સુરજબારીની ચૌધરી હોટેલ માટે આવતો દારૂ દસાડા પાસે પકડાયો
સુરેન્દ્રનગર પોલીસે દારૂની ૧૬ર બોટલ સાથે રાજસ્થાનના શખ્સની અટક કરી
ગાંધીધામ - કચ્છઉદય : હાલમાં ચૂંટણીના પગલે દારૂની રેલમછેલ ન થાય તે માટે અલગ અલગ સ્થળોએ પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. કચ્છની બાજુમાં આવેલ સુરેન્દ્રનગરમાં પોલીસે સામખિયાળી તરફ આવતો દારૂ ઝડપી પાડયો હતો. દસાડા ઈન્ચાર્જ પીઆઈ વી.આઈ.ખડીયા, વિજયસિંહ નકુમ સહિતનાઓને પેટ્રોલિંગ દરમીયાન સફેદ કલરની સ્વીફટ ડીઝાઈર કારમાં વિદેશી દારૂ શંખેશ્વર તરફથી નીકળી દસાડા તરફ જતો હોવાની બાતમી મળતા ગોપાલ હોટલ ૩ રસ્તે વોચ રખાઈ હતી. જેમાં બાતમીવાળી કાર આવતા પોલીસે રોકવાની કોશીષ કરતા કાર ચાલકે કાર ભગાવી હતી. જેમાં પોલીસે પીછો કરી ૫ કિમી દુર કઠાડા પાસે કારને આંતરી હતી. કારમાં તપાસ કરાતા વિદેશી દારૂની ૧૬૨ બોટલ મળી આવી હતી. આથી કાર ચાલક રાજસ્થાનના વનારામ અજમલરામ જાટની પુછપરછ કરાતા આ દારૂ સુરજબારી પાસે ચૌધરી હોટેલના સંચાલક જશરાજ નગારામ જાટને આપવાનો હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે કાર ચાલકની દારૂ, મોબાઈલ અને કાર સહિત રૂ. ૪,૦૨,૨૦૦ની મત્તા સાથે ધ૨૫કડ કરી હતી. અને આ અંગે દસાડા પોલીસ મથકે ગુનો નોંધી સુરજબારીના જશરાજ જાટને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરાઈ છે.

Comments