ચૂંટણીમાં ચા - કોફીના રૂ.10, નાસ્તાના રૂ.63, ઢોલ નગારાવાળાના રૂ.1000 નક્કી
રાજકોટમાં ઉમેદવાર દીઠ કોર્પોરેશનમાં રૂ.9 લાખ, જિ. પંચાયતમાં રૂ.6 લાખ, તા.પંચાયતમાં રૂ.3 લાખની મર્યાદા : પ્રતિ કિમી સ્કૂટરનો રૂ.3, કારનો રૂ.6 ફ્યુઅલ ખર્ચ
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની નિયત મર્યાદા જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી લડતાં ઉમેદવાર રૂ.9 લાખ, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતાં ઉમેદવાર રૂ.6 લાખ તો તાલુકા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવાર રૂ.3 લાખ સુધીનો ખર્ચ કરી શકશે. આ ઉપરાંત ચા - કોફીના રૂ.10, દૂધના ગ્લાસના રૂ.30, નાસ્તાના રૂ.63, ભોજનના રૂ.100 નક્કી કરવામાં આવ્યા છે. આ સાથે જ ઢોલ નગારાના 1 વ્યક્તિ દીઠ રૂ.1000, કેશિઓ પાર્ટી (લારી સાથે) 1 યુનિટના રૂ.2000 તો ડી.જે. પાર્ટી વાહન સાથે 1 યુનિટનો રૂ.10000 નો ખર્ચ મંજૂર થયો છે. આ સિવાય સ્કુટરનો ફયુઅલનો ખર્ચ પ્રતિ કિમી રૂ.2 થી રૂ.3 અને કારનો ફયુઅલનો ખર્ચ પ્રતિ કિમી રૂ.5 થી રૂ.6 મંજૂર કરવામાં આવ્યા છે.

Comments