Trending News
સ્થાનિક સમાચાર

ગાગોદરમાં ખનીજટીમ પર હુમલો : ચીભડચોરોને માફીયા ન બનાવો : કચ્છ કલેકટર ત્રિનેત્ર ખોલે : પાસા-ગુજસીટોકનો જ ગુનો કરાવે દાખલ

11 April



ગાગોદરપટ્ટામાં ખનિજ માફિયાઓનો આતંકઃ તપાસ કરવા ગયેલી ખાણ-ખનિજ વિભાગની ફલાઇંગ સ્ક્વોડ પર જીવલેણ હુમલાની ઘટના ચિંતાપ્રેરક


ફરજમાં રૂકાવટ કરી હથિયારો સાથે સરકારી કર્મચારીઓને દોડાવ્યા; પૂર્વ કચ્છમાં બેફામ બનેલા ખનિજ ચોરો સામે કલેક્ટર અને રેન્જ આઈજી કડક હાથે કામ લે તે જ સમયનો તકાજો



ગાંધીધામ : પૂર્વ કચ્છના વાગડ પટ્ટામાં ખનિજ ચોરીની બદીએ માઝા મૂકી છે, ત્યારે ગાગોદરની સીમમાં ખનિજ ચોરી રોકવા ગયેલી ખાણ-ખનિજ વિભાગની ફલાઇંગ સ્ક્વોડની ટીમ પર ખનિજ માફિયાઓએ હુમલો કરી 
પાયાના સરકારી કર્મચારીઓને પડકાર ફેંક્યો છે. ખાણ-ખનિજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પલ્લવકુમાર યાદવ અને તેમની ટીમ જ્યારે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ગાગોદર સીમમાં તપાસ અર્થે પહોંચી ત્યારે ત્યાં ગેરકાયદેસર ખનિજ ભરેલા ડમ્પર અને હિતાચી મશીન કાર્યરત હતા. સરકારી ટીમને જોતા જ બે ડમ્પર ચાલકો વાહનો લઈને નાસી છૂટ્યા હતા, પરંતુ જ્યારે ટીમે હિતાચી મશીનને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે અચાનક એક થાર ગાડી  વચ્ચે આવી પડી હતી અને તેમાંથી ઉતરેલા શખ્સોએ ગાળાગાળી કરી સરકારી કામમાં રૂકાવટ કરી હતી. ત્યારબાદ અમુક શખ્સો ધારિયા અને લાકડી જેવા જીવલેણ હથિયારો સાથે ધસી આવ્યા હતા અને ઉશ્કેરાઈને સરકારી ટીમ 
પાછળ દોડ્યા હતા, જેમાં જીવ બચાવવા ભાગતા ફરિયાદી પલ્લવકુમારને ઇજાઓ 
પહોંચી હતી. આ ઘટનાએ સમગ્ર કચ્છના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે આ પહેલીવાર નથી જ્યારે ખનિજ માફિયાઓએ કાયદાનો ભય છોડીને અધિકારીઓ પર હાથ ઉપાડ્યો હોય. અગાઉ ભચાઉ-વાગડ વિસ્તારમાં અજમાયશી નાયબ કલેક્ટર અને આઈએએસ અધિકારી અનિલ ધામેલિયા પર પણ હુમલો થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે. સવાલ એ ઊભો થાય છે કે આ ખનિજ ચોરોમાં આટલી હિંમત ક્યાંથી આવે છે? શું તેમને સ્થાનિક પોલીસના અમુક ભ્રષ્ટ તત્વો અથવા તો કોઈ વગદાર રાજકારણીઓનું પીઠબળ મળી રહ્યું છે? ગાગોદર, આડેસર, રાપર અને બાલાસર જેવા વિસ્તારોમાં ખનિજ માફિયાઓ જાણે તંત્રને ‘રોકી શકો તો રોકી લો’ તેવો ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. જો સાયબર ક્રાઇમની ટીમ અને બોર્ડર રેન્જ આઈજી આ હુમલાખોરોના મૂળ સુધી તપાસ કરે, તો ચોક્કસપણે કોઈ મોટા માથાઓની સંડોવણી બહાર આવી શકે તેમ છે.
 ખનિજ માફિયાઓ સામે કલેક્ટરની સત્તા અને કડક કાર્યવાહીના સૂચનોકચ્છ કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે હવે સમય પાકી ગયો છે કે આવા તત્વો સામે માત્ર સામાન્ય ગુનો નોંધીને સંતોષ ન માનવો જોઈએ, પરંતુ તેમની સામે ‘ગુજસીટોક’ જેવી કડક કલમો હેઠળ કાર્યવાહી કરી તેમને પાંચ જિલ્લાની સરહદોથી દૂર ફેંકી દેવા જોઈએ. જ્યાં સુધી ખનિજ તંત્રના ભ્રષ્ટ કર્મચારીઓ અને તેમને છાવરતા રાજકીય આકાઓ સામે પગલાં લેવામાં નહીં આવે, ત્યાં સુધી પ્રામાણિક અધિકારીઓ માટે ફિલ્ડમાં કામ કરવું જોખમી બની રહેશે. મહેસૂલી ધોરણે જેની જવાબદારી બનતી હોય તેવા સ્થાનિક અધિકારીઓ સામે પણ તપાસના આદેશ આપી ધાક બેસાડતી કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ સરકારી કર્મચારી પર હુમલો કરવાની હિંમત ન કરે.

...........


પ્રજાજનોના સવાલોના મારા : તંત્ર મૌન કેમ?


૧. ખનિજ માફિયાઓમાં આટલી હિંમત ક્યાંથી? શું તેમને સ્થાનિક પોલીસ કે મહેસૂલ વિભાગના કોઈ ‘ભ્રષ્ટ’ તત્વોનું છૂટું આશીર્વાદ મળી રહ્યું છે? ર.સફેદપોશ આકાઓ કોણ? હુમલો કરનારા તો માત્ર મહોરાં છે, પણ તેમની પાછળ રહીને આ આખું નેટવર્ક ચલાવનારા ‘મોટા માથાઓ’ સુધી તપાસ કેમ પહોંચતી નથી? ૩.થાર ગાડી અને લક્ઝરી સાધનો કોના? ગુનામાં વપરાયેલી GJ-18-EB-0329  નંબરની થાર ગાડી અને લાખોના હિટાચી મશીનોના અસલી માલિકો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કેમ નથી થતી? ૪.IAS  પર હુમલો થયો છતાં 
પાઠ કેમ ન ભણ્યા? અગાઉ આઈએએસ અધિકારી પર હુમલો થયો હોવા છતાં, ગાગોદર-રાપર 
પટ્ટામાં ચેકિંગ સ્ક્વોડને પૂરતી પોલીસ સુરક્ષા કેમ આપવામાં આવતી નથી? પ. શું ખાખીનો ખોફ ખતમ થઈ ગયો છે? ‘રોકી શકો તો રોકી લો’ તેવા પડકારો ફેંકતા ખનિજ ચોરો સામે રેન્જ આઈજી અને કલેક્ટર ક્યારે ‘ધાક’ બેસાડતી સ્ટ્રાઈક કરશે? ૬. બાતમી કોણ પહોંચાડે છે? સરકારી ટીમ નીકળે તે પહેલા જ ખનિજ ચોરોને જાણ થઈ જાય છે, શું તંત્રની અંદર જ કોઈ ‘ઘરનો ભેદી’ માફિયાઓ સાથે સેટિંગમાં છે?


..........


ખનિજ માફિયાઓ સામે કલેક્ટરશ્રીને છે વ્યાપક સત્તા..! :
આ રહ્યા કડકાઈથી લઈ શકાય તેવા પગલાના સુચનો.!


ગાગોદર જેવી ગંભીર ઘટનાઓમાં ખનિજ માફિયાઓનો આતંક ડામવા માટે કચ્છ કલેક્ટર પાસે ગુજરાત જમીન મહેસૂલ સંહિતા અને અન્ય વિશેષ કાયદાઓ હેઠળ વ્યાપક સત્તાઓ છે. આ સત્તાઓનો ઉપયોગ કરી તંત્ર કેવી રીતે ‘ધાક’ બેસાડી શકે   તેની જો વાત કરીએ તો..
૧. ગુજસીટોક હેઠળ કાર્યવાહીઃ જ્યારે ખનિજ ચોરી એક સંગઠિત ગુનાખોરી તરીકે આચરવામાં આવતી હોય, ત્યારે કલેક્ટરે 
પોલીસ વડા સાથે સંકલન કરી મુખ્ય સૂત્રધારો સામે ‘ગુજસીટોક’ હેઠળ કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી તેમને જામીન ન મળે અને તેમની આર્થિક કરોડરજ્જુ તોડી શકાય.૨. હદપાર અને પાસાનો ઉપયોગઃ સરકારી કર્મચારીઓ પર હુમલો કરનારા અને વારંવાર ખનિજ ચોરીમાં ઝડપાતા તત્વોને ‘અસામાજિક તત્વો’ જાહેર કરી, તેમને કચ્છ સહિતના પાડોશી જિલ્લાઓમાંથી હદપાર કરવાના હુકમો કરવા જોઈએ. જરૂર જણાયે ‘પાસા’ હેઠળ જેલભેગા કરવા જોઈએ. ૩. મિલકત જપ્તી અને બુલડોઝર એક્શનઃ ગેરકાયદે ખનિજ ચોરી દ્વારા ઉભી કરવામાં આવેલી અપ્રમાણસર મિલકતોની તપાસ કરાવી, લેન્ડ ગ્રેબિંગ એક્ટ કે અન્ય જોગવાઈઓ હેઠળ આવી મિલકતો ટાંચમાં લેવી જોઈએ. ગુનામાં વપરાયેલા વાહનો (ડમ્પર, હિટાચી, થાર ગાડી) ને કાયમી ધોરણે રાજસાત કરવા જોઈએ. ૪. ‘ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન’ દ્વારા સુરક્ષા મજબૂતીઃ કલેક્ટર DMF  ફંડનો ઉપયોગ કરીને સંવેદનશીલ ખનિજ વિસ્તારોમાં હાઈ-ટેક સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ અને ખનિજ વિભાગની ટીમને હથિયારધારી પોલીસ સુરક્ષા પૂરી પાડવાની વ્યવસ્થા કરી શકે છે. ૫. મહેસૂલી તંત્રની જવાબદારી નક્કી કરવીઃ જે વિસ્તારમાં ખનિજ ચોરી થાય છે ત્યાંના સ્થાનિક તલાટી, સર્કલ ઓફિસર કે મામલતદારની ‘નિષ્ક્રિયતા’ બદલ તેમની સામે ખાતાકીય તપાસના આદેશ આપવા જોઈએ. જો કોઈ કર્મચારીની સંડોવણી જણાય તો તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ.૬. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવોઃ  સરકારી કર્મચારી પર થયેલા હુમલાના કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી, કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા ભલામણ કરવી જોઈએ જેથી ગુનેગારોને વહેલી તકે સજા થાય અને અન્ય માફિયાઓમાં કાયદાનો ડર પેસે. ૭. બેનામી વ્યવહારોની તપાસઃ ખનિજ ચોરીના નાણાં ક્યાં રોકાય છે તેની તપાસ માટે ઇન્કમ ટેક્સ અને એન્ટી કરપ્શન બ્યુરો ને સાથે રાખીને ‘જોઈન્ટ ઓપરેશન’ હાથ ધરવું જોઈએ, જેથી પડદા પાછળના ‘મોટા માથાઓ’ સુધી પહોંચી શકાય.
.........

Comments

COMMENT / REPLY FROM