Trending News
સ્થાનિક સમાચાર

નવ હજાર કર્મચારીઓ અને ચાર હજાર ઈવીએમ સાથે કચ્છનું વહીવટી તંત્ર સજ્જ

06 April


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - ૨૦૨૬


ચૂંટણી અધિકારીઓની તાલીમ પૂર્ણ અને આચારસંહિતાના ચુસ્ત પાલન માટે ૧૦ નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ


ભુજ - કચ્છઉદય : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવતાની સાથે જ કચ્છ જિલ્લામાં પણ ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની ગઈ છે. કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચની સ્થાયી સૂચનાઓ અનુસાર જિલ્લામાં તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના આદેશ બાદ સોમવારથી જ ઉમેદવારી પત્રો ભરવાની એટલે કે નોમિનેશનની પ્રક્રિયાનો પણ વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને સુચારુ બનાવવા માટે આયોજનબદ્ધ રીતે આગળ વધવામાં આવી રહ્યું છે.
ચૂંટણીના સફળ સંચાલન માટે માનવબળ અને તાલીમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર ચૂંટણી કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલા ચૂંટણી અધિકારીઓની તાલીમની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં વિવિધ મતદાન મથકો એટલે કે બૂથ પર ફરજ બજાવનારા મતદાન અધિકારીઓ અને અન્ય કર્મચારીઓની નિમણૂક કરવાની સાથે તેઓને જરૂરી તાલીમ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉદભવતી વિવિધ કામગીરીના વ્યવસ્થાપન માટે ૧૦ જેટલા નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારીઓને મુખ્યત્વે ઈવીએમ મશીનની તૈયારી, આચારસંહિતાનું પાલન અને કર્મચારીઓની તાલીમ જેવી મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં આ વખતે મહાનગરપાલિકા, નગરપાલિકાઓ તેમજ પંચાયત સ્તરની ચૂંટણીઓ એકસાથે યોજાવાની હોવાથી મોટા પાયે સંસાધનોની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે માહિતી આપી હતી કે આ ચૂંટણીઓ માટે અંદાજે ૪૦૦૦ થી વધુ ઈવીએમ મશીનો ફાળવવામાં આવ્યા છે. હાલમાં આ મશીનોની પ્રથમ સ્તરની ચકાસણી એટલે કે ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા ચાલી રહી છે, જે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરી લેવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને ન્યાયી અને મુક્ત વાતાવરણમાં સંપન્ન કરવા માટે અંદાજે ૯૦૦૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીલક્ષી ફરજો સોંપવામાં આવનાર છે. આમ, વહીવટી તંત્ર દ્વારા સમયબદ્ધ આયોજન અને પૂરતા સ્ટાફ સાથે જિલ્લામાં લોકશાહીના આ પર્વને ગરિમાપૂર્ણ રીતે ઉજવવા માટેની તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
------------ 

Comments

COMMENT / REPLY FROM