Trending News
સ્થાનિક સમાચાર

ભીરંડીયારા પાસે ટ્રેઇલરે શિક્ષકને હડફેટે લીધા, બંને પગ કપાયા

11 April



જો આવી જ રીતે બેફામ વાહનો દોડતા રહેશે, તો ફરજ પર કેમ જવું? સરકારી કર્મચારીઓમાં ફાળ પડી

ભુજ : ભુજ-ખાવડા નેશનલ હાઇવે ફરી એકવાર લોહિયાળ બન્યો છે. આજે શનિવારે વહેલી સવારે ભીરંડીયારા પાસે આવેલ ભંડારી વાંઢ પ્રાથમિક શાળાના શિક્ષક ફરજ પર જતા હતા, ત્યારે બેફામ ગતિએ આવતા ટ્રેઇલરે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં શિક્ષકે પોતાના બંને પગ ગુમાવ્યા છે અને હાલ તેઓ સારવાર તળે હોવાનું જાણવા મળી રહ્યું છે.
મૂળ પંચમહાલ જિલ્લાના અને હાલ ભીરંડીયારા ખાતે સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા બુરહાન ખાન અન્સારી ભંડારી વાંઢ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શનિવારે વહેલી સવારે તેઓ શાળાએ જવા માટે બસ સ્ટેશન પાસે ઉભા હતા, ત્યારે ખાવડાથી ભુજ તરફ જઈ રહેલા એક ટ્રેઇલરે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે શિક્ષકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમના બંને પગ કપાઈ ગયા હતા. બનાવની જાણ થતા મોટી સંખ્યામાં શિક્ષકો જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત શિક્ષકને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ભુજ-ખાવડા રોડ નેશનલ હાઇવે હોવા છતાં તેની હાલત અત્યંત બિસ્માર છે. આ માર્ગ પર ક્ષમતા કરતા બમણા ઓવરલોડ ડમ્પરો અને ટ્રેઇલરો બેફામ ગતિએ દોડે છે, જે રાહદારીઓ માટે યમદૂત સાબિત થઈ રહ્યા છે. નોંધનીય છે કે ગઈકાલે જ લોરિયા પાસે આવા જ એક અકસ્માતમાં હાજીપીર જઈ રહેલા શ્રદ્ધાળુનું મોત નીપજ્યું હતું. સીમાવર્તી અને દુર્ગમ વિસ્તાર હોવાથી અહીં શિક્ષકો અને આરોગ્ય સહિતના વિભાગના કર્મચારીઓ દરરોજ જીવના જોખમે અપડાઉન કરે છે. વારંવાર થતા અકસ્માતોને કારણે હવે કર્મચારીઓમાં ફાળ પડી છે. જો આવી જ રીતે બેફામ વાહનો દોડતા રહેશે, તો અમારે ફરજ પર કેવી રીતે જવું? તેવો સવાલ કર્મચારીઓ ઉઠાવી રહ્યા છે. તંત્ર વહેલી તકે આ માર્ગ પર ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

.....

Comments

COMMENT / REPLY FROM