Trending News
સ્થાનિક સમાચાર

સજીવ ખેતીના પ્રોત્સાહક ખેડૂતોના હામી નાનાલાલ સત્રાની વિદાયથી શોકની લાગણી ફેલાઈ

07 April



શુક્રવારે કુકમા ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજાશે

કુકમા - કચ્છઉદય : કચ્છમાં સજીવ ખેતીના પ્રોત્સાહક તેમજ એરંડાના તેલને વિદેશ સુધી લોકપ્રિય કરવામાં જેમની અહમ ભૂમિકા છે તેવા અગ્રણીની વિદાયથી કચ્છના ખેડૂત વર્ગમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. તેઓને અંજલિ આપવા કુકમા ખાતે ૧૦ એપ્રિલ શુક્રવારના સભા યોજાશે.
ગાંધીધામ રહેતા નાનાલાલભાઈ સત્રા (કેસ્ટર પ્રોડકટ્‌સ કંપની નંદગામ વાળા) કે જેઓએ કચ્છને ઓર્ગેનિક કેસ્ટર ઓઈલ સપ્લાયમાં દુનિયાભરમાં સન્માન અપાવ્યું હતું. જર્મનીની ‘વાલા’ અને નેચરામસ કંપની કચ્છના ૮૦૦ ખેડૂતના ઓર્ગેનિક એરંડાનું કોલ્ડ પ્રોસેસ ઓઈલ છેલ્લા ૨૦ વર્ષથી અવિરત સપ્લાય કરી રહ્યા હતા. ખેડૂતોને ઓર્ગેનિકનું સર્ટીફીકેટ અપાવવાથી લઇ ઓર્ગેનિક પ્રીમીયમ ભાવ અપાવી સજીવ ખેતીના ખેડૂત અને સજીવ ખેતીને ખૂબ પ્રોત્સાહન અપાવ્યું છે. તે ઉપરાંત જીએમ પાક સામે પ્રોટેક્શનનું અભિયાન હોય કે કચ્છના ખેડૂતને કૃષિ કોલેજ અપાવવાની વાત હોય હંમેશ તેમની અગ્રણી ભૂમિકા રહી છે. તે જ રીતે ગ્રાહકોને સજીવ ખેતીનું વિષમુકત કૃષિ ઉત્પાદનો મળે તે માટે પણ ગાંધીધામ શહેરના લોકો માટે ‘ઓર્ગેનિક ટ્રેડ લિંક’ નામના વિતરણ કેન્દ્રનો આરંભ કરાવવામાં પણ તેમની ઈચ્છાશક્તિ રહી છે. આમ કચ્છની પ્રાકૃતિક ખેતીની ચળવળના તેઓ સાચા સિપાહી તરીકે તેમનું યોગદાન રહ્યું છે. કૃષિ મૂલ્યવર્ધન અને માર્કેટિંગ ખાસ કરીને એક્ષપોર્ટ માર્કેટમાં દુનિયામાં તેઓના પ્રયાસો રહ્યા છે અને ખેડૂતોને ખાતર તરીકે એરંડા અને લીંબોડી ખોળની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને લીંબોડી પ્રોસેસિંગ કરવાનું, આંબાનું ટીન પેકિંગ કોલ્ડ પ્રોસેસ એરંડ તેલ અને આંબાની ગોટલી પણ તેઓ એક્ષ્પોર્ટ કરી રહ્યા હતા. તેઓ આ તમામ વિષયના અભ્યાસુ હતા અને તેમનું માર્ગદર્શન અનેક સંસ્થાઓ, સરકારની પોલીસી માટે આપવા હંમેશ તત્પર રહેતા. તેમના સહજ અને સરળ સ્વભાવ સાથે ખેડૂત ભાઈને ઉપયોગી થવાની તેમની પ્રબળ ભાવના, વતનપ્રેમ આ બધા જ સદ્દગુણોને અંજલિ આપવા તેમજ તેમના અધૂરા કાર્યોને આગળ ધપાવવા માટે રામ કૃષ્ણ ટ્રસ્ટ કુકમા ખાતે તા.૧૦ એપ્રિલ શુક્રવારના સાંજે ૩.૩૦ થી ૫ વાગ્યા સુધી એક સભાનું આયોજન કરાયું છે, જેમાં કિસાનો ઉપસ્થિત રહે તેવી અપીલ કરાઈ છે. 
-------

Comments

COMMENT / REPLY FROM