Trending News
સ્થાનિક સમાચાર

કાસેજમાં સોપારી કાંડ - ૧ની હકાલપટ્ટી તો માત્ર હિમશિલાની ટોચ છે! આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ કોણ? મારૂત-મોડેલ પ્રદીપને લ્યો સાણસામાં!

09 April


આધોઈમાં સાયબર ક્રાઈમ પોલીસે પકડેલી દોઢ કરોડની સોપારી પ્રકરણમાં કાસેઝમાથી એક અધિકારી માત્રને સસ્પેન્ડ કરાયો, પરંતુ શું એક પીઓ કક્ષાનો અધિકારી દોઢ કરોડની સોપારીઓ કઢાવી જાય ખરો?


ખાટલે મોટી ખોટ : તો માત્ર એક અધિકારીને સસ્પેન્ડ કરવાથી કામ નહીં ચાલે. જે ખાનગી વ્યક્તિઓના ઈશારે આ ખેલ ખેલાય છે, તેમના બેંક એકાઉન્ટ્‌સ અને કોલ ડિટેલ્સની તપાસ થવી જોઈએ. કસ્ટમ્સ વિભાગે સાબિત કરવું પડશે કે તેઓ માત્ર નાના પાયાદા જ નહીં, પણ ભ્રષ્ટાચારના કિંગપિન સુધી પણ પહોંચી શકે છે. જો તપાસ અહીં જ અટકી જશે, તો ભવિષ્યમાં આવા બીજા અનેક ‘કાંડ’ બહાર આવતા રહેશે


ગાંધીધામ : કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન  જે દેશના આર્થિક વિકાસનું પ્રવેશદ્વાર ગણાય છે, ત્યાંથી દોઢ કરોડની સોપારી ભરેલી આખી ગાડી કસ્ટમ્સના ગેટ પરથી કોઈ પણ રોકટોક વગર પસાર થઈ જાય, તે બાબત વહીવટી તંત્રની નિષ્ફળતા છે કે પછી પદ્ધતિસરનું ભ્રષ્ટાચારનું નેટવર્ક? એક કસ્ટમના કર્મીનું સસ્પેન્શન અને તેમની વડોદરા ઝોનમાં બદલી એ કદાચ કડક કાર્યવાહીનો આરંભ હોઈ શકે, પરંતુ શું આટલું પૂરતું છે?મોટી માછલીઓ ક્યારે પકડાશે? તેવા સવાલો હવે જાણકારોમાથી સામે આવવા પામી રહ્યા છે. જાણકારો અને બજારના સૂત્રો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે દોઢ કરોડની કિંમતનો પ્રતિબંધિત કે ડ્યુટી ચોરી વાળો માલ કસ્ટમ્સના ચેકપોસ્ટ પરથી અધિકારીની નજર ચૂકવીને નીકળી જાય તે વાત ગળે ઉતરે તેવી નથી. આમાં માત્ર એક પીઓ કક્ષાના કે સુપ્રીટેન્ડેન્ટ સ્તરના અધિકારી કે ગાર્ડનો હાથ ન હોઈ શકે. આ તો એક સુવ્યવસ્થિત ‘સિન્ડિકેટ’ છે, જે લાંબા સમયથી કાર્યરત છે. જ્યારે વિજિલન્સ તપાસમાં અધિકારીની હાજરી સાબિત થઈ છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે આ કૌભાંડનો ‘માસ્ટરમાઈન્ડ’ કોણ છે? જાણકારોકહી રહ્યા છે કે, આ પ્રકરણમાં જે રીતે ‘પ્રદીપ’ નામના શખ્સ અને ‘મારુત મોડેલ’ની ચર્ચાઓ વહેતી થઈ છે, તે જોતા લાગે છે કે બહારના તત્વો કસ્ટમ્સ જેવા સુરક્ષિત ઝોનમાં પણ 
પોતાની સમાંતર સરકાર ચલાવી રહ્યા છે. ડ્યુટી ચોરી માત્ર સોપારીમાં જ નથી, પરંતુ અન્ય કિંમતી કોમોડિટીઝમાં પણ વર્ષોથી આ રીતે મિલિભગતથી રમત રમાતી હોવાની શંકા હવે પ્રબળ બની રહી છે. આ ચોરી માત્ર સરકારની તિજોરીને નુકસાન નથી પહોંચાડતી, પણ પ્રમાણિક વેપારીઓ માટે પણ જોખમી છે.
અહી જાણકાર વર્ગ કહી રહ્યો છે કે, કસ્ટમ્સ વિભાગે એક પીઓ કક્ષાના કર્મીને સસ્પેન્ડ કરીને ‘એક વિકેટ’ તો પાડી દીધી છે, પરંતુ શું તપાસ મૂળ સુધી પહોંચશે? ઘણીવાર આવા કિસ્સાઓમાં નીચલા કે મધ્યમ સ્તરના અધિકારીઓને બલીનો બકરો બનાવીને મોટા માથાઓને બચાવી લેવામાં આવતા હોય છે. ‘સામ-દામ-દંડ-ભેદ’ની નીતિ અપનાવીને પુરાવાઓ ભૂંસવાનો પ્રયાસ થતો હોય છે, ત્યારે ઉચ્ચ કક્ષાની તપાસ એજન્સીઓ આમાં ઊંડી તપાસ કરે તે અનિવાર્ય છે. જો કાસેજ અને કંડલા વિસ્તારને દાણચોરીના કલંકથી મુક્ત કરવો હોય, તો માત્ર એક અધિકારીને સસ્પેન્ડ કરવાથી કામ નહીં ચાલે. જે ખાનગી વ્યક્તિઓના ઈશારે આ ખેલ ખેલાય છે, તેમના બેંક એકાઉન્ટ્‌સ અને કોલ ડિટેલ્સની તપાસ થવી જોઈએ. કસ્ટમ્સ વિભાગે સાબિત કરવું પડશે કે તેઓ માત્ર નાના પાયાદા જ નહીં, પણ ભ્રષ્ટાચારના કિંગપિન સુધી પણ પહોંચી શકે છે. જો તપાસ અહીં જ અટકી જશે, તો ભવિષ્યમાં આવા બીજા અનેક ‘કાંડ’ બહાર આવતા રહેશે.

.........


હવે વારો ‘યુનિટ ધારકો’નો? કાસેજ પ્રશાસન 
 તાત્કાલિક ક્લોઝર નોટ અને પાસા હેઠળ કરે


કરોડોની સોપારી જે યુનિટમાંથી બહાર આવી તેના માલિકો સામે કડક કલમો કેમ નહીં? રાજેશ, આનંદ અને મહાદેવની ભૂમિકા અંગ વેળાસર થાય ખુલાસા : ગોળ ભાંગવો અને ખોળ ખાવોની નીતી તંત્ર બંધ કરે


ગાંધીધામ : કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન માંથી દોઢ કરોડની સોપારીની જે રીતે દાણચોરી થઈ, તેમાં કસ્ટમ્સ અધિકારીના સસ્પેન્શન બાદ હવે તપાસનો ધમધમાટ યુનિટ ધારકો તરફ વળાવે જોઈએ. આ સોપારી જે યુનિટમાંથી ગેરકાયદેસર રીતે બહાર કાઢવામાં આવી હતી, તે સાબિત થઈ ચૂક્યું હોવા છતાં, હજુ સુધી જે-તે યુનિટ સામે કોઈ મોટી કાર્યવાહી ન થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.કાસેજ પ્રશાસને વિલંબ કર્યા વગર જે યુનિટમાંથી સોપારીનો જથ્થો નીકળ્યો છે, તેને તાત્કાલિક ‘ક્લોઝર નોટ’ આપી સીલ કરવું જોઈએ. યુનિટના માલિકોનો તમામ જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવી અનિવાર્ય છે.  જાણકારોનું કહેવું છે કે આ પ્રકારના આર્થિક ગુનાખોરી અને દાણચોરીના કિસ્સામાં માત્ર સસ્પેન્શન પૂરતું નથી. યુનિટ ધારક સામે ‘પાસા’ જેવી કડક કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગા કરવા જોઈએ.  આ સમગ્ર પ્રકરણમાં રાજેશ, આનંદ અને મહાદેવ નામના વ્યક્તિઓની ભૂમિકા અત્યંત શંકાસ્પદ અને ચાવીરૂપ મનાઈ રહી છે. જો આ ત્રણેય મુખ્ય સૂત્રધારો 
પોલીસના સકંજામાં નહીં આવે, તો આ તપાસ માત્ર દેખાડો બનીને રહી જશે.
તંત્ર સામે સવાલો ઉભા થવા પામી રહ્યા છે. શુુંં આ કાંડમાં માત્ર અધિકારીઓને જ બલીનો બકરો બનાવવામાં આવશે? જો યુનિટ ધારકો બચી જશે તો ભવિષ્યમાં આવા કૌભાંડો ચાલુ જ રહેશે તે નક્કી છે. પોલીસ તપાસમાં યુનિટ ધારકોની ભૂમિકા ૧૧૦ ટકા સ્પષ્ટ થઈ રહી છે, ત્યારે નવા નામો આગળ ધરીને અસલી ગુનેગારોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની પણ ચર્ચાઓ છે.?જો કાસેજ પ્રશાસન અને પોલીસ વિભાગ ખરેખર દાણચોરી ડામવા માંગતા હોય, તો આ પ્રકરણમાં સામેલ ઉદ્યોગપતિઓ અને તેમના વહીવટદારો સામે ‘દાખલારૂપ’ કાર્યવાહી કરવી પડશે. ગોળ ભાંગવો અને ખોળ ખાવો” જેવી નીતિ બંધ કરી, મૂળ સુધી તપાસ લંબાવવી એ સમયની માંગ છે.
............

Comments

COMMENT / REPLY FROM