વૈશ્વિક તેલ સંકટની અસર વચ્ચે કચ્છના શિપિંગ, ટ્રાન્સપોર્ટ, એમએસએમઈ તથા મેનુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઝને સ્પર્શતા ઉદ્યોગોને રાહતની માંગ
વૈશ્વિક તણાવની અસર સ્થાનિક અર્થતંત્ર પર નિવારવા કચ્છ માટે રાહત પેકેજ સાથે ચેમ્બરે માંગ્યા ૬ મહિના મોરેટોરિયમ : ગાંધીધામ ચેમ્બરની કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સમક્ષ રજૂઆત
ગાંધીધામ - કચ્છઉદય : કચ્છના વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્ર માટે પડકારજનક પરિસ્થિતિ સર્જાઈ રહી હોય તેવી સ્થિતિમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ નાણામંત્રી નિર્મલા સીતારામનને સંબોધીને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વધતા ભૂ-રાજકીય તણાવના પગલે ઊભા થયેલા વેશ્વિક પેટ્રોલિયમ સંકટને ધ્યાનમાં રાખીને ચેમ્બરે પરિવહન અને શિપિંગ ક્ષેત્ર માટે તાત્કાલિક રાહત પ્રેકેજ તેમજ છ મહિનાના મોરેટોરિયમની (દેવા મોકુફીની મુદ્દત) માંગ કરી છે. આ સાથે આ પત્રની નકલ,ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાને પણ મોકલવામાં આવી છે.
ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં થયેલા અચાનક અને તીવ્ર વધારાએ ભારત જેવા આયાત પર આધારિત દેશ માટે ગંભીર આર્થિક અસરો ઉભી કરી છે. ખાસ કરીને કચ્છ પ્રદેશ કે જ્યાં, બંદરો, એક્સિમ વેપાર, લોજિસ્ટિક્સ, મીઠું, સ્ટીલ, સિમેન્ટ, ઈન્શ્સ્ટ્રક્ચર અને વિવિધ એમએસએમઈ મોટા પાયે કાર્યરત છે, ત્યાં આ પરિસ્થિતિના કારણે વ્યવસાવિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર મંદી જોવા મળી રહી છે. ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ ઉલ્લેખ કર્યો હતો કે, વર્તમાન સંજોગોમાં કચ્છના શિપિંગ, ટ્રાન્સપોર્ટ એમએસએમઈ અને મેનુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઝને સ્પર્શતા ક્ષેત્રો સૌથી વધુ સંવેદનશીલ બન્યા છે અને તાત્કાલિક સહાય વિના ઘણા એકમો માટે કામગીરી જાળવવી મુશ્કેલ બની શકે છે, જેથી નબળા અને ઓછી આવક ધરાવતા વર્ગોને સીધી નાણાકીય સહાય, વ્યાજમાં રાહત અને લોન પર મોરેટોરિયમ જેવી રાહત યોજનાઓ અમલમાં મુકવાથી બજારમાં વિશ્વાસ પુનઃસ્થાપિત થશે અને અર્થતંત્રને પણ સ્થિરતા મળશે. ચેમ્બરના ખજાનચી કૈલેશ ગોરે જણાવ્યું હતું કેે, કેન્દ્ર સરકાર આ ગંભીર પરિસ્થિતિને સમજીને તાત્કાલિક યોગ્ય પગલાં લેશે અને કચ્છ સહિત દેશના ઉદ્યોગોને જરૂરી સંરક્ષણ અને પ્રોત્સાહન આપશે.
-----

Comments