સર્વને સમાન ન્યાયના ધ્યેય સાથે કચ્છને એમયુવી બોલેરો નીઓ વાહનનની ફાળવણી
ભુજ - કચ્છઉદય : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદ દ્વારા નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી (નાલસા)ની ગ્રાન્ટ હેઠળ કાનૂની જાગૃતિ ફેલાવવા તથા લીગલ એઈડ પ્રવતિઓને વધુ અસરકારક બનાવવા માટે કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને મલ્ટી યુટીલીટી વ્હીકલ તરીકે મહિન્દ્રા બોલેરો નીઓ વાહનની ફાળવણી કરવામાં આવી છે.
આ વાહન ફલેગ ઓફ સમારંભનું આયોજન ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિક્રમનાથ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ તેમજ ન્યાયમૂર્તિ એન.વી. અંજારીયા, ન્યાયમૂર્તિ વિપુલ પંચોલી સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટના જજ અને ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના એકિઝક્યુટીવ ચેરમેન ન્યાયમૂર્તિ એ. વાય કોગ્જે તથા નીર્જર એસ. દેસાઈ, એડમીનીસ્ટ્રેટીવ જજ, જિલ્લો કચ્છ સહીત અન્ય ન્યાયમૂર્તિઓ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સભ્ય સચિવ હેતલ પવારે કર્યું હતું. આ પ્રસંગે રાજ્યભરના જિલ્લા અદાલતોના મુખ્ય ન્યાયાધિશો તેમજકચ્છ જિલ્લા ન્યાયાધિશ મહિડા દિલીપ પી. પણ ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલત, મધ્યસ્થિકરણ તથા કાનૂનિ જાગૃતિ કાર્યકમો સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા વર્ષ દરમ્યાન યોજાયેલી ચાર રાષ્ટ્રિય લોક અદાલતોમાં કચ્છ જિલ્લાએ સમાધાનકારી કેસોના નિકાલમાં સારી કામગીરી કરી છે. આ નવા વાહનની ફાળવણીથી કચ્છ જિલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં વસતા નાગરીકો સુધી કાનૂની જાગૃતિ વધુ ઝડપથી પહોંચવામાં સહાય મળશે. આ વાહન દ્વારા લીગલ એઈડની આઉટરિચ પ્રવૃતિઓને વધુ વેગ મળશે અને સર્વેને સમાન ન્યાયના ધ્યેયને સાકાર કરવામાં મદદ મળશે તેવું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, કચ્છ - ભુજના સચિવ બી.એમ. પ્રજાપતિએે જણાવ્યું હતું.
-----

Comments