પાલનપુર - બાંડીમાં રાત્રિ પેટ્રોલિંગમાં ઊભેલા પોલીસ કર્મચારી પર બાઈક ચડાવાઈ
ચેકિંગ દરમિયાન ગાડી ઊભી રાખવાનો ઈશારો કર્યો પરંતુ ચાલક બાઈક લઈને ભાગ્યો
ભુજ - કચ્છ ઉદય : નખત્રાણા તાલુકાના પાલનપુર - બાંડી ગામે પાવર ગ્રીડના મુખ્ય ગેટની સામે નિરોણા પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી ત્યારે પોલીસ કર્મચારી પર ગાડી ચડાવી આરોપી ભાગી ગયો હતો.
આ બાબતે નિરોણા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ફરિયાદી એએસઆઈ નિલેશભાઈ પ્રેમજીભાઈ ચૌધરી નાઈટ પેટ્રોલિંગમાં હતા. પાલનપુર પાસે ટ્રાફિક નિયમન માટે બેરીકેટ લગાવેલા છે. અહીં રાત્રિના એક વાગ્યાના વાહન ચેકિંગ વખતે એક પૂર ઝડપે બાઈક આવતી હોઈ તાત્કાલિક વાહન ચાલકને ઊભો રખાવા ઈશારો કરવામાં આવ્યો હતો. જોકે પોલીસને જોવા છતા ચાલકે બાઈક ઊભી રાખી અને પુર ઝડપે આવી ફરિયાદી પર બાઈક ચડાવી ભાગી ગયો હતો. ફરિયાદી ૧૦થી ૧પ ફૂટ પટકાયા હતા. બાઈક ચાલક પણ પટકાયો હતો. જોકે તે ઊભો થઈ બાઈક લઈ ભાગી ગયો હતો. જેના બાઈક નં.જીજે૧ર - એચએ - ૬૬૩૭ હતા. ગંભીર ઈજાઓ થતા સારવાર માટે જી.કે. અને ત્યાંથી કચ્છ ઓર્થોપેડીક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં જમણા પગના સાથળનો મુખ્ય હાડકું તથા ઘુટણના ભાગે નાના મોટા ક્રેક થયાનું ડોક્ટરે જણાવ્યું હતું. અકસ્માત કરનાર બાઈક ચાલક રેયાન હનીફ સુમરા હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત તેમજ ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં
આવ્યો છે.

Comments