આધોઈ સોપારી દાણચોરી કાંડ : કાસેજ કસ્ટમ્સમાં મોટી કાર્યવાહી લાપરવાહ કસ્ટમના પીઓ સસ્પેન્ડ : અન્યોમાં ફેલાયો ગભરાટ
સાયબર ક્રાઈમ પોલીસે આધોઈ પાસે દોઢ કરોડના પકડેલ સોપારી પ્રકરણમાં હવે કાસેઝમાથી કાર્યવાહી શરૂ : જોનના તટસ્થ ડીસીશ્રી પાટીલ અને કસ્ટમ ડીસી શ્રી ભાનુજૈનનો ભ્રષ્ટ તત્વોને કડક શબક
ઝોન બહાર ગેટ પરથી ગાડી નીકળી જ કેવી રીતે ગઈ? બે જેડીસી કક્ષાના અધિકારીઓની ચાલુ તપાસ વચ્ચે સિન્ડીકેટના એક કર્મચારીને અપાયું પાણીચું : દોઢ કરોડની સોપારીના દાણચોરી પ્રકરણમાં વિજિલન્સ તપાસ બાદ એક્શન, મોટા સિન્ડિકેટના સંકેતો વચ્ચે વડોદરા ઝોનમાં પરત મોકલાયા
ખાટલે મોટી ખોટ : મોટી સિન્ડિકેટની આશંકાઃ જાણકારોના મતે દોઢ કરોડની કિંમતનો માલ કસ્ટમ્સના ગેટ પરથી પસાર કરવો એ માત્ર એક પી.ઓ.કક્ષાના અધિકારીનું કામ નથી. આમાં એક આખી સિન્ડિકેટ અને ઉચ્ચ અધિકારીઓની મિલીભગત હોવાની પ્રબળ શક્યતા છે.કાસેઝથી નીકળેલી ગાડીમાં સોપારી જ હતી કે પછી અન્ય કંઈ નીકળી જવા પામ્યું છે? પોલીસ કેમ હજુ સુધી આ તપાસમાં મગનું નામ મરી નથી પાડતી? ડ્રગ્સ કે પછી અન્ય કોઈ સંદિગ્ધ ચીજવસ્તુઓ તો નીકળી
જવા નથી પામીને?
ગાંધીધામ : કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન માં ચકચારી બનેલા દોઢ કરોડ રૂપિયાના સોપારી દાળ ચોરી કાંડમાં આખરે ભ્રષ્ટાચારી અધિકારીઓ પર ગાજ પડી છે. કાસેજ કસ્ટમ્સના લાપરવાહ બનેલા કે રહી ગયેલા અથવા તો કોઈ મોટી સિન્ડીકેટના ભાગ પૈકીના એક એવા પીઓની સામે ઝોનના ઈન્ચાર્જ તટસ્થ ડી.સી. શ્રીપાટીલ દ્વારા હાથ ધરવામાં આવેલી કડક તપાસ અને વિજિલન્સ કમિટીના પ્રાથમીક અહેવાલ બાદ, જયારે દાણચોરીયુકત ટ્રેઈલર નીકળયુ તે વખતના ગેટ પરના ફરજ પરના કસ્ટમના પીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્શન બાદ તેમની વડોદરા ઝોનમાં બદલી પણ કરવામાં આવી છે.આ મામલે મળતી વિગતો મુજબ સહેજ વિગતે વાત કરીએ તો કાસેજના ગેટ પરથી જે અધિકારીની હાજરીમાં સોપારી ભરેલી ગાડી ગેરકાયદેસર રીતે બહાર નીકળી હતી, તે અંગે જે.ડી.સી. કક્ષાના બે અધિકારીઓની વિજિલન્સ કમિટીએ ઝીણવટભરી તપાસ કરી હતી. કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રીની સાયબર ક્રાઈમની ટીમ દ્વારા પણ તપાસ કર્યા બાદ કસ્ટમને સોપલા જરૂરી સાધનીક પુરાવા બાદ આ કાર્યવાહી થવા પામી છે. કાસેઝ ડીસીશ્રી દ્વારા આ પ્રકારની કરાયેલી કડક કાર્યવાહથી અન્ય ભ્રષ્ટ તત્વોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાનો વર્તારો જોવા મળી રહ્યો છે.
..................................
શંકાના દાયરામાં
‘મારુત મોડેલ’વાળી પ્રદીપ ટોળકી..!
ગાંધીધામ : આ સમગ્ર પ્રકરણમાં ‘મારુત મોડેલ’ વાળા પ્રદીપ નામના વ્યક્તિની સંડોવણી હોવાની વ્યાપક ચર્ચાઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદીપના ઇશારે જ આ પ્રકારની ડ્યુટી ચોરીના કારસ્તાનો થતા હોય છે.ચર્ચા મુજબ, પ્રદીપ જેવા તત્વોએ સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી માત્ર સોપારી જ નહીં, પરંતુ વિવિધ કોમોડિટીમાં કરોડોની ડ્યુટી ચોરી કરીને તંત્રને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ભ્રષ્ટાચારી તત્વો આ પ્રકરણ પર પડદો પાડવા માટે સક્રિય થયા છે, ત્યારે તપાસનો દોર પ્રદીપ જેવા મુખ્ય સૂત્રધારો સુધી લંબાવવો જરૂરી બન્યો છે.
............................
હવે કોનો વારો?
ગાંધીધામ : કાસેઝમાં કસ્ટમના એક ભ્રષ્ટ અથવા તો બેદરકાર શખ્સ પર તવાઈ આવ્યા બાદ કસ્ટમ્સ વિભાગના અન્ય કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શું તપાસ આ એક સસ્પેન્શન સાથે પૂર્ણ થઈ જશે? કે પછી આ આખી લિંકમાં જોડાયેલા અન્ય માથાઓ પણ બેનકાબ થશે? તે હવે જોવાનું રહેશે.
............................
સવાલોના ઘેરામાં કાસેજઃ જનતા અને તંત્ર પૂછી રહ્યું છે આ પ્રશ્નો..
૧ શું દોઢ કરોડની સોપારી ભરેલી ટ્રક માત્ર એક સસ્પેન્ડ કરાયેલ પીઓની મંજૂરીથી બહાર નીકળી શકે? આની પાછળ કોઈ ઉચ્ચ અધિકારી કે આખી સિન્ડિકેટ તો નથી ને? ૨ તપાસમાં જેનું નામ સતત ગાજી રહ્યું છે તે ‘મારુત મોડેલ’ વાળો પ્રદીપ કોણ છે? અને કસ્ટમ્સમાં તેની આટલી બધી દખલગીરી કેવી રીતે છે? ૩ શું કસ્ટમ્સના ગેટ પર લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ અને જે-તે સમયના એન્ટ્રી-એક્ઝિટ રજિસ્ટર સાથે ચેડાં કરવામાં આવ્યા છે? ૪ ૧ને સસ્પેન્ડ કર્યા બાદ તપાસ અહીં જ અટકી જશે, કે પછી આ ‘લિન્ક’માં જોડાયેલા અન્ય અધિકારીઓ સુધી પણ તપાસનો દોર લંબાવાશે? ૫ સોપારી સિવાય અન્ય કઈ કઈ કિંમતી કોમોડિટીઝમાં અત્યાર સુધી આ પ્રકારે ડ્યુટી ચોરી કરીને સરકારને કરોડોનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે?૬ જાણકારો કહી રહ્યા છે કે ‘સામ-દામ-દંડ-ભેદ’ ની નીતિ વાપરીને કેસને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, શું વિજિલન્સ વિભાગ આ દબાણો સામે ઝુક્યા વગર સત્ય બહાર લાવશે? ૭ ગેટ પર તૈનાત જે નીચલા સ્તરના કર્મચારીઓ ની હાજરીમાં આ ટ્રક નીકળી, શું તેમની પૂછપરછમાં કોઈ ‘મોટા માથા’ ના નામ ખુલ્યા છે?

Comments