કચ્છની મિની સંસદની ચૂંટણીના ફોર્મ ભરવા અંતિમ ઘડીએ ધસારો
કચ્છ જિલ્લા પંચાયતની ચૂંટણી જંગનો ગરમાવો જામ્યો : ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો : ભાજપની ‘નો રિપીટ’ થિયરી સાથે નવા ચહેરા મેદાને
ભુજ - કચ્છઉદય : કચ્છની મિની સંસદ ગણાતી કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સહિત કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય નાના પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોએ વિજયના વિશ્વાસ સાથે પોતાના નામાંકન પત્ર રજૂ કર્યા હતા. ભાજપે ગઈકાલે સાંજે જિલ્લા પંચાયતની કુલ ૩૮ બેઠકો પૈકી ૩૬ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં પક્ષે આક્રમક રીતે ‘નો રિપીટ થિયરી’ અમલમાં મૂકી તમામ જૂના ચહેરાઓના સ્થાને નવા ઉમેદવારોને તક આપી છે. બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ અંતિમ ઘડીએ ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ વખતે નવા સીમાંકન બાદ જિલ્લા પંચાયતમાં બે બેઠકોનો ઘટાડો થયો છે.
આ ચૂંટણીમાં પ્રથમ અઢી વર્ષની મુદત માટે જિલ્લા પંચાયત પ્રમુખનું પદ આદિજાતિ મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં આ કેટેગરી માટે માત્ર ભીમાસર-ચકાસર બેઠક જ અનામત હોવાથી આ બેઠક પર સૌની મીટ મંડાયેલી છે, જ્યાં ભાજપે પ્રભાબેન હુણને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત અન્ય મહત્વના નામોમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વણવીરભાઈ સોલંકીના પત્ની નયનાબેન સોલંકીએ ફતેહગઢ બેઠક પરથી ફોર્મ ભર્યું છે.
જ્યારે ભુજ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ હરીશભાઈ ભંડેરીએ સુખપર બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. વહીવટી પ્રક્રિયા મુજબ આગામી ૧૩મી એપ્રિલના રોજ ભરાયેલા તમામ ઉમેદવારી પત્રકોની ચકાસણી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ૧૫મી એપ્રિલ સુધી ઉમેદવારો પોતાના નામ પરત ખેંચી શકશે, જેના પરિણામે બુધવારે સાંજ સુધીમાં ચૂંટણી જંગનું અંતિમ અને સ્પષ્ટ ચિત્ર સામે આવશે.
...........
ભુજ નગરપાલિકામાં ભાજપે બાકી બે બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા :વોર્ડ પાંચમાં ઉમેદવાર બદલાયા
ભુજ - કચ્છઉદય : ભુજ નગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારોના નામ સ્પષ્ટ કરી દેવામાં આવ્યા છે. ગઇકાલે મોટાભાગના નામોની જાહેરાત બાદ વોર્ડ નંબર ત્રણ અને ચારમાં એક-એક ઉમેદવારના નામ બાકી રખાયા હતા, જેની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ વોર્ડ નંબર ત્રણમાં સમીર કુંભાર અને વોર્ડ નંબર ચારમાં એડવોકેટ હરેશ મહેશ્વરીની પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ વોર્ડ નંબર પાંચમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અગાઉ જાહેર થયેલા ઉમેદવાર મહેશ હંસરાજભાઈ વાળંદને ત્રણ સંતાનો હોવાનું સામે આવતા, તેમના સ્થાને હવે રાજપૂત સમાજના પ્રમુખ હિરેનભાઈ રાઠોડને પક્ષ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યું છે.
..........
નિરોણા જિ.પં. બેઠક પર ભાજપના ઘનશ્યામસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી
નખત્રાણા તાલુકાની જિલ્લા પંચાયતની નિરોણા બેઠક પર ઘનશ્યામસિંહ પ્રવિણસિંહ જાડેજાએ આજે ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાની સહિત ટેકેદારોની ઉપસ્થિતિમાં દાવેદારી નોંધાવી હતી.
.........
વિથોણ જિ.પં. બેઠક પર ભાજપના દિનેશ રૂડાણીએ ફોર્મ ભર્યું
નખત્રાણા જિલ્લા પંચાયતની વિથોણ -૩૮ બેઠક પર ભાજપના દિનેશભાઈ રૂડાણીએ આજે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રક ભર્યું હતું. ભાજપના જયસુખભાઈ પટેલ, ઈકબાલ ઘાંચી, ખેંગારભાઈ સહિત વિથોણ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
.........
કોટડા (જ) જિ.પં. બેઠક પરથી ભાજપના મંજુલાબેન ચાવડાએ ઉમેદવારી નોંધાવી
નખત્રાણા જિલ્લા પંચાયત કોટડા જડોદર અ.જા. સ્ત્રી અનામત બેઠક પર ભાજપના મંજુલાબેન મોહનભાઈ ચાવડાએ પોતાના વિશાળ ટેકેદારો સાથે ચૂંટણી અધિકારી શ્રી ભોરાણિયા પાસે ઉમેદવારી નોંધાવી હતી.
........
નેત્રા જિ.પં. પર ભાજપના સરોજબા જાડેજાએ દાવેદારી નોંધાવી
નખત્રાણા તાલુકા જિલ્લા પંચાયત નેત્રા - રપ બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર સરોજબા બહાદુરસિંહ જાડેજાએ આજે ચૂંટણી અધિકારી જે.એમ. ભોરણિયા સમક્ષ ઉમેદવારી પત્રક ભર્યું હતું. આ અવસરે પી.એમ. જાડેજા, પરેશ ભાનુશાલી, જયસુખ પટેલ સહિત નેત્રા વિસ્તારના અઢારે આલમના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
..........

Comments