ચેક બાઉન્સ કેસમાં ૧ વર્ષની કેદ અને રૂ. ૧૦ લાખ દંડ
ભુજ - કચ્છઉદય : ચેક પરત ફરવાના કેસમાં વી.ફોર.યુ. ઈમ્પેક્સ કંપનીના પ્રોપરાઈટર આનંદ જોષીને કોર્ટ દ્વારા દોષિત ઠરાવી ૧ વર્ષની સાદી કેદ અને રૂ. ૧૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફરીયાદી હરજી કરશન ગોરસીયાએ આરોપીને રોટરીંગ મશીનરીનો માલસામાન ભાડે આપ્યો હતો. તેની ભાડાની રકમ ચૂકવવા આરોપીએ ચેક આપ્યો હતો, પરંતુ બેંકમાં રજૂ કરતાં તે ચેક પરત ફર્યો હતો. ત્યારબાદ કાયદેસરની નોટિસ આપ્યા છતાં આરોપીએ રકમ ચુકવી નહોતી, જેના કારણે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કેસની સુનાવણી બાદ માનનીય જુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.એન. ત્રિવેદીએ પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ નાણાકીય લેવડદેવડમાં વિશ્વાસ જાળવવા માટેનો મહત્વપૂર્ણ કાયદો છે. ચેક આપ્યા પછી તેની ચૂકવણી ન કરવી અને નોટિસ છતાં રકમ નહીં ભરવી ગંભીર ગુનો ગણાય છે, જેથી આવા કેસમાં સહાનુભૂતિ રાખવાની કોઈ જરૂર રહેતી નથી. કોર્ટ દ્વારા આરોપી આનંદ જોષીને દોષિત ઠરાવી ૧ વર્ષની કેદ અને રૂ. ૧૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ તેની સામે સજા વોરંટ પણ જારી કરવામાં આવ્યો છે. ફરીયાદીના વકીલ દેવાયત એન. બારોટ અને ખીમરાજ ગઢવીએ દલીલો રજૂ કરી હતી. તેમની સાથે ઉમૈર સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી અને અંકિત ભાનુશાલી કોર્ટમાં હાજર રહ્યા હતા.
------

Comments