ગાંધીધામ હાઇવે પર ગાંજાની ખેતીનો પર્દાફાશ
ભચાઉ પોલીસે ૩.૪૦ લાખના છોડ અને ૧પપ૦૦ નો ગાંજો કબજે કર્યો
ભચાઉ - કચ્છઉદય : પૂર્વ કચ્છના ભચાઉ - ગાંધીધામ હાઇવે પર પોલીસે ગાંજાની ખેતી ઝડપી પાડી હતી. આઈ માતા હોટલ નજીકના હનુમાનજી મંદિર પરિસરમાં દરોડો પાડીને મંદિરના મહંતને નશીલા પદાર્થ ગાંજાના છોડ અને સુકા જથ્થા સાથે રંગેહાથ ઝડપી લીધો છે. પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ડી. ઝાલા અને તેમની ટીમને ગુપ્ત રાહે બાતમી મળી હતી કે ગાંધીધામ હાઇવે પર પ્રગટ પહાડી હનુમાનજી મંદિરના મહંત લખનગીરી મુનશીલાલ પોતાના કબ્જા હેઠળના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરી રહ્યા છે. આ હકીકત મળતા પોલીસની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી ગાંજાના પ૯ નંગ મોટા છોડ મળી આવ્યા હતા, જેનું વજન આશરે ૬.૮૦૦ કિલોગ્રામ હોવાનું માલૂમ પડ્યું છે. આ ઉપરાંત મંદિરના ઓરડામાંથી ૩૧૦ ગ્રામ જેટલો સુકો ગાંજો પણ મળી આવ્યો હતો. પોલીસે પૂજારી લખનગીરીની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ગાંજાના છોડ અને સુકા જથ્થાની બજાર કિંમત આશરે સાડા ત્રણ લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. પોલીસે આ મામલે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુન્હો નોંધીને પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે કે આ નશીલા પદાર્થોનું વેચાણ ક્યાં કરવામાં આવતું હતું અને તેની સાથે અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ ? તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Comments