટેકનિક દ્વારા ગંદા પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ સિસ્ટમ માત્ર આધુનિક જ નથી, પરંતુ ગ્રીન, ટકાઉ અને ઊર્જા કાર્યક્ષમ પણ છે. આ રીતે આ વ્યવસ્થા પાણી સંરક્ષણ સાથે સાથે સંસાધનોના અસરકારક અને કાર્યક્ષમ ઉપયોગને પણ સુનિશ્ચિત કરે છે. આ પ્રોજેક્ટ પર્યાવરણ તેમજ આર્થિક રીતે પણ ખૂબ લાભદાયક સાબિત થઈ રહ્યો છે. આ વ્યવસ્થા એનજીટી અને સીપીસીબીના ધોરણો મુજબ છે, જેથી પર્યાવરણ અનુપાલનતા સુનિશ્ચિત થાય છે. આગળની પ્રક્રિયામાં કાર્બન અને સૅન્ડ ફિલ્ટ્રેશન તેમજ અંતે યુવી આધારિત ડિસઇન્ફેક્શન દ્વારા પાણીને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવવામાં આવે છે. શુદ્ધ થયેલ પાણી અંતિમ ટેન્કમાં સંગ્રહિત કરવામાં આવે છે, જેમાં ટેન્ક પંપિંગ માટે રાખવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રેશર પંપ દ્વારા આ પાણી ફરીથી પિટ લાઇનમાં મોકલવામાં આવે છે.
અગાઉ કોચ વોશિંગથી ઉત્પન્ન થતું સમગ્ર ગંદુ પાણી સીધું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઇનોમાં છોડવામાં આવતું હતું, જેના ઉકેલરૂપે આ પર્યાવરણમિત્ર ટેકનિકનો અમલ કરવામાં આવ્યો છે. કાંકરિયા કોચિંગ ડિપોમાં સ્થાપિત આ પ્લાન્ટ પરંપરાગત પદ્ધતિઓથી અલગ છે અને તેમાં કુદરતી પદ્ધતિઓ અપનાવવામાં આવી છે, જેમાં છોડ અને કુદરતી પ્રક્રિયા દ્વારા પાણી શુદ્ધ કરવામાં આવે છે. કાંકરિયા કોચિંગ ડિપોનું આ ઈટીપી પ્લાન્ટ પશ્ચિમ રેલ્વે જ નહીં પરંતુ સમગ્ર ભારતીય રેલ્વે માટે એક મોડેલ પ્રોજેક્ટ તરીકે ઊભર્યું છે. આ પહેલ ભવિષ્યમાં અન્ય ડિપો અને સ્ટેશનો પર પણ આ ટેકનિક અપનાવવા પ્રેરણા આપશે. અમદાવાદ મંડળની આ પહેલ “હરિત રેલ્વે - સસ્ટેનેબલ ફ્યુચર” તરફ એક મજબૂત પગલું છે. આ પ્રોજેક્ટ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી, સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ અને નવીનતાનું ઉત્તમ ઉદાહરણ છે. કાંકરિયા કોચિંગ ડિપોનું “વોટર ન્યુટ્રલ” બનવું ભારતીય રેલ્વેની પ્રગતિશીલ વિચારધારા અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.
----------

Comments