ભારતમાં પહેલી વાર ૨૨૦૦ એમટી ક્રેનનો કમાલ
૧૩૬૦ ટન વજન ધરાવતા પોર્ટલ બીમનું સફળ લોન્ચ : અમદાવાદમાં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર રચાયો ઇતિહાસ : મણિનગર - અમદાવાદ રેલખંડ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ઐતિહાસિક એન્જિનિયરીંગ સિદ્ધિ
ગાંધીધામ - કચ્છઉદય : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં મુંબઈ - અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ હેઠળ મણિનગર - અમદાવાદ રેલખંડ પર અત્યંત જટિલ અને ઉચ્ચ સ્તરની એન્જિનિયરીંગ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. કિમી ૪૯૭ પર સ્થિત પિયર નંબર ૦૫ પર પ્રીકાસ્ટ આરસીસી પોર્ટલ બીમનું સફળ પ્રક્ષેપણ (લૉન્ચિંગ) કરવામાં આવ્યું, જે ભારતીય રેલવેના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ તકનીકી સિદ્ધિ તરીકે નોંધાયું છે. રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ તથા ઁરાજેશ અગ્રવાલની ઉપસ્થિતિ અને દેખરેખ હેઠળ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખિત પોર્ટલ બીમ અત્યંત વિશાળ અને ભારે સંરચના ધરાવે છે, જેનું વજન અંદાજે ૧૩૬૦ ટન છે. તેની લંબાઈ ૩૪ મીટર, પહોળાઈ ૫.૫ મીટર અને ઊંચાઈ ૪.૫ મીટર છે. ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે તેને સ્૫૦ ગ્રેડ કોંક્રીટથી બનાવવામાં આવ્યો છે, જેના કારણે તેની રચનાત્મક મજબૂતી અને દીર્ઘાયુષ્ય સુનિશ્ચિત થાય છે. જટિલ કાર્યના નિષ્પાદન માટે ૨૨૦૦ ટન ક્ષમતા ધરાવતી અદ્યતન ક્રોલર ક્રેન નો ઉપયોગ કરવામાં આવ્યો, જેનો ભારતીય રેલવેમાં પ્રથમ વખત પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ક્રેન ઉચ્ચ સ્તરની સુપર - લિફ્ટ ટેકનોલોજીથી સજ્જ છે, જે ભારે અને વિશાળ સંરચનાઓને સુરક્ષિત અને નિયંત્રિત રીતે સ્થાપિત કરવામાં સક્ષમ છે. ક્રેનના વિવિધ ભાગોને અંદાજે ૧૧૦ ટ્રેલરો દ્વારા સાઇટ સુધી પહોંચાડવામાં આવ્યા, જ્યાં નિષ્ણાત એન્જિનિયરોની દેખરેખ હેઠળ ચોકસાઈપૂર્વક અને તબક્કાવાર રીતે એસેમ્બલી કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું . આ પ્રક્રિયા પોતે જ અત્યંત જટિલ અને ટેકનિકલી પડકારજનક હતી. આ અદ્યતન ટેકનોલોજી અને સુવ્યવસ્થિત યોજનના ઉપયોગથી માત્ર કાર્યક્ષમતામાં વધારો થયો નથી, પરંતુ સમયની નોંધપાત્ર બચત પણ સુનિશ્ચિત થઈ અને ઉચ્ચતમ સુરક્ષા ધોરણોનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું.
કાર્યના સફળ નિષ્પાદન માટે મણિનગર અમદાવાદ રેલખંડ પર અંદાજે ૦૩ કલાક ૩૦ મિનિટનો ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન તમામ નિર્ધારિત સુરક્ષા ધોરણો અને પ્રક્રિયાઓનું કડક પાલન કરતાં કાર્ય સમયસર પૂર્ણ કરવામાં આવ્યું અને બ્લોક પૂર્ણ થયા બાદ રેલવે ટ્રાફિકને સુચારૂ રીતે ફરી શરૂ કરવામાં આવ્યો. આ પ્રકારના જટિલ કાર્ય માટે પૂર્વ આયોજન મુજબ તબક્કાવાર તકનીકી પ્રક્રિયા અપનાવવામાં આવી, જેમાં પ્રી-કાસ્ટિંગ, લિફ્ટર એટેચમેન્ટ, ટ્રાયલ લિફ્ટિંગ, ક્રેન પોઝિશનિંગ, સુપર-લિફ્ટ ઓપરેશન, બીમ લિફ્ટિંગ અને અંતિમ સ્થાપના જેવા તમામ મહત્વપૂર્ણ તબક્કાઓનું યોગ્ય સંકલન કરવામાં આવ્યું હતું. મુંબઈથી આવતી બુલેટ ટ્રેનનું એલાઇનમેન્ટ મણિનગર વિસ્તારમાં પરંપરાગત રેલવેના ત્રણ ટ્રેકોને ક્રોસ કરતા ઓલ્ડ રેલવે કોલોની ક્રિકેટ ગ્રાઉન્ડ, કાંકરિયા વિસ્તારમાંથી પસાર થાય છે અને આગળ અમદાવાદ સ્ટેશન તરફ જઈને સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબની દિશામાં આગળ વધે છે. કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ ટ્વીટ દ્વારા જણાવ્યું કે, “ગુજરાતના મણિનગરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ સૌથી ભારે ગર્ડર્સમાંના એકનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. તેનું વજન અંદાજે ૧,૩૬૦ મેટ્રિક ટન છે અને તેને માત્ર ૩.૫ કલાકના નિર્ધારિત સમયમાં સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની અદ્યતન હેવી-લિફ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરતા પરંપરાગત પદ્ધતિઓની તુલનામાં કાર્યની ઝડપ, ચોકસાઈ અને સુરક્ષા સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે. આ સિદ્ધિ ભારતીય રેલવે અને હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ હેઠળ આધુનિક ઢાંચાગત વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.
--------

Comments