માંડવી નગરપાલિકા ચૂંટણી મહાસંગ્રામ : શું અઢી દાયકાના ભાજપના શાસનને કોંગ્રેસ આપી શકશે ટક્કર ?
ભવ્ય ભૂતકાળ અને આધુનિક વિકાસની વચ્ચે ઊભેલું બંદરીય શહેર માંડવી ભાજપનો ગઢ
માંડવી - કચ્છઉદય : કચ્છની પશ્ચિમ દિશાએ અરબી સમુદ્રના કાંઠે વસેલું માંડવી શહેર માત્ર એક નગર નથી, પણ ગુજરાતના ગૌરવશાળી દરિયાઈ ઇતિહાસનું જીવંત પ્રતીક છે. એક સમયે આ શહેર ૮૪ દેશોના વાવટા પોતાના બંદરે લહેરાવતું હતું. જહાજ બનાવવાનો ઉદ્યોગ (શીપ બિલ્ડીંગ) હોય કે મજબૂત વ્યાપારી સંબંધો, માંડવી હંમેશા વૈશ્વિક ફલક પર રહ્યું છે. પરંતુ આજે આ શહેર એક અલગ જ કારણસર ચર્ચામાં છે અને તે છે આગામી ૨૬મી તારીખે યોજાનારી નગરપાલિકાની ચૂંટણી. નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની સાથો સાથ શહેરના મતદારોમાં પણ ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. આ અંગેની વિગતો મુજબ માંડવી નગરપાલિકાના રાજકારણમાં છેલ્લા અઢી માંડવી નગરપાલિકાદાયકાથી (૨૫ વર્ષ) ભારતીય જનતા પાર્ટીનું એકહથ્થુ શાસન છે. ૨૦૦૧ના ભૂકંપ પછી જ્યારે આખું કચ્છ બેઠું થઈ રહ્યું હતું, ત્યારે માંડવીમા ભાજપના શાસકોએ ભજવેલી ભૂમિકાએ અહીંના લોકોના દિલમાં સ્થાન જમાવ્યું હતું. છેલ્લી ચૂંટણીમાં માંડવીના ૯ વોર્ડની ૩૬ બેઠકોમાંથી ભાજપે ૩૧ બેઠકો પર ભવ્ય વિજય મેળવીને વિપક્ષનું અસ્તિત્વ લગભગ ભૂંસી નાખ્યું હતું. આ "સપાટો" બોલાવવો એ સાબિત કરે છે કે સંગઠન સ્તરે ભાજપ અહીં ખૂબ જ શક્તિશાળી છે. ભાજપ પાસે કાર્યકરોની વિશાળ ફોજ છે. બૂથ લેવલ અને પે જ કમિટીના માધ્યમથી તેઓ છેક મતદારોના ઘર સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. વળી રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાથી ‘ડબલ એન્જિન’નો લાભ માંડવીને મળતો રહ્યો છે.એક સમયે માંડવીમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું, પરંતુ ધીમે ધીમે આ પક્ષ અહીં નબળો પડતો ગયો છે. ગત ચૂંટણીમાં માત્ર ૫ બેઠકો મેળવનાર કોંગ્રેસ માટે આ વખતે અસ્તિત્વની લડાઈ છે. કોંગ્રેસમાં સ્થાનિક સ્તરે નેતાગીરીમાં સંકલનનો અભાવ દેખાય છે. જ્યારે ભાજપ એક થઈને લડે છે, ત્યારે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો અભાવ અને આંતરિક ખેંચતાણ તેને નુકસાન પહોંચાડે છે. બીજીતરફ માંડવીના મતદારોમાં એવી છાપ પડી ગઈ છે કે કોંગ્રેસ માત્ર ચૂંટણીના થોડા દિવસો પહેલા જ દેખાય છે. લોકોની રોજિંદી સમસ્યાઓ માટે આંદોલનકારી અભિગમનો અહીં અભાવ જોવા મળ્યો છે. ભાજપના શાસકો દાવો કરે છે કે માંડવી આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. આ વાતમાં તથ્ય પણ છે. માંડવી બીચ અને વિજય વિલાસ પેલેસ આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પ્રવાસનને કારણે અહીંની લોકલ ઇકોનોમીને વેગ મળ્યો છે. મુખ્ય માર્ગોનું વિસ્તૃતિકરણ, ગટર અને પીવાના પાણીની લાઈનો નાખવાનું કામ પાલિકાએ પ્રાથમિકતાના ધોરણે કર્યું છે. માંડવીના સામાન્ય નાગરિકોમાં શાસક પક્ષ પ્રત્યે બહુ મોટો રોષ જોવા મળતો નથી. "કામ તો થાય છે" એવું માનસ મતદારોમાં પ્રવર્તી રહ્યું છે, જે ભાજપ માટે જમા પાસું છે. આ વખતે ચૂંટણી માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની જંગ નથી. કેટલીક એવી બાબતો છે જે પરિણામો ઉથલાવી શકે છે. ટ્રાફિકની ગંભીર સમસ્યા અને જૂના શહેરમાં ગટર લાઈનોનું આધુનિકીકરણ હજુ પણ મોટો પ્રશ્ન છે. ૧૮ થી ૨૫ વર્ષના મતદારો જેઓ માત્ર રોજગારી અને ડિજિટલ સુવિધાઓ ઈચ્છે છે, તેઓ કઈ તરફ ઝુકાવ રાખશે તે જોવું રસપ્રદ રહેશે. ૨૫ વર્ષ સુધી એક જ પક્ષ સત્તામાં હોય ત્યારે લોકોમાં ક્યાંક ને ક્યાંક પરિવર્તનની લહેર પણ છૂપી રીતે કામ કરતી હોય છે. આગામી ૨૬મીએ યોજાનારી ચૂંટણી માટે બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપ પોતાના ૩૧ બેઠકોના રેકોર્ડને જાળવી રાખવા અથવા સુધારવા માંગે છે, જ્યારે કોંગ્રેસ ગત વખતની હારનો બદલો લેવા અને ફરીથી બેઠા થવા મથામણ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માંડવીએ વેપારીઓ અને શિક્ષિત લોકોનું શહેર છે. અહીંનો મતદાર શાંત છે પણ ખૂબ જ તાર્કિક છે. ભાજપના શાસન પ્રત્યેનો સંતોષ અને કોંગ્રેસની નિષ્ક્રિયતા - આ બે પરિબળો અત્યારે પલ્લાને ભાજપ તરફ નમેલું રાખે છે. પરંતુ, લોકશાહીમાં મતદાર ક્યારે "ચમત્કાર" કરે તે કહી શકાતું નથી. શું કોંગ્રેસ માંડવીના લોકોમાં મતો મેળવવામાં ફરી કાચી પડશે કે પછી આ વખતે માંડવીની જનતા પરિવર્તનનો શંખનાદ ફૂંકશે આ પ્રશ્નનો ઉત્તર ૨૬મીના મતદાન અને ત્યારબાદના પરિણામોમાં છુપાયેલો છે. ઐતિહાસિક શહેર માંડવી ફરી એકવાર ઇતિહાસ રચવા તૈયાર છે, પણ સત્તાનું સુકાન કોના હાથમાં આવશે તે જોવું રહ્યું.
...........
માંડવી નગરપાલિકાના નગરપતિ
નામ કાર્યકાળ
નોસીરભાઈ દોરાબજી દસ્તુર ૨૫-૦૬-૧૯૫૧થી ૨૪-૦૬-૧૯૫૨
ચુનીલાલભાઈ રાઘવજી માંડલિયા ૨૫-૦૬-૧૯૫૨થી ૨૪-૦૬-૧૯૫૩
લક્ષ્મીદાસભાઈ લાલજી ટોપરાણી ૨૫-૦૬-૧૯૫૩થી ૨૪-૦૬-૧૯૫૪
નોસીરભાઈ દોરાબજી દસ્તુર ૨૫-૦૬-૧૯૫૪થી ૧૧-૦૮-૧૯૫૭
હરિરામભાઈ નથુભાઈ કોઠારી ૧૨-૦૮-૧૯૫૭થી ૩૦-૦૬-૧૯૭૨
પુરૂષોત્તમભાઈ ધનજી વેદ ૦૧-૦૭-૧૯૭૨થી ૨૮-૦૮-૧૯૭૩
મુલચંદભાઈ કરમશી શાહ ૨૯-૦૮-૧૯૭૩થી ૦૯-૦૮-૧૯૭૭
નારાણજીભાઈ પરસોત્તમ મચ્છર ૧૦-૦૮-૧૯૭૭થી ૦૩-૦૯-૧૯૭૯
રસીકલાલ અમૃતલાલ સંઘવી ૦૪-૦૯-૧૯૭૯થી ૦૫-૦૮-૧૯૮૦
વસંતભાઈ છગનલાલ દોશી ૦૬-૦૯-૧૯૮૦થી ૩૧-૦૮-૧૯૮૨
વહિવટદાર ૦૧-૦૯-૧૯૮૨થી ૦૯-૧૦-૧૯૮૩
રસીલકલાલ ભીમજી દોશી ૧૦-૧૦-૧૯૮૩થી ૦૭-૧૦-૧૯૮૫
અજીતકુમાર પરસોત્તમ સાધુ ૦૮-૧૦-૧૯૮૫થી ૦૯-૧૦-૧૯૮૮
વહિવટદાર ૧૦-૧૦-૧૯૮૮થી ૦૭-૧૧-૧૯૮૮
હરિશભાઈ શિવજી ગણાત્રા ૦૮-૧૧-૧૯૮૮થી ૦૭-૧૧-૧૯૯૩
વહિવટદાર ૦૮-૧૧-૧૯૯૩થી ૧૦-૦૧-૧૯૯૫
નયનાબેન અજીતકુમાર સાધુ ૧૧-૦૧-૧૯૯૫થી ૨૬-૦૭-૧૯૯૫
રાજેશગર શંકરગર ગુંસાઈ ૨૧-૦૯-૧૯૯૫થી ૧૦-૦૧-૧૯૯૬
અરવિંદભાઈ કુંવરજી શાહ ૧૧-૦૧-૧૯૯૬થી ૦૬-૦૬-૧૯૯૬
વહિવટદાર ૦૭-૦૬-૧૯૯૬થી ૧૩-૦૨-૧૯૯૭
સાવિત્રીબેન દામજી ખારવા ૧૪-૦૨-૧૯૯૭થી ૦૯-૦૧-૧૯૯૮
લાભુભાઈ નારાણ કષ્ટા ૧૦-૦૧-૧૯૯૮થી ૦૯-૦૧-૧૯૯૯
વાલબાઈ ભીંમશી વાડા ૧૦-૦૧-૧૯૯૯થી ૦૯-૦૧-૨૦૦૦
વહિવટદાર ૧૦-૦૧-૨૦૦૦થી ૨૩-૦૧-૨૦૦૦
રેખાબેન દિલીપકુમાર મહેતા ૨૪-૦૧-૨૦૦૦થી ૦૩-૦૭-૨૦૦૧
મંજુલાબેન ખીમજી ગોર ૧૬-૦૭-૨૦૦૧થી ૨૩-૦૭-૨૦૦૨
ચંદુલાલભાઈ પરસોત્તમ ભાનુશાલી ૨૪-૦૭-૨૦૦૨થી ૨૩-૦૧-૨૦૦૫
વહિવટદાર ૨૪-૦૧-૨૦૦૫થી ૨૦-૦૨-૨૦૦૫
વહિવટદાર ૨૧-૦૨-૨૦૦૫થી ૦૮-૦૨-૨૦૦૫
નરેન્દ્ર ઈશ્વરલાલ પીઠડિયા ૦૯-૧૧-૨૦૦૫થી ૦૮-૦૫-૨૦૦૮
અનિરૂદ્ધ ભાઈલાલભાઈ દવે ૦૮-૦૫-૨૦૦૮થી ૦૭-૧૧-૨૦૧૦
ઉર્મિલાબેન જયસિંહ પીઠડિયા ૦૮-૧૧-૨૦૧૦થી ૦૮-૦૫-૨૦૧૩
અરવિંદભાઈ જેઠાલાલ ગોહિલ ૦૯-૦૫-૨૦૧૩થી ૧૧-૧૨-૨૦૧૫
સુજાતાબેન મનુભાઈ ભાયાણી ૧૨-૧૨-૨૦૧૫થી ૧૧-૦૬-૨૦૧૮
મેહુલ અભયકુમાર શાહ ૧૧-૦૬-૨૦૧૮થી ૦૯-૧૨-૨૦૨૦
વહિવટદાર ૧૦-૧૨-૨૦૨૦થી ૧૫-૦૩-૨૦૨૧
હેતલબેન ચેતન સોનેજી ૧૬-૦૩-૨૦૨૧થી ૧૫-૦૯-૨૦૨૩
હરેશભાઈ વેલજીભાઈ વિંઝોડા ૧૬-૦૯-૨૦૨૩થી ૧૫-૦૩-૨૦૨૬
વહિવટદાર ૧૬-૦૩-૨૦૨૬થી

Comments