Trending News
સ્થાનિક સમાચાર

ભુજ નગરપાલિકા અને વિધાનસભા બેઠકનો આંતર-સંબંધ હંમેશા રહ્યો છે ગાઢ

07 April



 વિધાનસભામાં જે પક્ષના પ્રતિનિધિ મોકલ્યા હોય તે પક્ષને શહેરનું સુકાન સોંપવાની ભુજવાસીઓએ મહદઅંશે જાળવી છે પરંપરા 

ભુજ પાલિકામાં ૧૯૯૦ સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું : ત્રણ દાયકા દરમિયાન જૂના નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રભાવ હેઠળ ચાલતો હતો વહીવટ : ૧૯૯૦ના દાયકામાં રાજકીય પરિવર્તન આવ્યું અને ભાજપના શાસનનો નખાયો પાયો : છેલ્લા સાડા ત્રણ દાયકાથી ભુજ શહેર બન્યું ભારતીય જનતા પાર્ટીનું ગઢ 


આગામી ચૂંટણીમાં ભુજની જનતા સત્તાધારી પક્ષની વિચારધારા પર વિશ્વાસ મૂકીને ફરી એકવાર પુનરાવર્તન કરશે, કે પછી માળખાગત સુવિધાઓના અભાવને ધ્યાનમાં રાખી સત્તા પરિવર્તન માટે  કરશે મતદાન : રાજકીય પંડિતો માંડી રહ્યા છે મીટ 



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ શહેર માત્ર ભૌગોલિક રીતે જ નહીં પરંતુ રાજકીય અને વહીવટી દ્રષ્ટિએ પણ ગુજરાતના ઇતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ૨૬મી તારીખે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પૂર્વે ભુજ નગરપાલિકાનો ઇતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ અત્યંત રસપ્રદ બની છે. ભુજ નગરપાલિકાની સ્થાપના અને તેના શાસકોનો ઇતિહાસ પશ્ચિમ ભારતમાં લોકશાહી વિકેન્દ્રીકરણની પ્રક્રિયાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. આ શહેરનો વહીવટી ઇતિહાસ કચ્છ રજવાડાના સમયથી આરંભાય છે. ૧૯૪૭માં આઝાદી બાદ કચ્છને ’પાર્ટ સી’ સ્ટેટ તરીકે ભારતીય સંઘમાં ભેળવવામાં આવ્યું અને ત્યારબાદ ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના સાથે ભુજ તેનો અભિન્ન અંગ બન્યું હતું. ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ હેઠળ ભુજ નગરપાલિકાને કાયદાકીય સ્વાયત્તતા મળી હતી.
ભુજ નગરપાલિકાના રાજકીય ઇતિહાસમાં ૧૯૬૦થી ૧૯૯૦ સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું હતું. આ ત્રણ દાયકા દરમિયાન જૂના નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રભાવ હેઠળ વહીવટ ચાલતો હતો. જોકે, ૧૯૯૦ના દાયકામાં રાજકીય પરિવર્તન આવ્યું અને ભાજપના શાસનનો પાયો નખાયો હતો. ત્યારબાદ મુકેશ ઝવેરીના નેતૃત્વમાં ભાજપે પોતાની પકડ વધુ મજબૂત બનાવી હતી. ખાસ કરીને ૨૦૦૧ના વિનાશક ભૂકંપ પછી ભુજ શહેરની કાયાપલટ થઈ છે. ભૂકંપ બાદ નવી રીલોકેશન સાઈડોનું નિર્માણ થતાં ભુજ શહેરનું ભૌગોલિક ક્ષેત્રફળ વ્યાપક સ્તરે વિસ્તર્યું છે. આજે ભુજ શહેર મહાનગર બનવા તરફ ડગ માંડી રહ્યું છે અને શહેરી આયોજનમાં ધરખમ ફેરફારો જોવા મળ્યા છે.
ગત વખતે પણ ભુજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. અગાઉ અરુણભાઈ વચ્છરાજાની, સ્વ. રસિકભાઈ ઠક્કર, હેમલતાબેન ગોર, નરેન્દ્રભાઈ ઠક્કર વગેરે જેવા નેતાઓએ પણ શહેરના વિકાસમાં પ્રમુખ તરીકે ફાળો આપ્યો છે. ભુજ વિધાનસભા બેઠક પર ડૉ. નીમાબેન આચાર્યએ લાંબો સમય ધારાસભ્ય તરીકે સેવા આપી અને ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ પદ સુધી પહોંચ્યા હતા, જે ભુજની રાજકીય ક્ષમતા દર્શાવે છે. અત્યારે ૨૦૨૨થી કેશુભાઈ શિવદાસ પટેલ વિધાનસભામાં ભુજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સામાન્ય રીતે ભુજ નગરપાલિકામાં વિધાનસભામાં જે રાજકીય પક્ષના પ્રતિનિધિ હોય તે પક્ષનું શાસન જ રહ્યું છે.
લોકશાહી પ્રક્રિયામાં ક્યારેક વહીવટી અનિવાર્યતાને કારણે વહીવટદાર શાસન પણ લાદવામાં આવ્યું છે. ૧૯૯૧-૯૨ના ગાળામાં વસ્તી ગણતરીના આંકડા અને વોર્ડ સીમાંકનના વિલંબને કારણે ભુજમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી હતી. ભુજ નગરપાલિકા અને વિધાનસભા બેઠકનો આંતર-સંબંધ હંમેશા ગાઢ રહ્યો છે. ૧૯૬૨માં સ્વતંત્ર પક્ષના ગુલાબશંકર અમૃતલાલથી શરૂ થયેલી આ સફર ૧૯૮૫માં કુમુદિની પંચોલીના મહિલા નેતૃત્વ અને ૨૦૨૨માં કેશુભાઈ શિવદાસ પટેલના વર્તમાન પ્રભુત્વ સુધી વિસ્તરેલી છે. આજે ભુજ નગરપાલિકા સામે શહેરનો વિકાસ કરવાનો અને વધતી જતી વસ્તીને અનુરૂપ આવાસ તથા ટ્રાફિકની સમસ્યાઓ ઉકેલવાનો મુખ્ય પડકાર છે. કોંગ્રેસના પાયાના કામોથી લઈને ભાજપના આધુનિક વિકાસાત્મક અભિગમ સુધીની આ લાંબી સફર ભુજની રાજકીય ચેતનાનો પરિચય આપે છે. આગામી ૨૬ તારીખે યોજાનાર મતદાનમાં ભુજવાસીઓ માટે વિકાસ અને પાયાની સુવિધાઓ મુખ્ય મુદ્દો બની રહ્યા છે. ભલે ભુજ શહેરનું નવનિર્માણ થયું હોય અને મહાનગર બનવા થનગની રહ્યું હોય, પરંતુ હજુ પણ શહેરમાં કેટલીક માળખાગત સુવિધાઓનો અભાવ નાગરિકોને ખટકી રહ્યો છે. પીવાનું પાણી, ગટર વ્યવસ્થા અને ટ્રાફિક જેવા પ્રશ્નો હજુ પણ સતાવી રહ્યા છે. ત્યારે સવાલ એ ઉભો થયો છે કે શું ભુજની જનતા સત્તાધારી પક્ષની વિચારધારા પર વિશ્વાસ મૂકીને ફરી એકવાર પુનરાવર્તન કરશે, કે પછી માળખાગત સુવિધાઓના અભાવને ધ્યાનમાં રાખી સત્તા પરિવર્તન માટે મતદાન કરશે. ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો વચ્ચે રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે અને સમગ્ર જિલ્લાની મીટ ભુજ નગરપાલિકાના પરિણામો પર મંડાઈ છે.


.......................


 

Comments

COMMENT / REPLY FROM